<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મોટા મવા સ્‍મશાન પાસે લેબ કર્મચારી પ્રતિક સોંદરવા પર પાઇપથી હુમલોઃ પગ ભાંગી ગયો

કાલાવડ રોડ પર રાતે બનાવઃ બંબાટ ઝડપે સામે આવી ગયેલી કારના ચાલકને ધ્‍યાન રાખી ચલાવવાનું કહેતાં ડખ્‍ખો : ચારેક શખ્‍સોએ ગાળો ભાંડી ઢીકાપાટુ માર્યા અને પાઇપથી ફટકારતાં સારવાર હેઠળઃ તાલુકા પોલીસે તપાસ હાથ

રાજકોટ તા. ૧૪: શહરેના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતાં અને કોટેચા ચોકની લેબોરેટરીમાં નોકરી કરતાં યુવાન પર મોડી રાતે મોટા મવા સ્‍મશાન નજીક કારમાં આવેલા શખ્‍સોએ ઝઘડો કરી ગાળો દઇ પાઇપથી માર મારી પગ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ થયો છે. યુવાન નોકરીએથી છુટીને ઘરે જતો હતો ત્‍યારે કાર એકાએક સામે આવી જતાં તેણે હાથ ઉંચો કરી કારચાલકને ધ્‍યાન રાખવાનો ઇશારો કરતાં કાર તેની પાછળ આવી હતી અને મોટા મવા સ્‍મશાન નજીક તેને આંતરી હુમલો કરાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભીમનગરમાં રહેતો પ્રતિકભાઇ જેન્‍તીભાઇ સોંદરવા (ઉ.વ.૨૩) નામનો યુવાન રાતે સાડા બારેક વાગ્‍યે એક્‍ટીવા હંકારીને જતો હતો ત્‍યારે મોટા મવા સ્‍મશાન પાસે અજાણયા શખ્‍સોએ ઝઘડો કરી ઢીકાપાટુ અને પાઇપથી બેફામ માર મારતાં શરીરે અને જમણા પગમાં ઇજાઓ થઇ હતી. દકોરો થતાં લોકો ભેગા થઇ જતાં અને પોલીસ આવી જતાં પ્રતિકભાઇને સારવાર માટે ખસેડયા હતાં.

પ્રતિકભાઇએ જણાવ્‍યું હતું કે હું કોટેચા ચોકમાં આવેલી લેબોરેટરીમાં નોકરી કરી ગુજરાન ચલાવુ છું અને એક બહેનથી મોટો છું. રાતે નોકરી પુરી કરી સાડા બારેક વાગ્‍યે એક્‍ટીવા હંકારી ઘરે જતો હતો ત્‍યારે કાલાવડ રોડ મોટા મવા સ્‍મશાન નજીક અચાનક કીયા કાર ફુલ સ્‍પીડથી સામે આવી હતી અને મારા વાહન સાથે અથડાતાં રહી ગઇ હતી. આથી મેં હાથ ઉંચો કરી ચાલકને ધ્‍યાન રાખવાનો ઇશારો કરતાં કાર પાછી વાળીને મારી પાસે લાવવામાં આવી હતી. બાદમાં ચારેક શખ્‍સો નીચે ઉતર્યા હતાં અને ગાળો દઇ હુમલો કર્યો હતો. જેમાં પગમાં પાઇપના ઘા ફટકારતાં જમણો પગ ભાંગી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(2:51 PM IST)