News of Sunday, 28th June 2026
રોકાણના નિર્ણયોમાં AI કરતા મનુષ્યો પર વધુ ભરોસો: ૬૨ ટકા કરોડપતિ રોકાણકારો હજુ પણ અનુભવી સલાહકારોને જ માને છે સર્વોપરી
ડેટા એનાલિસિસ માટે AI નો વધતો ઉપયોગ, પરંતુ લાખોના રોકાણ માટે માનવ અનુભવ અને સમજણ પર જ ટકેલો છે વિશ્વના ધનિકોનો વિશ્વાસ

રાજકોટ : વિશ્વની સૌથી મોટી બેંક HSBC દ્વારા કરવામાં આવેલા તાજેતરના વૈશ્વિક સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આધુનિક યુગમાં AI ટેકનોલોજીનો વ્યાપ વધવા છતાં ૬૨ ટકા શ્રીમંત રોકાણકારો હજુ પણ તેમના નાણાકીય નિર્ણયો માટે મનુષ્યો એટલે કે અનુભવી સલાહકારો પર જ વધુ ભરોસો મૂકે છે. ૧૦ દેશોના આશરે ૧૦,૦૦૦ જેટલા ઉચ્ચ-નેટ-વર્થ ધરાવતા રોકાણકારો વચ્ચે થયેલા આ સર્વેમાં સ્પષ્ટ થયું છે કે, AI ડેટા અને રિસર્ચ માટે એક ઉત્તમ સાધન છે, પરંતુ અંતિમ નિર્ણય લેતી વખતે રોકાણકારો હજુ પણ વ્યક્તિગત સમજણ અને માનવ અભિગમને વધુ વિશ્વસનીય માને છે.
સર્વેના તારણો મુજબ, AI સેકન્ડોમાં જટિલ બજાર વિશ્લેષણ અને કંપનીઓની તુલના કરી આપે છે, જેના કારણે પ્રારંભિક સંશોધનમાં રોકાણકારો AI નો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. જો કે, બજારની અસ્થિરતા, રાજકીય ઘટનાઓ, વૈશ્વિક નીતિઓ અને કંપની મેનેજમેન્ટના નિર્ણયો જેવા પરિબળોને સમજવા માટે માનવ અનુભવની કોઈ સબસ્ટીટ્યુટ નથી. રોકાણકારોનું માનવું છે કે AI તેમની ઉંમર, જોખમ લેવાની ક્ષમતા અને લાંબા ગાળાના આર્થિક લક્ષ્યોને વ્યક્તિગત રીતે સમજી શકતું નથી, જે એક માનવ સલાહકાર જ કરી શકે છે.
બીજી તરફ, JPMorgan Chase ના સીઈઓ જેમી ડિમોને AI ના વધતા પ્રભાવ સામે ગંભીર સાયબર સુરક્ષા જોખમોની ચેતવણી આપી છે. તેમણે વ્યંગાત્મક રીતે જણાવ્યું છે કે અદ્યતન AI મોડેલ જો ખોટા હાથમાં જાય, તો તે ખતરનાક વ્યક્તિને બેલિસ્ટિક મિસાઇલ આપવા સમાન જોખમી બની શકે છે. ડિમોનના મતે, AI ના દુરુપયોગથી નાણાકીય છેતરપિંડી અને સાયબર હુમલાઓનું જોખમ અનેકગણું વધી ગયું છે, જે રોકાણકારો માટે મોટી ચિંતાનો વિષય છે.
નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં રોકાણની દુનિયામાં 'હ્યુમન પ્લસ AI' મોડેલ સૌથી સફળ સાબિત થશે, જ્યાં AI ડેટા આપશે અને મનુષ્યો વ્યૂહરચના બનાવશે. સરેરાશ રોકાણકારોએ AI નો ઉપયોગ માત્ર માહિતી મેળવવાના સાધન તરીકે કરવો જોઈએ અને અંતિમ રોકાણ નિર્ણય લેતી વખતે પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ટેકનોલોજી જેટલી શક્તિશાળી છે, તેનો ઉપયોગ તેટલો જ સાવચેતીપૂર્વક અને વિવેકબુદ્ધિથી કરવો એ જ રોકાણકારો માટે સુરક્ષિત માર્ગ છે.
(12:03 PM IST)










