News of Saturday, 2nd May 2026
રૈયાધારમાં હિતેષ ધામેલીયાએ પત્નિ નમ્રતા અને માતા સુધાબેનને માર મારી ધમકી દીધી
મામાના બર્થડેમાં બધા ભેગા થયા હોઇ હિતેષે પત્નિને પાણી ભરી આવવાનું ને પોતાનો હુકમ માનવાનું કહી ડખ્ખો કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: રૈયાધાર ૧૨ માળીયામાં રહેતાં શખ્સે મામાના જન્મદિવસ નિમીતે બધા ભેગા થયા હોઇ ત્યારે પોતાની પત્નિને પાણી ભરી આવવાનું કહી તારે મારો હુકમ પહેલા માનવાનો તેમ કહી માર મારી પોતાની માતા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. તેમજ પત્નિને જો તું તારા બાપના ઘરે નહિ જા તો તને અને મારી માતા બંનેને છરીના ઘા મારી પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ૧૨ માળીયા ક્વાર્ટર એ-વિંગમાં પાંચમા માળે રહેતાં નમ્રતાબેન હિતેષભાઇ ધામેલીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેના પતિ હિતેષ સુનિલ ધામેલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નમ્રતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતી સાથે રહુ છુ અને મારે સંતાનમા બે દિકરી છે. રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નીચેના ભાગે મારા સાસુના સગા ભાઈ પ્રદિપભાઈનો જન્મદિન હોવાથી અમે બધા ભેગા થયેલા હોઇ આ વખતે મારા પતિ હિતેષ તથા મારા સાસુ સુધાબેન, હુ તથા મારા દેરાણી પુજાબેન એમ અમે બધા હાજર હતા ત્યારે મારા પતિએ મને કહેલ કે તું મારા માટે પાણી ભરી આવ. જેથી મેં થોડીવાર પછી જઇશ તેમ કહેતાં તે મને ગાળો દેવા માંડયો હતો અને તારે હુકમ પહેલા માનવાનો પછી બીજુ બધુ..તેમ કહી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યાં મારા સાસુ તથા બીજા લોકો તેને સમજાવવા લાગતા તે માનવા તૈયાર થયા નહિ અને મને ઢીકા પાટુનો મારા મારવા લાગેલ.
મને વધુ મારથી બચાવવા સાસુ સુધાબેન વચ્ચે આવતાં તેને પણ મારા પતિએ ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. બાદમાં પતિએ મને કહેલ તુ અહિંથી જતી રહેજે તારા બાપના ઘરે, નહિતર તને અને મારી માતા સુધા બંનેને છરીથી ઘા મારી દઈશ. આથી હું ગભરાઇગઇ હતી. એ પછી હું અને મારા સાસુ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા હતાં. તેમ વધુમાં નમ્રતાબેને કહેતાં હેડકોનસ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.
(2:41 PM IST)










