<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

આપઘાત કરવાનો વિચાર આવે તો પોલીસના ‘જીવન આસ્‍થા કેન્‍દ્ર'નો તુરંત સંપર્ક કરો

આર્થિક સંકડામણ, ભણતરનો ભાર, કોૈટુંબીક વિખવાદ કે અન્‍ય કોઇપણ માનસિક તણાવને કારણે હતાશા-નિરાશા અનુભવતો માસણ ભરતો હોય છે અંતિમ પગલું: રાજકોટમાં આત્‍મહત્‍યાનો દર ૩૯.૩ ટકા જેટલો ચિંતાજનક-જે દેશના ૫૩ શહેરોમાં બીજા સ્‍થાને : રાજકોટ શહેર પોલીસે શરૂ કરી ૨૪×૭ આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇનઃ ૯૭૧૨૩ ૪૭૭૪૪ અથવા ૧૧૨ પર કોલ કરો જીવન અમુલ્‍ય છે, કોઇપણ સમસ્‍યાનો ઉકેલ લાવી શકાયઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્‍તે હેલ્‍પલાઇન કેન્‍દ્ર ખુલ્લુ મુકાયું રાજકોટમા ૪ વર્ષમાં ૨૧૩૨ લોકોએ જીવન ટુંકાવી લીધા મદદ માંગનારની ઓળખ ગુપ્‍ત રખાશેઃ નિષ્‍ણાંત કાઉન્‍સીલર્સ, તાલિમબધ્‍ધ પોલીસ કર્મચારીઓની ટીમ કેન્‍દ્ર ખાતે ચોવીસ કલાક ઉપલબ્‍ધ રહેશેઃ જરૂર પડયે લોકેશન મેળવી પોલીસ સ્‍થળ પર પહોંચી જીવ બચાવશે

આત્‍મહત્‍યાના બનાવો અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે જીવન આસ્‍થા કેન્‍દ્ર-આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇનનો શુભારંભ કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, બોલબાલાના જયેશ ઉપાધ્‍યાય, પુર્વ ટ્રાફિક અધિકારી બી. કે. જાડેજા સહિત હાજર રહ્યા હતાં (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેર પોલીસ દ્વારા અલગ અલગ કારણોસર થાકી હારી જઇ આપઘાતનો વિચાર કરતાં કે એવુ પગલુ ભરવા આગળ વધી જતાં લોકોને નિરાશામાંથી આશા તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાના ઉદ્દેશ્‍ય સાથે ‘જીવન આસ્‍થા કેન્‍દ્ર' (આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇન)નો પોલીસ કમિશનર કચેરી ખાતે આજથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ કેન્‍દ્ર દ્વારા રાજકોટમાં વધતા જતા આત્‍મહત્‍યાના બનાવોને અટકાવવા માટે કામગીરી કરશે. ચોવીસ કલાક અહિ નિષ્‍ણાંત કાઉન્‍સીલર્સ અને તાલિમબધ્‍ધ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે. મદદ માંગનાર કોઇપણ લોકોની ઓળખ ગુપ્‍ત રાખી તુરંત પોલીસ તેની મદદ કરશે. આ હેલ્‍પલાઇનના નંબર-૯૭૧૨૩ ૪૭૭૪૪ છે. આ સિવાય ૧૧૨ ઉપર ફોન કરીને પણ લોકો મદદ માંગી શકે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‍સ બ્‍યુરો (એનસીઆરબી ના તાજેતરના અહેવાલ મુજબ, સમગ્ર ગુજરાતમાં આત્‍મહત્‍યાનો સરેરાશ દર પ્રતિ ૧ લાખની વસ્‍તીએ ૧૨.૪ છે, જ્‍યારે રંગીલા રાજકોટ શહેરમાં આ દર ૩૬.૩ જેટલા ચિંતાજનક સ્‍તરે પહોંચ્‍યો છે. દેશના ૫૩ મુખ્‍ય શહેરોની યાદીમાં રાજકોટ આત્‍મહત્‍યાના દરની બાબતમાં દેશમાં બીજા ક્રમે છે, જ્‍યાં વર્ષ દરમિયાન ૫૪૬ જેટલા અકાળે મોતના બનાવો નોંધાયા છે.

આ ગંભીર સામાજિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યાને નાથવા તેમજ હતાશામાં સરી પડેલા યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને યોગ્‍ય સમયે હૂંફ અને માર્ગદર્શન મળી રહે તે માટે આ હેલ્‍પલાઇન શરૂ કરવામાં આવી છે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું હતું.

હેલ્‍પલાઇનની મુખ્‍ય વિશેષતાઓ એ છે કે આ હેલ્‍પલાઇન નંબર (૯૭૧૨૩ ૪૭૭૪૪) દિવસ-રાત ૨૪×૭ કાર્યરત રહેશે. અહિ અનુભવી કાઉન્‍સિલર્સ અને ટ્રેઇન્‍ડ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે, જે ફોન કરનાર વ્‍યક્‍તિની વાત શાંતિથી સાંભળીને માનસિક સધિયારો અને યોગ્‍ય ઉકેલ આપશે.

આ હેલ્‍પ લાઇનનો સંપર્ક કરનાર વ્‍યક્‍તિની ઓળખ સંપુર્ણપણે ગુપ્‍ત રાખવામાં આવશે.  કોઈ અતિ ગંભીર પરિસ્‍થિતિમાં ભોગબનનારનું લોકેશન મેળવી નજીકની પોલીસ ટીમ (પીસીઆર વાન) તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચીને જીવ બચાવવાની કામગીરી કરવામાં આવશે.

જીવન આસ્‍થા કેન્‍દ્રના શુભારંભ પ્રસંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, બોલબાલાના જયેશ ઉપાધ્‍યાય, પુર્વ ટ્રાફિક અધિકારી બી. કે. જાડેજા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં.

રાજકોટ શહેરની આપઘાત મોતની આંકડાકીય માહિતી (વર્ષ મુજબ) જોઇએ તો  છેલ્લા ચાર વર્ષમાં રાજકોટ શહેરમાં નોંધાયેલા આપઘાતના કેસમાં ૨૦૨૨માં ૩૪૨ પુરૂષો, ૨૦૮ મહિલાઓ મળી કુલ ૫૫૦ લોકોએ જુદા જુદા કારણોસર આપઘાત કર્યો હતો. વર્ષ ૨૦૨૩માં ૩૪૭ પુરૂષો-૧૯૦ મહિલાઓ મળી કુલ ૫૩૭ લોકોએ, ૨૦૨૪માં ૩૬૫ પુરૂષો તથા ૧૮૧ મહિલાઓ મળી કુલ ૫૪૬ લોકોએ અને વર્ષ ૨૦૨૫માં ૩૪૪ પુરૂષો અને ૧૫૫ મહિલાઓ મળી કુલ ૪૯૯  લોકોએ આપઘાત કરી લીધો હતો. આમ ચાર વર્ષમાં કુલ ૨૧૩૨ લોકોએ જુદા જુદા કારણોસર જીવ આપી દીધા હતાં.

(2:40 PM IST)