News of Tuesday, 6th October 2026
વિજય પ્લોટના જયેશભાઇ ચોૈહાણને ભાણેજ નીતીન છેતરી ગયોઃ રૂા.૧૩.૫૦ લાખના દાગીના લઇ છૂમંતર
મામા તમે પહેરેલા ચેઇન-વીંટી મને આપો મારે મોબાઇલમાં ફોટા પાડવા છે કહી દાગીના પહેરી લીધાઃ પછી મામાને પાન-મસાલા લેવા મોકલી પોતે ભાગી ગયો : રૈયા ચોકડી નજીક ઢોસા કેફે પાસે બનાવઃ આઠ તોલાનો ચેઇન અને દોઢ તોલાની વીંટી ગયાઃ યુનિવર્સિટી પોલીસે મ્યુઝિક સિસ્ટમના ધંધાર્થીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬: શહેરના વિજય પ્લોટમાં રહેતાં મ્યુઝિક સિસ્ટીમના ધંધાર્થી યુવાનને તેનો જ માસીયાઇ ભાણેજ છેતરીને રૂા. ૧૩,૫૦,૦૦૦ના સોનાના દાગીના લઇ ભાગી જતાં પોલીસને જાણ કરાઇ છે. મામાએ પહેરેલા ચેઇન-વીંટી પોતાને પહેરીને મોબાઇલમાં ફોટા પાડવા છે તેવુ કહી દાગીના ઉતરાવી પોતે પહેરી લઇ ફોટા પાડયા હતાં. બાદમાં બહાના કરી મામાને તે પારેવડી ચોકમાં લઇ ગયો હતો. જ્યાં મામને નીચે ઉતારી પોતાના માટે પાન મસાલા લઇ આવવાનું કહેતાં મામા તે લેવા જતાં ભાણેજ દાગીના સાથે ગાયબ થઇ ગયો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વિજયપ્લોટ-૬માં રહેતાં અને મ્યુઝિક સિસ્ટમનો ધંધો કરતાં જયેશભાઇ અશોકભાઇ ચોૈહાણ-રાવળદેવ (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી તેના માસીયાઇ ભાણેજ નીતીન ઉર્ફે રાજ લાલજીભાઇ ડાભી વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. જયેશભાઇ પરિવારમાં માતા-પિતા, પત્નિ અને દિકરી સાથે રહે છે. ફરિયાદમાં જણાવાયુ છે કે ે ગત તા. ૦૧/૦૫ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે નીતીને મામા જયેશભાઈને ફોન કરીને ભુતખાના ચોક પાસે આવી જા, તારું કામ છે તેમ કહેતાં જયેશભાઇ પોતાનું મોટર સાઇકલ નં. જીજે૦૩બીએસ-૦૧૫૦ લઈને ત્યાં પહોંચ્યા હતા.
જયેશભાઇએ તે વખતે ગળામાં ૮ તોલાનો સોનાનો ચેન અને હાથમાં ૧.૫ તોલાની સોનાની વીંટી પહેરેલી હતી. નીતીને તેમને બહાર જમવા જવા માટે કહ્યું હતું, પરંતુ જયેશભાઈએ ઘરે જમવાનું હોવાથી નીતીનને કોર્પોરેશન ચોક પાસે ઉતારી દીધો હતો. જો કે નીતીને પોતાની પત્નિને જમવાનું હોઇ રૈયા ચોકડીએથી ઢોસાનું પાર્સલ લેવુ છે તેમ કહેતાં મામા જયેશભાઈઘરે જમીને ફરી કોર્પોરેશન ચોક પહોંચ્યા હતા, જ્યાંથી બંને જણા રૈયા ચોકડી નજીક આવેલા મદ્રાસ કેફે નામના ઢોસાના પાર્સલ પોઈન્ટ પર પહોંચ્યા હતા.
ઢોસા ઓર્ડર કર્યા બાદ, નીતીને મામા જયેશભાઈને કહ્યું કે-લાવો હું તમારા સારા ફોટા પાડી દઉં. તેમ કહી ફોટા પાડયા હતાં. પછી નીતીને કહેલું કે તમારા ચેઇન વીંટી મને આપો તો મારે એ પહેરીને ફોટા પાડવા છે, કેવા ફોટા આવે છે એ જોવુ છે તેમ કહેતાં જયેશભાઇઅને ચેઇન-વીંટી તેને આપી દીધા હતાં. આ પછી જયેશભાઈએ દાગીના પાછા માગતા તેણે ૅઘરે જઈને પાર્સલ સાથે આપી દઈશૅ તેમ કહી દાગીના પોતાની પાસે જ રાખ્યા હતા.
ત્યારબાદ બંને જણા નીતીનના નાના ભાઈના ઘરે ગયા હતા, જ્યાં નીતીને પોતાના કપડાં બદલી નાખ્યા હતા. પછી તેઓ જામનગર રોડ થઈ હોસ્પિટલ ચોકના બ્રીજ પર થઇ પારેવડી ચોકે પહોંચ્યા હતાં. જયશેભાઇએ આમ તું ક્યાં લઇ જાય છે પુછતાં નીતીને વાહન ઉભુ રાખી પોતાના માટે દૂકાનમાંથી પાન મસાલા લઇ આવવાનું કહેતાં મામા જયેશભાઇ ઉતરીને પાન મસાલા લેવા ગયા હતા. એટલીવારમાં તકનો લાભ લઇ ભાણેજ નીતીન દાગીના અને બાઈક લઈને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો.
જયેશભાઈએ નીતીનનો સંપર્ક કરવાનોપ્રયાસ કરતા તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. સગા-સંબંધીઓ અને મિત્રો મારફતે પણ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે જયેશભાઈએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ભાણેજ નીતીન જે દાગીના લઇ ગયો તેમાં ૮ તોલા ચેનની કિંમત ૧૨ લાખન અને ૧.૫ તોલા વીંટીની કિંમત ૧ાા લાખ છે. કુલ ૧૩.૫૦ લાખના દાગીના નીતીન પોતાના મામાને મામા બનાવીને લઇને ભાગી ગયો હતો. પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(3:54 PM IST)










