તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મવડીના ૨૬ વર્ષિય હિતેન વાલંભીયાનું પીપલાણા ગામે પોતાના કારખાને હાર્ટએટેક આવતાં મૃત્યુ
પેટમાં ગેસ જેવુ થતાં દવા લીધી, સારુ થઇ ગયું: મોટા ભાઇ રાજકોટ મુકવા આવતાં હતાં ત્યારે રસ્તામાં તબિયત બગડીઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના યુવાન પુત્રનું મૃત્યુ થતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. મવડીમાં રહેતાં ૨૬ વર્ષના યુવાનને તે કોટડા સાંગાણીના પીપલાણા ગામે પોતાના કારખાને હતો ત્યારે હાર્ટએટેક આવી જતાં સારવાર માટે ખસેડતી વખતે તબિયત વધુ બગડી ગયા બાદ મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મવડી ડ્રીમસીટી સામે ક્રિસ્ટલ હેવન સી-વીંગ ફલેટ નં. ૫૦૨માં રહેતો હિતેનભાઇ ભાવશેભાઇ વાલંભીયા-ગુર્જર સુથાર (ઉ.વ.૨૬) નામનો યુવાન પીપલાણા ગામે પોતાના કારખાને ગઇકાલે હતો ત્યારે પેટમાં ગેસ જેવુ થતાં મોટા ભાઇ ગોૈરવભાઇ તેને ત્યાં દવાખાને લઇ ગયા હતાં. દવા-સારવાર બાદ સારુ થઇ ગયુ હતું. ત્યારબાદ ગોૈરવભાઇ તેને રાજકોટ ઘરે મુકવા જવા નીકળ્યા તે વખતે રસ્તામાં ફરી તબીયત બગડતાં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને કરી હતી. ગોૈરવભાઇના કહેવા મુજબ હાર્ટએટક આવી ગયો હતો. મૃત્યુ પામનાર હિતેનભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તેમના સગપણની વાત નક્કી થઇ ગઇ હતી. યુવાન આશાસ્પદ દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(4:15 PM IST)










