News of Sunday, 15th November 2026
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર સ્ટેશન પર ક્રોસઓવર ટ્રેકની મહત્વપૂર્ણ સુધારણાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન
સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સિદ્ધિ – ટ્રેનોની અવરજવર બનશે વધુ સરળ અને સુરક્ષિત

રાજકોટઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર સ્ટેશન પર પોઈન્ટ નંબર 111/112 સંબંધિત ક્રોસઓવરના ટ્રેક લેઆઉટમાં સુધારણાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અંતર્ગત જૂના ટર્નઆઉટને બદલીને સુધારેલી ટ્રેક ભૂમિતિ (જ્યોમેટ્રી) મુજબ નવો ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રેનોની સરળ અવરજવરની સાથે-સાથે પરિચાલન સુરક્ષાને પણ મજબૂતી મળશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરી હેઠળ હાલના 1 ઇન 12 ટર્નઆઉટના સ્થાને 1 ઇન 8.5 ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં આધુનિક ટીડબલ્યુએસ (થિક વેબ સ્વિચ) ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આ સાથે જ, ક્રોસઓવરના ટ્રેકને જરૂરિયાત મુજબ શિફ્ટ અને એડજસ્ટ કરીને તેના વળાંક (કર્વેચર) ને વધુ સરળ બનાવવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન પોઈન્ટ નંબર 111 ને તેની હાલની સ્થિતિમાં જ યથાવત રાખવામાં આવ્યો છે.
ટ્રેકની ગુણવત્તા અને સ્થિરતા વધારવા માટે જૂના પોઈન્ટ્સ અને ક્રોસિંગ સ્લીપરો તથા તેની સાથે જોડાયેલા સામાન્ય સ્લીપરોને નવા સ્લીપરોથી બદલવામાં આવ્યા છે. સુધારેલા ટ્રેક અલાઈનમેન્ટ મુજબ ઓએચઈ (ઓવરહેડ ઈક્વિપમેન્ટ) ના 4 માસ્ટ અને 1 પોર્ટલને પણ સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા હાલના લોકેશન બોક્સને ખસેડવાની સાથે-સાથે સંબંધિત કેબલોનું ડાયવર્ઝન અને પુનઃસ્થાપન પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ તથા સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોના ઉત્તમ સંકલનથી આ કામગીરી નિર્ધારિત ટેકનિકલ ધોરણો મુજબ પૂર્ણ થઈ છે. બહેતર ટ્રેક ભૂમિતિ અને સરળ વળાંકથી ક્રોસઓવર પરથી ટ્રેનો પસાર થતી વખતે લાગતા આંચકા અને બિનજરૂરી પાર્શ્વ બળો (લેટરલ ફોર્સિસ) માં ઘટાડો થશે. તેનાથી ટ્રેક અને રોલિંગ સ્ટોક પર પડતું વધારાનું દબાણ ઓછું થશે તથા રેલ પરિચાલન વધુ સુચારુ બનશે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "રેલવેમાં સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આધુનિક ટેકનોલોજી અને બહેતર ટ્રેક ભૂમિતિના માધ્યમથી રેલ પરિચાલનને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકાય છે. રાજકોટ ડિવિઝનમાં પરિચાલન વિશ્વસનીયતા વધારવા માટે માળખાગત સુવિધાઓના અપગ્રેડેશન પર સતત વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે."
(4:05 PM IST)










