<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

સરધારના વેપારી હીરેનભાઇને ઓનલાઇન સળીયાના સોદામાં કેશવ ઝાએ રૂા ૧૪.૪૦ લાખનો ચૂનો લગાવ્‍યો

ઇન્‍ડિયા માર્ટ પર સર્ચ કર્યા બાદ સામેથી વ્‍હો્‌ટસએપ પર ફોન આવ્‍યોઃ ફોન કરનારે પોતે મોટી કંપનીઓનો ડીલર હોવાની ઓળખ આપી વિશ્વાસ કેળવી છેતરપીંડી કરી : બે કટકે નાણા મેળવી લીધા બાદ કેશવે સળીયા ન મોકલ્‍યા અને ફોન પણ બંધ કરી દીધોઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬:  શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્‍સાઓ સતત વધી રહ્યા છે ત્‍યારે રાજકોટના સરધાર ગામના એક વેપારી સાથે ઓનલાઈન સળીયાના માલની સપ્‍લાયના નામે રૂ. ૧૪.૪૦ લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

આ બનાવમાં સરધારમાં પ્‍લોટ વિસ્‍તારમાં સ્‍વામિનારાયણ મંદિર નજીક અવેડા પાસે રહેતાં અને ઉમા શક્‍તિ એન્‍ટરપ્રાઇઝ નામે વેપાર કરતાં હીરેનભાઇ હરેશભાઇ કાશીપરા (ઉ.વ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે વ્‍હોટ્‍સએપ નંબરના ધારક અને યુનિયન બેંક ઓફ ઇન્‍ડિયાના ખાતાધારક સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદ મુજબ, તેમણે ગત ડિસેમ્‍બર-જાન્‍યુઆરી મહિનામાં ઇન્‍ડિયા માર્ટ પોર્ટલ પર આઠ એમએમના ટીએમટી સળીયા માટે ઇન્‍કવાયરી કરી હતી.

 આ પુછપરછના આધારે તા. ૦૧/૦૧/૨૦૨૬ના રોજ તેમને એક અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનાર શખ્‍સે પોતાની ઓળખ કેશવ ઝા તરીકે આપી હતી અને પોતે કેશવ એન્‍ટરપ્રાઇઝમાંથી બોલતો હોવાનું જણાવ્‍યું હતું. આરોપીએ વિશ્વાસ જીતવા માટે પોતે ટાટા, જેએસડબલ્‍યુ અને દુર્ગાપુર જેવી પ્રતિષ્‍ઠીત કંપનીઓનો ડીલર હોવાનો દાવો કર્યો હતો અને સસ્‍તા ભાવે માલ આપવાની લાલચ આપી હતી.

વેપારી હીરેનભાઈને તેની વાત પર વિશ્વાસ બેસતાં તેણે પોતાના ભાગીદારોને પણ વાત કરી હતી. આ પછી હીરેનભાઇ અને તેમના ભાગીદારોએ ૩૦ ટન સળીયાના માલ માટે રૂ. ૧૪,૪૦,૦૦૦નો સોદો નક્કી કર્યો હતો. આ સોદા પેટે હીરેનભાઇએ બે કટકે ૧૨,૦૦,૦૦૦ અને ૨,૪૦,૦૦૦ કેશવે જણાવેલા  યુનિયન બેંકના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા. કુલ રૂ. ૧૪.૪૦ લાખ મેળવી લીધા બાદ કેશવે માલ મોકલવાને બદલે ખોટા બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. અંતે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અને સંપર્ક કાપી નાખતા વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

આ બાબતે હીરેનભાઈએ તાત્‍કાલિક સાયબર ક્રાઈમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ વી. એન. કુછડીયાએ ગુનો નોંધી દાખલ કરતાં પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ શરૂ કરી છે. કોઈપણ અજાણી વ્‍યક્‍તિ સાથે ઓનલાઈન આર્થિક વ્‍યવહાર કરતા પહેલા તેની વિશ્વસનીયતાની ખાતરી કરવી જરૂરી છે. 

(1:22 PM IST)