News of Wednesday, 9th September 2026
રાજકોટ રિસામણે આવેલા જાગૃતિબેનનુંસ્ત્રીધન વેરાવળ સ્થિત પતિ ઓળવી ગયાની ફરિયાદ
લગ્ન બાદ એક દિવસ પણ સંસાર સરખો ચાલ્યો નહોતો પતિએ બેંકના લોકરમાં દાગીના છુપાવી રાખ્યાનો ફરિયાદમાં ઉલ્લેખઃ પીઆઇ આર. જી. પઢીયારની રાહબરીમાં પીએસઆઇ યુ. કે. બાંભણીયાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૯: શહેરમા હાલં પિયરે રહેતા ૪૮ વર્ષીય મહિલાએ સોમનાથ વેરાવળ રહેતાં પતિ સામેસ્ત્રીધન અને કિંમતી સોના-ચાંદીના દાગીના હડપ કરી જવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ઇન્દિરા સર્કલ પાસે મેચીસ રેસ્ટોરન્ટ નજીક જલારામ પ્લોટ-૩માં રહેતાં જાગૃતીબેન પ્રફુલભાઇ રૂપારેલ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી સોમનાથ વેરાવળ ખાતે રહેતાં તેણીના પતિ પ્રફુલભાઇ પ્રભુદાસભાઇ ઉર્ફે કનૈયાલાલ રૂપારેલ સામે ગુનો નોંધ્યો છે.
જાગૃતિબેન હાલ રાજકોટ ભાઇ-ભાભી અને પિતા સાથે રહે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ રીસામણે છે. સંતાનમાં એક દિકરો છે જે અમદાવાદ ભણે છે. તેમજ દિકરી તેમની સાથે રહે છે. ફરિયાદ મુજબ તેમના લગ્ન વર્ષ ૨૦૦૩માં ઉના ખાતે થયા હતા. જો કે લગ્ન બાદ એક દિવસ પણ સંસાર સરખો ચાલ્યો નહોતો. છતાં તે જતુ કરતાં હતાં અને પિયરની આબરૂને કારણે કોઇને કંઇ કહેતા નહિ. લગ્નજીવન દરમિયાન બે બાળકોનો જન્મ થયો હોવા છતાં પતિના ત્રાસમાં કોઈ સુધારો આવ્યો ન હતો. ગત તા. ૨૭/૦૬/૨૦૨૨ના રોજ જમવા બેસવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ અસહ્ય મારકુટ કરતા પરિણિતાને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટના બાદ મારના ડરે પરિણિતા ફક્ત પહેરેલા કપડે રાજકોટ પિયરે આવી ગયા હતા.
રાજકોટ આવ્યા બાદ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતા, જાગળતિબેને વર્ષ ૨૦૨૫માં મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે પતિ વિરૂધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગ ગુનો નોંધાવ્યો હતો, જે કેસ હાલ અદાલતમાં પડતર છે. પણ તે સમયે નોંધાવેલી ફરિયાદમાંસ્ત્રીધન અને દાગીના અંગેની વિગતો આપવાની રહી ગઈ હતી.
જાગળતિબેને પોતાની હાલની ફરિયાદમાં લગ્ન સમયે, જીયાણામાં તથા પિયર અને સાસરિયા પક્ષ તરફથી ભેટમાં મળેલા સોના-ચાંદીના તમામ દાગીનાની લાંબી યાદી રજૂ કરી છે. જેમાં સોનાના દાગીના ૨૬.૬૮ ગ્રામનું મંગળસૂત્ર, ૧૦ ગ્રામનો ચેઈન, મુંડન અને પ્રસંગોએ મળેલા દાગીના, ૫૬.૩૦ ગ્રામની ચાર બંગડીઓ, ૫૨.૫૭ ગ્રામની હાસડી, ૩૫ ગ્રામથી વધુ વજનનો ચેઈન, મંગળસૂત્ર, બુટ્ટીઓ, પેન્ડન્ટ્સ, કડા, વેઢલા અને લક્કી સહિત તોલાઓ સોનુ તેમજ ચાંદીના દાગીનામાં ચાંદીના ગણપતિ, સિક્કા, સાંકળાની જોડીઓ, વેલો, લક્કી અને જુડો વગેરે કિંમતી સામાન અને ટાઈટન કંપનીની ઘડિયાળ તથા લગ્ન સમયનુંસ્ત્રીધન સામેલ છે.
ફરિયાદમાં જાગળતિબેને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, આ તમામ સોના-ચાંદીના દાગીના અનેસ્ત્રીધન તેમની માલિકીનું હોવા છતાં અવારનવાર માંગણી કરવા છતાં પતિ પ્રફુલભાઈએ પરત આપવાનો ઇનકાર કરી દીધો છે. આસ્ત્રીધન ઓળવી જવાના ઈરાદાથી પતિએ તમામ દાગીના ગીર સોમનાથના વેરાવળ સ્થિત યુકો બેંકના લોકરમાં મુકી રાખ્યા છે અને તે પોતે જ આ લોકર ઓપરેટ કરે છે. આ અંગે પરિણિતાએ તમામ ખરીદીના બિલ અને કિંમતી સામાનની યાદી પોલીસ સમક્ષ રજૂ કરીને પતિ સામે ધોરણસરની કાનુની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. પીઆઇ આર. જી. પઢીયારની રાહબરીમાં પીએઆઇ યુ. કે. બાંભણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(3:55 PM IST)










