<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મચ્‍છરોનો ઉપદ્રવ રોકવા કાયદાનો સકંજો : રૂા. ૨૦ હજાર સુધીના દંડને મંજૂરી!

૪૩ વર્ષ જૂના બાયલોઝ રદ કરવાનો સર્વાનુમતે ઠરાવ : મચ્‍છર ઉત્‍પતી અંગે પ્રથમ રૂા. ૨ હજાર, બીજી વખત રૂા. ૫ હજાર અને ત્રીજી વખત રૂા. ૧૦ હજાર સુધીના દંડની જોગવાઈ કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં તૈયાર થયેલી દરખાસ્‍તોને સામાન્‍ય સભાની લીલીઝંડી : કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટના નવા નિયમો સહિતની ૪ દરખાસ્‍તોને પણ સર્વાનુમતે મંજૂર : અરવિંદભાઇ મણીયાર પુસ્‍તકાલયના બોર્ડના સભ્‍ય તરીકે દિનાબેન બેલાણીની નિમણુંક

રાજકોટ, તા., ૨૦ : રાજકોટ શહેરમાં મચ્‍છરોના ઉપદ્રવ અને ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકાએ કાયદાકીય જોગવાઈઓ વધુ કડક બનાવવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં તૈયાર કરવામાં આવેલી ચારેય દરખાસ્‍તોને આજે મળેલી મહાનગરપાલિકાની સામાન્‍ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૧૯૮૩ના જૂના બાયલોઝ રદ કરી નવા શ્નવાહકજન્‍ય રોગવાહક મચ્‍છર તથા અન્‍ય જીવાતોના નિયંત્રણ અને નિવારણ અંગેના બાયલોઝ-૨૦૨૬ને મંજૂરી આપવાનો મહત્‍વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્‍યો છે.

નવા બાયલોઝમાં મચ્‍છરોની ઉત્‍પત્તિ અટકાવવામાં બેદરકારી દાખવનારાઓ સામે રૂા. ૨૦ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જૂના બાયલોઝમાં માત્ર રૂા. ૫૦૦ સુધીના દંડની જોગવાઈ હતી. હવે પ્રથમ વખત નિયમભંગ બદલ રૂા. ૨ હજાર, બીજી વખત રૂા. ૫ હજાર અને ત્રીજી કે વારંવાર નિયમભંગ બદલ રૂા. ૧૦ હજાર સુધીનો દંડ થઈ શકશે. અન્‍ય જોગવાઈઓના ભંગ બદલ રૂા. ૨૦ હજાર સુધીના દંડની જોગવાઈને પણ સામાન્‍ય સભાએ મંજૂરી આપી છે.

રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ ૧૯૮૩માં મચ્‍છરો અને અન્‍ય જીવાતોના નિયંત્રણ માટે બાયલોઝ બનાવ્‍યા હતા, જેને રાજ્‍ય સરકારે વર્ષ ૧૯૮૫માં મંજૂરી આપી હતી. જોકે, છેલ્લા ચાર દાયકામાં રાજકોટ શહેરનો વિસ્‍તાર વધવાની સાથે બહુમાળી ઇમારતો, બાંધકામ સાઇટો, બેઝમેન્‍ટ, ખુલ્લા પ્‍લોટ અને ભંગારના વાડાઓમાં પાણીના ભરાવાને કારણે મચ્‍છરોની ઉત્‍પત્તિના સ્‍થળો વધ્‍યા છે. જૂના નિયમો હાલની શહેરી પરિસ્‍થિતિને પહોંચી વળવા અપૂરતા બનતા નવા બાયલોઝ તૈયાર કરવામાં આવ્‍યા હતા.

કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં નવા બાયલોઝ અંગે વિસ્‍તળત વિચારણા કરવામાં આવી હતી. સમિતિએ મચ્‍છરજન્‍ય રોગોના નિયંત્રણ માટે કડક જોગવાઈઓ સાથેના નવા નિયમોને મંજૂરી આપી સામાન્‍ય સભાને ભલામણ કરી હતી. આજે સામાન્‍ય સભાએ આ ભલામણને સર્વાનુમતે સ્‍વીકારી લીધી છે.

નવા બાયલોઝ હેઠળ રહેણાંક મકાનો, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ, ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્‍લોટ, ભંગારના વાડા, પાણીની ટાંકીઓ, અગાશીઓ અને બેઝમેન્‍ટ સહિતના સ્‍થળોએ મચ્‍છરોની ઉત્‍પત્તિ અટકાવવાની જવાબદારી સંબંધિત મિલકત માલિકો અને કબજેદારોની રહેશે. બિલ્‍ડરો, કોન્‍ટ્રાક્‍ટરો અને સોસાયટીના સંચાલકો માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

નોટિસ આપ્‍યા બાદ પણ નિયમભંગ ચાલુ રહે તો દરરોજ રૂ. ૨૦૦ સુધીની વધારાની શિક્ષા થઈ શકશે. વારંવાર નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈઓને પણ મંજૂરી આપવામાં આવી છે.

કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટના નવા નિયમોને પણ સર્વાનુમતે મંજૂરી

દરમિયાન કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા મહાનગરપાલિકાના કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટના ઉપયોગ માટેના નવા સંકલિત નિયમોને પણ આજની સામાન્‍ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાર્ટી પ્‍લોટ બનાવવામાં આવ્‍યા હોવાથી તેના ઉપયોગ માટે અગાઉ અલગ નિયમો નક્કી કરવામાં આવ્‍યા નહોતા. હવે કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટના ભાડા, સિકયુરિટી ડિપોઝિટ, બુકિંગની સમયમર્યાદા, ઉપયોગની શરતો, બુકિંગ રદ કરવાની પ્રક્રિયા, રિફંડ, સફાઈ, સુરક્ષા અને ર્પાકિંગ સહિતની બાબતોને આવરી લેતા નવા નિયમોને મંજૂરી મળી છે.

નવા નિયમો મુજબ કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. અવાજની નિયત મર્યાદાનો ભંગ કરનાર સામે સ્‍થળ ખાલી કરાવવા અને ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી થઈ શકશે.

આ ઉપરાંત કોમ્‍યુનિટી હોલ કે પાર્ટી પ્‍લોટમાં ઈંડા કે માંસાહાર રાંધવા અથવા પીરસવા પર પ્રતિબંધ રહેશે. કાર્યક્રમ દરમિયાન સફાઈ અને કચરાના નિકાલની જવાબદારી આયોજકોની રહેશે. પાર્ટી પ્‍લોટમાં ર્પાકિંગ અને ટ્રાફિક વ્‍યવસ્‍થા માટે આયોજકોએ પોતાના ખર્ચે ઓછામાં ઓછા બે સિકયુરિટી ગાર્ડ રાખવાના રહેશે.

નવરાત્રિના ગરબા અને કોમર્શિયલ

કાર્યક્રમો માટે બમણું ભાડું

મહાનગરપાલિકાના પાર્ટી પ્‍લોટમાં નવરાત્રિ દરમિયાન ગરબા કે ડાન્‍સના કાર્યક્રમો યોજવામાં આવે તો નિયત ભાડાથી બમણું ભાડું વસૂલવામાં આવશે. નવરાત્રિ સિવાય ગરબા કે ડાન્‍સ ક્‍લાસ માટે પાર્ટી પ્‍લોટનો ઉપયોગ કરવામાં આવે તો અડધું ભાડું વસૂલાશે. બંને કિસ્‍સામાં ઓછામાં ઓછા ૧૫ દિવસનું બુકિંગ કરાવવાનું રહેશે. કોમ્‍યુનિટી હોલ કે પાર્ટી પ્‍લોટનો ઉપયોગ વ્‍યાપારી પ્રવળત્તિ માટે કરવામાં આવે તો બમણું ભાડું વસૂલાશે. લગ્નપ્રસંગ માટે ૧૮૦ દિવસ અને અન્‍ય કાર્યક્રમો માટે ૯૦ દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે.

કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં તૈયાર થયેલી ચારેય દરખાસ્‍તોને સામાન્‍ય સભાએ સર્વાનુમતે મંજૂરી આપતાં મહાનગરપાલિકાના વહીવટી નિયમોમાં મહત્‍વપૂર્ણ ફેરફાર કરવાનો માર્ગ મોકળો થયો છે.

રાજકોટમાં મચ્‍છરજન્‍ય રોગચાળાના નિયંત્રણ માટે ૪૩ વર્ષ જૂના બાયલોઝ રદ કરી નવા કડક નિયમોને સામાન્‍ય સભાએ સર્વાનુમતે મંજૂરી આપી છે. જોકે, નવા બાયલોઝને રાજ્‍ય સરકારની બહાલી મળ્‍યા બાદ સરકારી રાજપત્રમાં ઙ્કસિદ્ધ કરવામાં આવશે અને ત્‍યારપછી તે અમલમાં આવશે. બીજી તરફ કોમ્‍યુનિટી હોલ અને પાર્ટી પ્‍લોટના નવા નિયમો કમિશનર દ્વારા જાહેર કરવામાં આવનારી તારીખથી અમલમાં આવશે.

આ ઉપરાંત આજે મળેલ  જનરલ બોર્ડમાં મહાપાલિકા દ્વારા વર્ષ ૧૯૮૩માં મંજૂર કરાયેલા મચ્‍છર તથા અન્‍ય જીવાતોની ઉત્‍પત્તિ સામે ઉપચારાત્‍મક અને પ્રતિબંધાત્‍મક પગલાંને નિયંત્રિત કરતા બાયલોઝમાં જરૂરી સુધારા કરવા અંગે નિર્ણય લેવાશે. જુબિલન્‍ટ ડાયાલિસિસ ફાઉન્‍ડેશન-રાજકોટને તેની દૈનિક પ્રવળત્તિ માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્‍પિટલ ખાતે વધુ રૂમ ફાળવવા મહાનગરપાલિકાના કોમ્‍યુનિટી હોલ તથા પાર્ટી પ્‍લોટના ઉપયોગ માટેના હાલના નિયમોમાં સુધારો કરવા  તથા શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્‍તકાલયના બોર્ડમાં સભ્‍ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે હિનાબેનની નિમણૂક કરવા સહિતના ૪ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી છે.

જનરલ બોર્ડમાં ભાજપના ૮ તથા કોંગ્રેસના ૧ કોર્પોરેટર ગેરહાજર

રાજકોટઃ આજના જનરલ બોર્ડમાં દિવાળીની રજાનો માહોલ જોવા મળ્‍યો હતો. જેમાં ભાજપના ૮ તથા કોંગ્રેસના ૧ કોર્પોરેટર હાજર રહયા ન હતા.

ભાજપના કિશન ટીલવા, કેતન પટેલ, રક્ષીત કલોલા, અનિલ ચૌહાણ, નિલેશભાઇ હેરભા, જાનકીબેન કાટોલીયા, દિલીપભાઇ લુણાગરીયાએ રજા રીપોર્ટ મુકેલ, જયારે દક્ષાબેન વાઘેલા ગેરહાજર રહયા હતા.

જયારે વિપક્ષ કોંગ્રેસના મકબુલભાઇ દાઉદાણીએ રજા રીપોટ સાથે ગેરહાજર રહયા હતા. આમ ભાજપના ૬પ માંથી પ૭ તથા કોંગ્રેસના ૭ માંથી ૬ નગરસેવકો જનરલ બોર્ડમાં હાજર રહયા હતા

(3:59 PM IST)