News of Friday, 23rd October 2026
તારી દુકાન ખાલી કરાવી નાખ, ભાડુ ઓછુ આપે છે કહી કરીમભાઇ પર કુટુંબી ભાઇનો હુમલોઃ તોડફોડ
સાંજે ચાર વાગ્યે ડખ્ખો કરી ભાગી ગયા પછી રાતે અગીયારે ફરીવાર આવી ધમાલ મચાવી ભીલવાસ રોડ પર પેટ્રોલ પંપ નજીક બનાવઃ પહેલા શાકભાજી ઢોળી નાંખ્યા, પછી રેંકડીમાં, ખુરશીઓમાં અને ડેલીમાં તોડફોડ કરીઃ પ્ર.નગર પોલીસે ઇલ્યાસ ચોૈહાણ, તેના મિત્ર મોહસીન જૂણેજા અને સમીર જુણેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: ભીલવાસ મેઇન રોડ પર પેટ્રોલ પંપ નજીક રહેતાં આધેડે પોતાની માલિકીની દૂકાન ભાડે આપી હોઇ તેના કુટુંબી ભાઇએ પોતાના મિત્ર સાથે આવી આધેડને તે દુકાન ભાડે શું કામ આપી છે, તે ઓછુ ભાડુ આપે છે, ખાલી કરાવી નાંખ તેમ કહી ધમાલ મચાવી છરી કાઢી ધમકી દઇ આધેડે ઘર બહાર રાખેલી શાકભાજીની લારી ઉંધી વાળી દીધી હતી. બાદમાં રાતે અગીયારેક વાગ્યે ફરી વખત ત્રણ જણાએ આવી લારી, ખુરશીઓ, ડેલીમાં તોડફોડ કરતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે સદર વિસ્તાર ભીલવાસ મેઇન રોડ પર ઇગલ પંપની બાજુમાં રહેતાં કરીમભાઇ મહમદભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી તેમના કુટુંબી ભાઇ ઇલ્યાસ દોસુભાઇ ચોૈહાણ, મોહસીન મુનાફભાઇ જુણેજા અને સમીર જુણેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કરીમભાઇ પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. તેની માલિકીની દુકાન ઇગલ પેટ્રોલ પંપ નજીક મચ્છીવાડામાં આવેલી છે, આ દુકાન તેણે રફીકભાઇ કરીમભાઇ કાબાવલીયાને ભાડે આપી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ કરીમભાઇ તા. ૨૧/૧૦ના રોજ સાંજના આશરે સાડા ચાર વાગ્યાના સુમારે ઘરે હાજર હતા ત્યારે તેમના કૌટુંબિક ભાઈ ઈલીયાસ દોસુભાઈ ચૌહાણ તથા તેનો મિત્ર મોહસીન મુનાફભાઈ જુણેજા બંને ઘરે આવ્યા હતા. ઈલીયાસે કરીમભાઈને કહ્યું હતું કે, મચ્છીવાડા પાસેની દુકાન રફીકભાઈને કેમ ભાડે આપી છે? તે ઓછું ભાડું આપે છે, તેને ખાલી કરાવી નાખ.
આથ કરીમભાઈએ-દુકાન મારી માલિકીની છે અને મને ભાડું પોસાય છે તેમ કહેતાં ઇલ્યાસનો મિત્ર મોહસીન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. કરીમભાઈએ ગાળો બોલવાની ના પાડતા મોહસીને નેફામાંથી છરી કાઢી આજે તને જાનથી મારી નાખવો છે અને તારી દુકાન પણ તોડી નાખવી છેૅ તેમ કહી ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા કરીમભાઈએ ઘરની અંદર જઇ ડેલી બંધ કરી દીધી હતી. ત્યારબાદ મોસીને ઘર બહાર પડેલી આશરે ૨૦ કિલો શાકભાજી ભરેલી મોહસીને રેકડી ઉંધી વાળી દઈ નુકસાન પહોંચાડ્યું હતું.
ત્યારબાદ રાતે અગીયારેક વાગ્યે ફરીથી મોહસીન અને સમીર જુણેજાએ કરીમભાઈના ઘર પાસે આવી ગાળો ભાંડી હતી. તેમજ બીજી વખત પણ ધમાલ મચાવી શાકભાજીની રેકડી તથા ખુરશીઓ તોડી નાખી હતી. આ ઉપરાંત ઘરની ડેલી પર પથ્થરના ઘા કરી ડેલી પણ તોડી નાખી હતી. થોડીવારમાં ઈલીયાસ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પરિવાર પર પથ્થરમારો કરવા લાગ્યો હતો.ઘટના અંગે પરિવારે ૧૧૨ નંબર પર ફોન કરતાં હુમલાખોરો ભાગી ગયા હતા. શરૂઆતમાં કૌટુંબિક સગા હોવાથી ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોઇ તે રાત્રે ફરિયાદ કરી ન હતી. પરંતુ સમાધાન ન થતાં આખરે કરીમભાઈએ પરિવાર સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરતાં પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(3:27 PM IST)










