<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

બીજા લગ્નમાં નડે નહિ એટલે દિકરીને માતાએ જ મારી નાંખી'તી!

રાજકોટના કુવાડવા રોડ ડી માર્ટ પાછળ શહિદ ઉધમસિંહ ટાઉનશીપની સી-વિંગની રહસ્‍યમય હત્‍યાનો ભેદ ખુલ્‍યોઃ હકિકત જાણી પોલીસ પણ ચોંકી ગઇ : બે વર્ષની દિકરી સ્‍નેહલને પાંચમા માળેથી ફેંકી દીધા બાદ જનેતા પૂનમે પીલુડા પાડયાઃ પણ તેનો ઢોંગ ઉઘાડો પડી ગયો રિસામણે રહેલી પૂનમ સંજય સાકરીયાએ જ દિકરીની હત્‍યા કર્યાનું ક્રાઇમ બ્રાંચ-બી ડિવીઝનમાં તપાસમાં બહાર આવ્‍યું: હત્‍યારણ જનેતા ઉપર સર્વત્રથી ફીટકાર

જ્‍યાં માસુમ બાળકીની હત્‍યા થઇ હતી તે શહીદ ઉધમસિંહ ટાઉનશીપ, હત્‍યાનો ભોગ બનેલી બે વર્ષની સ્‍નેહલ અને તેની હત્‍યા નિપજાવનાર જનેતાનો ફાઇલ ફોટો (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ૧૨મીએ એક ખળભળાટ મચાવતી ઘટના બની હતી. અહિ સી-વિંગમાં પાંચમા માળેથી બે વર્ષની એક ફૂલડા જેવી બાળાને ફેંકી દઇ હત્‍યા નીપજાવાઇ હતી. આ બાળાના પિતા સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહે છે. માતા-પિતા વચ્‍ચે મનમેળ ન હોઇ માતા એક વર્ષથી રિસામણે આવી હોઇ બાળા માતા, નાના-નાની, મામા-મામી સાથે અહિ રહેતી હતી. સાંજે તે નાનાના પાંચમા માળના ફલેટથી છઠ્ઠા માળે રહેતાં પરિવારની બાળકી સાથે રમવા જવા માટે ઘરમાંથી નીકળી એ પછી આ ઘટના બની હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની ટીમે આ હત્‍યાનો ભેદ ઉકેલી નાંખ્‍યો છે. જે હકિકત સામે આવી હતી જે જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ માસુમ દિકરીની હત્‍યા ખુદ તેની જ માતા પૂનમે કરી હોવાનું ખુલ્‍યું છે. પતિ સાથે છુટાછેડા બાદ બીજા લગ્ન કરવામાં દિકરી આડે ન આવે અથવા તો તેને બીજા ઘરમાં સરખી રીતે રખાશે નહિ એવું લાગતાં જનેતા જ જીવલેણ બની હોવાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ સી-વિંગમાં  પાંચમા માળે ફલેટ નં. ૫૦૪માં રહેતાં જગદીશભાઇ બાબુભાઇ પરસોડા-કોળીની દોહીત્રી (દિકરીની દિકરી) સ્‍નેહલ સંજયભાઇ વશરામભાઇ સાકરીયા (ઉ.વ.૨ વર્ષ ૪ મહિના)નું ૧૨મીએ સાંજે પાંચમા  માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. સાંજે સાતેક વાગ્‍યે આ ઘટના જાહેર થતાં સમગ્ર ટાઉનશીપમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બાળકી જ્‍યાંથી નીચે પડી તે જગ્‍યાએ ચારેક ફુટ જેવી ઉંચી દિવાલ હોઇ આ દિવાલ પર માસુમ બાળકી કોઇ કાળે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇ, મામા સહિતે દર્શાવતાં ઘટના સ્‍થળે બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ અને ટીમે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. પ્રથમ નજરે જ હત્‍યાની ઘટના હોવાનું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું.

આ ઘટના બારામાં મૃતક બાળાના નાના જગદીશભાઇ પરસોડાએ જણાવ્‍યું હતું કે-મારી દિકરી પૂનમબેન સંત કબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્‍તિ સોસાયટીમાં સાસરે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે  થયા છે. જમાઇ સંજયભાઇ ડ્રાઇવીંગ કરે છે. તેણીને સંતાનમાં એક દિકરી સ્‍નેહલ હતી. જેની ઉમર બે વર્ષ અને ચાર મહિના હતી. મારી દિકરી પૂનમબેન અને તેણીના પતિ સંજયભાઇ વચ્‍ચે મનમેળ ન હોઇ જેથી દિકરી એક વર્ષથી મારા ઘરે શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં મારી સાથે રહેતી હતી. અમે આ ટાઉનશીપમાં નવ વર્ષથી રહીએ છીએ. મારી સાથે મારા પત્‍નિ, દિકરો, પૂત્રવધૂ પણ રહે છે. અમારી બાજુમાં એક વૃધ્‍ધા વર્ષાબેન બ્રાહ્મણ રહે છે. એક માળમાં ૮ ફલેટ આવેલા છે. મારી દોહિત્રી સ્‍નેહલ અમારા ઉપરના માળે રહેતાં પરિવારમાં એક બીજી નાની દિકરી હોઇ જેથી અવાર-નવાર તેની સાથે રમવા માટે પાંચમા માળેથી છઠ્ઠા માળે જતી હતી.

સોમવારે સાંજે સાતેક વાગ્‍યે દોહિત્રી સ્‍નેહલ અમારા ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. એ પછી થોડી જ મિનીટો બાદ એક બાળક સ્‍નેહલ પડી ગઇ એવુ કહેવા આવ્‍યો હતો. અમે દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્‍યારે ખબર પડી હતી કે સ્‍નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે. આ વિચાર જ અમને ચોંકાવી ગયો હતો. કારણ કે ચાર ફુટથી વધુ ઉંચાઇની દિવાલની પાળી સુધી આવડી નાનકડી બાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ નીચે ફેંકી દીધાની અમને દ્રઢ શંકા ઉદ્દભવી હતી.

બાળકીના નાના જગદીશભાઇ પરસોડાએ વધુમાં જણાવ્‍યું હતું કે અમારા પાંચમા માળના ફલેટના રહેવાસીઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી કોઇ અજીબ હરકતો કરી રહ્યું છે. અહિ અમારા કપડા કે ચાદર, ગોદડા બહાર સુકવ્‍યા હોય તો તે લઇને કોઇ નીચે અથવા પાછળના પાર્ટી પ્‍લોટમાં ફેંકી દે છે. ચપ્‍પલ બહાર હોય તો એ પણ ફેંકી દે છે. જગદીશભાઇની આ વિગતો બાદ પોલીસે જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી. બાળકી ફેંકાઇ ગઇ એ પહેલા તે બે વખત ‘મમ્‍મી મમ્‍મી' બોલી હતી, તેનો અવાજ સાંભળી પોતે બહાર દોડી આવી ત્‍યારે દિકરી જોવા નહોતી મળી. આ વાત મૃતક બાળકીની મમ્‍મી પૂનમબેન સંજય સાકરીયાએ પોલીસને કરી હોઇ પોલીસને તેની આ કેફીયત શંકાસ્‍પદ લાગતાં તેણીને જ સકંજામાં લઇ વિસ્‍તૃત પુછતાછ આદરી હતી. અંતે તેણીએ આ હત્‍યા પોતે જ કરી હોવાની કબુલાત આપી હતી. પોતાને પતિથી છુટાછેડા બાદ બીજા લગ્ન કરવા હોઇ તેમાં આ દિકરી નડતરરૂપ ન બને તે માટે પાંચમા માળેથી ફેંકી દીધાનું તેણીએ કબુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. હવે બી-ડિવીઝન પોલીસ તેણીના પતિ સંજય સાકરીયાની ફરિયાદ પરથી હત્‍યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી કરશે.

પૂનમે ગઇકાલે મિડીયા સમક્ષ રડવાના નાટક કરીને કહ્યું-હું બધેય પુછવા ગઇ પણ બધાએ કહ્યું ઢીંગુ અહિ નથી આવીઃ સામેવાળા માસીએ કીધું કો'કનું છોકરૂ પડયું: હું, મારા, મમ્‍મી, સામેવાળા માસી નીચે ગ્‍યા તો સાચ્‍ચે મારી જ છોકરી હતી!

ઞ્જગઇકાલે જ પૂનમ સાકરીયાએ રડતાં રડતાં ઘટનાની વિગતો મીડીયા સમક્ષ વર્ણવતા કહ્યું હતું કે-હું બાથરૂમ જતી હતી ત્‍યારે જ  સ્‍નેહલે બે વખત મમ્‍મી-મમ્‍મી એવો જોર જોરથી બોલી હતી. હું તરત જ બહાર નીકળી ગઇ, પગ ભીના થયા હોઇ મેં લુછ્‍યા, દરવાજાને આંકડી મારી, લાઇટ બંધ કરી, બહાર ગઇ, પગથીયા ચડી, બધાયની ઘરે પુછવા ગઇ, પણ બધાએ કીધું કે ઢીંગુ અહિ નથી આવી. આ પછી હું ચોથા માળે પણ પુછવા ગઇ પણ બધાએ કીધું કે ના ઢીંગુ અહિ નથી આવી. પછી હું પાછી પાંચમા માળે આવી ત્‍યાં સામેવાળા બહેન બોલતાં હતાં કે કોકનું છોકરૂ નીચે પડયું. આથી હું, મારા મમ્‍મી, સોમવાળા માસી ત્રણેય લીફટમાં નીચે ગયા. સાચ્‍ચે મારી જ છોકરી હતી, સામેવાળા માસીએ દુપટ્ટામાં દિકરીને લપેટી લીધી. આ વિગતો આપતી વખતે વચ્‍ચે વચ્‍ચે પૂનમ બેભાન થઇ જવાના નાટક પણ કરતી વિડીયોમાં જોવા મળી હતી. આ વિડીયો ખુબ વાયરલ થયો હતો. હવે આ જનેતા પોતે જ દિકરીની હત્‍યારણ નીકળતાં સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.

(11:16 AM IST)