<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

લેન્‍ડ રેકર્ડઝ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્‍યું: પેન ડાઉન બાદ હવે ૧૯મીએ માસ સીએલઃ ૨૧મીથી બેમૂદતી હડતાલનું એલાન

કલેકટરને આવેદન પાઠવાયુઃ પે ગ્રેડ અંગેના પડતર પ્રશ્નોના ત્‍વરીત નિકાલની માંગ..

રાજકોટ, તા.૧૭: રાજ્‍ય લેન્‍ડ રેકોર્ડ્‍ઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગ્રેડ-પે સુધારણા અંગે કલેક્‍ટર અને નાયબ નિયામકને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં કર્મચારીઓએ આંદોલનાત્‍મક કાર્યક્રમોનું જાહેર કર્યા છે.

સિનીયર સંવર્ગના હાલના પગારધોરણ રૂ. ૨૯,૨૦૦ - ૯૨,૩૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૫ (ગ્રેડ પે-૨૮૦૦)માંથી સુધારો કરી રૂ. ૩૫,૪૦૦ - ૧,૧૨,૪૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૬ (ગ્રેડ પે-૪૪૦૦) કરવા, સરવેયર સંવર્ગને હાલના પગારધોરણ રૂ. ૨૫,૫૦૦ - ૮૧,૧૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૪ (ગ્રેડ પે-૨૪૦૦)માંથી સુધારો કરી રૂ. ૨૯,૨૦૦ - ૯૨,૩૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૫ (ગ્રેડ પે-૨૮૦૦) કરવા માંગ કરવામાં આવી છે.

માંગને લઇ તા. ૧૧/૦૯/૨૦૨૬ થી તા. ૧૮/૦૯/૨૦૨૬: કર્મચારીઓ કચેરીઓમાં હાજર રહી ‘પેન ડાઉન' કરીને તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરશે, તા. ૧૯/૦૯/૨૦૨૬ રાજ્‍યના તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર રહેશે, તા. ૨૧/૦૯/૨૦૨૬ થી રાજ્‍યના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે.

આ આંદોલનને કારણે જમીન માપણી, દસ્‍તાવેજી નોંધણી અને સર્વેયર સંબંધિત સરકારી કામગીરી પર મોટો પ્રભાવ પડી શકે છે. કર્મચારી મંડળના હોદ્દેદારોએ સ્‍પષ્ટ કર્યું છે કે જો યોગ્‍ય નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

 

 

(2:50 PM IST)