તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન નજીક ‘હિટ એન્ડ રન': નવાગામના મનસુખભાઇનું મોત
સિક્યુરીટીની નોકરી પુરી કરી ઘરે આવતાં'તા ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો : સાંજે ચાલીને ઘરે આવતાં હતાં તે વખતે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ભાખોડીયા-કોળી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર વધુ એક વખત જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. નવાગામમાં રહેતાં પ્રોૈઢ સાંજે સિક્યુરીટીની નોકરી પુરી કરીને ચાલીને ઘરે આવી રહ્યા હતાં ત્યારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની નજીક પૂલ પર હિટ એન્ડ રનની ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. કોઇ અજાણ્યો વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા સાથે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ નવાગામ સાત હનુમાન પાસે ઢોળા પર રહેતાં મનસુખભાઇ નટવરભાઇ ભાખોડીયા-કોળી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સાંજે સાતેક વાગ્યે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગે પૂલ પર ચાલીને આવી રહ્યા હતાં ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. એ દરમિયાન તેમના સગા પરિવારજનોને જાણ થતાં તેઓ પણ પહોંચી ગયા હતાં.
મનસુખભાઇને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ વહેલી સવારે મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. સી. જે. ઝાલાએ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. વી. જે. ગોહેલ સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મનસુખભાઇ ભાખોડીયા ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. મનસુખભાઇ કુવાડવા રોડ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. સાંજે નોકરીએથી છુટીને પગપાળા નવાગામ ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મોભીના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:13 AM IST)










