News of Wednesday, 1st July 2026
મિત્રો સાથે નીકળેલા જયની પરાપીપળીયા તળાવમાંથી લાશ મળી
રાજકોટ પીડીએમ કોલેજ પાછળની પંચશીલ સોસાયટીનો આહિર પરિવારનો યુવાન ત્રણ દિવસ પહેલા મિત્રો સાથે રાજસ્થાન જવાનું કહીને નીકળ્યો હતોઃ ગત વહેલી પરોઢે અજાણ્યા શખ્સો પીછો કરતાં હોઇ કાર મુકી ચાર મિત્રો ભાગ્યા ત્યારે આ યુવાન તળાવમાં પડી ગયાનું ત્રણ મિત્રોનું કથનઃ ખરેખર શું બન્યું? તે અંગે તપાસનો ધમધમાટ : ક્રાઇમ બ્રાંચે નામચીનની છાપ ધરાવતાં જેનીશ મહાજન અને તેની સાથેના ભાવીન, ઋત્વીકની પુછતાછ કરીઃ ત્રણેયએ એવુ રટણ કર્યુ કે પુનીતનગરથી તેની કારનો પીછો થતો હોઇ ભાગીને પરાપીપળીયા આવ્યાઃ રસ્તો બંધ હોઇ કારમાંથી ઉતરીને ભાગ્યા ત્યારે જય તળાવમાં પડી ગયો હતોઃ બહાર કાઢયા બાદ ગૂમ થયો હતોઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચે મૃતકના ત્રણેય મિત્રોની પુછતાછ આદરી : આઠ મહિના પહેલા જ પિતા ગુમાવનાર ૨૨ વર્ષનો જય વિધવા માતા, બહેનનો આધાર હતોઃ શો રૂમમાં નોકરી કરતો હતો

ભેદી ઘટનાઃ પંચશીલ સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષનો જય પ્રભાતભાઇ ખાંભરા-આહિર ત્રણ દિવસ પહેલા મિત્રો સાથે રાજસ્થાન જવાનું કહીને નીકળ્યા બાદ ગઇકાલે વહેલી પરોઢે તે પરાપીપળીયાના તળાવમાં પડી ગયાની તેના મિત્રો મારફત જાણ થતાં કુટુંબીજનોને પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દરમિયાન આજે સવારે જયનો મૃતદેહ તળાવમાંથી મળતાં કલ્પાંત સર્જાયો હતો. ઘટના સ્થળે ગાંધીગ્રામ પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી સહિતનો સ્ટાફ, મૃતક યુવાના કુટુંબીજનો, વિગતો જણાવતાં મૃતકના કાકા સુરેશભાઇ ખાંભરા તેમજ ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો સ્ટાફ, મૃતકનો ફાઇલ ફોટો અને મૃતદેહ જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીરમાં ફાયર બ્રિગેડની ટીમના અર્શીલભાઇ ખોખર, મયુરભાઇ લાલકીયા, જીજ્ઞેશભાઇ, જગદીશસિંહ સોલંકી, વિજયભાઇ મેટાલીયા, બળદેવભાઇ બાવળીયા, આરીફભાઇ ચોટીયાર જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૧૪.૭)
રાજકોટ તા. ૧: ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાછળ એચજે દોશી હોસ્પિટલ પાછળ આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષનો આહિર પરિવારનો યુવાન ત્રણ દિવસ પહેલા પોતાના મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ ગઇકાલે વહેલી પરોઢે તે જામનગર રોડ પર પરાપીપળીયા ગામના તળાવમાં પડી ગયાની જાણ તેના મિત્રએ આ યુવાનના પરિવારને કરતાં પરિવારજનો પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરી પરાપીપળીયાના તળાવ ખાતે પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ચોવીસ કલાકની શોધખોળ બાદ આજે સવારે આ યુવાનની તળાવમાંથી લાશ મળતાં કલ્પાંત સર્જાયો છે. તે જેની સાથે ગયો હતો તે મિત્રોમાં એક હર્ષદ મહાજનનો દિકરો છે. આ મિત્રો તરફ પરિવારે શંકા દર્શાવતા ક્રાઇમ બ્રાંચે ત્રણેયની વિસ્તૃત પુછતાછ કરી હતી. જો કે મૃતકના આ મિત્રોએ અજાણ્યા શખ્સો પીછો કરતાં હોઇ ભાગવા જતાં યુવાન તળાવમાં પડી ગયાનું કહ્યું હતું. ખરેખર શું બન્યું? તેની તપાસ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ પંચશીલ સોસાયટી શેરી નં. ૧૧માં રહેતો જય પ્રભાતભાઇ ખાંભરા (ઉ.વ.૨૨) ત્રણ દિવસ પહેલા પોતાના મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. આ પછી ગઇકાલે જયના મામાને જય જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે જયના કોઇ મિત્રએ ફોન કરીને જાણ કરી છે કે જય પરાપીપળીયાના તળાવમાં પડી ગયો છે. આથી કુટુંબીજનો, જયના કાકા સુરેશભાઇ ખાંભરા, કુટુંબી ભાઇ શ્યામભાઇ સહિતના લોકો પરાપીપળીયા તળાવ ખાતે પહોંચ્યા હતાં. પોલીસને અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.
સુરેશભાઇ સહિતના લોકો તળાવ પર જુના બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ મહાજન, ભાવીન પટેલ અને ઋત્વીક પરમાર હતાં. આ ત્રણેયની પુછતાછ કરતાં ત્રણેયએ કહ્યું હતું કે અમે પહેલા રાજસ્થાન ગયા હતાં. બાદમાં સોમવારે પરત આવી અમે મવડી ચોકડીએથી વર્ના કાર ભાડે કરી હતી. મંગળવારે વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે અમે પુનીતનગર રોડ પર કાર લઇને નીકળ્યા ત્યારે કોઇ શખ્સો અમારો પીછો કરતાં હોય તેવું લાગતાં અમે કાર ભગાવી મુકી હતી. આ રીતે અમે છેક પરાપીપળીયાના તળાવ પાસે પહોંચી ગયા હતાં. અહિ આગળ રસ્તો બંધ હોઇ અમે કાર રેઢી મુકીને બધા આડાઅવળા ખેતરો તરફ ભાગ્યા હતાં. આ વખતે જય તળવમાં પડી ગયો હતો. કોઇએ તેને બહાર કાઢયો હતો અને પછી તે ગૂમ થઇ ગયો હતો.જેનીશ, ભાવીન, ઋત્વીકની આ વાત જયના કાકા સુરેશભાઇ સહિતને શંકાસ્પદ લાગતાં પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમે આ ત્રણેય મિત્રો જેનીશ, ભાવીન, ઋત્વીકને સકંજામાં લઇ વિસ્તૃત પુછતાછ કરી હતી અને તે ઘટના બની એ પહેલા ક્યાં કયાં હતાં? શું કર્યુ તે સહિતની માહિતી મેળવી હતી. જો કે આ ત્રણેય એક જ વાતને વળગી રહ્યા હતાં કે કોઇ પીછો કરતો હોવાનો ડર લાગતાં કાર ભગાવી હતી અને પરાપીપળીયા તળાવ પાસે પહોંચી કારમાંથી ઉતરીને ભાગ્યા ત્યારે જય તળાવમાં પડી ગયો હતો. પછી તે ક્યાં ગયો તેની ખબર નથી. પોલીસે જો કે સીસીટીવી ફુટેજ ચેક કરતાં કોઇ પીછો કરતું હોય તેવુ દેખાયુ નહોતું. ક્રાઇમ બ્રાંચે પરા પીપળીયાના મોડી રાતના ફુટેજ ચેક કરતાં ૨: ૧૩ કલાકે કાર દેખાઇ હતી. પણ પાછળ બીજા વાહનો દેખાયા નહોતાં. એવી પણ ચર્ચા છે આ મિત્રો નશો કરેલી હાલતમાં હતાં.
ફાયર બ્રિગેડના તરવૈયાઓએ તળાવમાં શોધખોળ ચાલુ રાખી હોઇ આજે સવારે જય પ્રભાતભાઇ ખાંભરાનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃત્યુ પામનાર જયના પિતા પ્રભાતભાઇનું આઠ મહિના પહેલા જ અવસાન થયું હતું. જય વિધવા માતાનો એકનો એક દિકરો હતો. તેને એક નાની બહેન છે. જય સુઝુકી કંપનીમાં કામ કરતો હતો. તે જેની સાથે ગયો હતો તે મિત્રો જેનીશ, ભાવીન, ઋત્વીકની ક્રાઇમ બ્રાંચે પુછતાછ કરી છે. પણ હાલમાં આ ત્રણેય ભાગતી વખતે જય તળાવમાં પડી ગયાનું રટણ કરે છે. આ ત્રણમાં જેનીશ વિરૂધ્ધ અગાઉ અનેક ગુના નોંધાયા હતાં. પોલીસ સ્ટેશન ઉપર બોટલોના ઘા કરવામાં પણ તે સામેલ હતો.
પરિવારજનોએ ઘટના શંકાસ્પદ જણાઇ રહી હોઇ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ પ્રાથમિક કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:54 PM IST)










