News of Friday, 13th November 2026
પિતાજીના અવસાન નિમીતે રખાયેલા ભજનમાં જતી વખતે અકસ્માતઃ ભાદરાના જમુબેન પરમારનું મોત
જોડીયાના ભાદરા ગામના મહિલા ભત્રીજા અજય અઘારીયાના એક્ટીવામાં બેસી પોતાના ઘરેથી જીરાગઢ જતાં હતાં ત્યારે બાલંભા બ્રીજ પાસે બનાવઃ રાજકોટમાં બેસતા વર્ષના દિવસે દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: જોડીયાના બાલંભા બ્રીજ પાસે એક્ટીવા સ્લીપ થતાં ભત્રીજાના આ વાહનમાં પાછળ બેઠેલા જોડીયાના ભાદરા ગામના મહિલાનું ગંભીર ઇજા થતાં બેસતા વર્ષના દિવસે જ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોતાના પિતાજીના અવસાન નિમીતે ભજન રાખવામાં આવ્યા હોઇ ત્યાં જતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ જોડીયાના ભાદરા ગામે રહેતાં જમુબેન કાંતિભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના દેવીપૂજક મહિલા તા. ૪ના રોજ પોતાના ભત્રીજા અજય ભરતભાઇ અઘારીયા (ઉ.વ.૨૦)ના એક્ટીવા પાછળ બેસી પોતાના ઘરેથી માવતરના ગામ જીરાગઢ જતાં હતાં. ફઇ-ભત્રીજો બાલંભા બ્રીજી નીચે પહોંચ્યા ત્યારે ભત્રીજા અજયએ કોઇપણ કારણોસર ટુવ્હીલરનો કાબુ ગુમાવતાં સ્લીપ થઇ જતાં ફઇ જમુબેનને ગંભીર ઇજાઓ થઇ હતી.
તેમને જોડીયા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બેસતા વર્ષની સવારે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જોડીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જમુબેનને સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે પતિ સાથે શાકભાજી વેંચી ગુજરાન ચલાવતાં હતાં. જમુબેનના પિતા ભીમભાઇ મોહનભાઇ અઘારીયાનું દસેક દિવસ પહેલા અવસાન થયું હોઇ તેમની પાછળ જીરાગઢગામે ભજન રખાયા હોઇ તેમાં હાજરી આપવતાં તેઓ ભત્રીજા સાથે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
(4:11 PM IST)










