News of Friday, 19th June 2026
ફિલ્મો જોનારા હશે તોજ સિનેમાનો વારસો ટકશે : અમૃત ગંગર
* ભારતીય સિનેમાના અનોખા ચિંતક, લેખક અને ક્યુરેટર અમૃત ગંગરએ ભારતીય સિનેમા, લોકપ્રિય સંસ્કૃતિ, શહેર, કલા અને સૌંદર્યશાષા જેવા વિષયો પર લાંબા સમયથી ઊંડું લેખન કર્યું છે * આપણે ત્યાં ૧૩૦૦ જેટલી મૂક ફિલ્મો બની છે જેમાંથી આપણી પાસે માંડ ૩૦ જેટલી ફિલ્મો બચી છે અને એ પણ અધુરી આપણે આ ફિલ્મોની સંભાળ નથી લેતા * સિનેમાના મૂળ બે તત્વો અગત્યના છે કાળ અને અવકાશ * વિશ્વમાં એવા ફિલ્મ ફેસ્ટીવલ યોજાય છે જ્યાં માત્ર એઆઇ જનરેટેડ ફિલ્મો જ હોય * ફિલ્મો જોવાની દ્રષ્ટી કેળવવી જોઇએ * આકાશને અકબંધ રાખતી ફિલ્મો અગત્યની કહી શકાય

ભારતીય સિનેમાના અનોખા ચિંતક, લેખક અને ક્યુરેટર અમૃત ગંગરજીએ અકિલા ખાતે સિનેમાને લગતી અનેક રસપ્રદ માહિતીઓ આપી હતી. તેમની સાથે અનામિક શાહ અને જયભાઇ ખોલિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારની તસ્વીર. (તસ્વીરઃઅભિજીત બગથરિયા)
રાજકોટઃ ભારતીય સિનેમા એ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે જે દર વર્ષે હિન્દી (બોલિવૂડ), તેલુગુ, તમિલ, મલયાલમ અને ગુજરાતી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓમાં હજારો ફિલ્મોનું નિર્માણ કરે છે. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકે દ્વારા નિર્મિત પ્રથમ મૂવી ‘રાજા હરિヘંદ્ર' થી શરૂ થયેલો આ પ્રવાસ આજે વૈશ્વિક સ્તરે છવાઈ ગયો છે. હવે તો ટેક્નોલોજીના જમાનામાં ફિલ્મો પણ અત્યાધુનિકતાનું આવરણ ઓઢેલી જોવા મળે છે. આ ફિલ્મોનો ઇતિહાસ શું છે? ફિલ્મો આપણને શું કહેવા માંગે છે? હકીકતે શ્રેષ્ઠ ફિલ્મ કઇ? ફિલ્મો કઇ રીતે જોવી જોઇએ? આવા અનેક પ્રશ્નોના અમૂલ્ય દસ્તાવેજ સમાન ભારતીય સિનેમાના અનોખા ચિતક, લેખક અને ક્યુરેટર છે શ્રી અમૃત ગંગર. તેમણે ભારતીય સિનેમા, લોકપ્રિય સંસ્કૃતિ, શહેર, કલા અને સૌંદર્યશાષ જેવા વિષયો પર લાંબા સમયથી ઊંડું લેખન કર્યું છે. ગંગરજીનું વિશેષ યોગદાન એ છે કે તેમણે સિનેમાને માત્ર મનોરંજનનું માધ્યમ ન ગણી તેને એક વિચાર, કલા અને સાંસ્કૃતિક અનુભવ તરીકે સમજાવ્યું છે. અકિલાના આંગણે તેઓ મહેમાન બન્યા હતા અનેક રસપ્રદ માહિતીઓ આપી હતી.
શ્રી અમૃત ગંગરજીએ એક પુસ્તક લખ્યું છે ‘‘સિનેમા પ્રયોગ'' આ પુસ્તક ભારતના એવા ફિલ્મકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમણે પરંપરાગત કથન પદ્ધતિથી અલગ રીતે ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમાં ફિલ્મને વાર્તા કહેવાના સાધન કરતાં વધુ એક દ્રશ્ય-કાવ્યાત્મક અનુભવ તરીકે જોવામાં આવે છે. અમૃતજીએ જણાવ્યું કે, ગાંઘીજીના સત્યના પ્રયોગો પુસ્તક એ ‘‘સિનેમા પ્રયોગ'' પુસ્તક લખવાની મારી પ્રેરણા કહી શકાય પણ મારી પ્રયોગની વિભાવના છે એ અલગ છે. ‘પ્ર' એક એન્જીન છે જે આગળ વધારે જ્યારે ‘યોગ' એટલે સંધી જે વિચારોની પણ હોય, આકારોની હોય કે કોઇ પણ પ્રકારની હોય જેને ‘પ્રયોગ' કહું તો યોગ આગળ વધે છે. પヘમિ સિનેમા જગતની જે વિભાવનાઓ છે કે જ્યાં સિનેમાની ઉત્પતિ થઇ. જેમકે ૧૮૫૫ માં સિનેમેટ્રોગ્રાફનું યંત્ર લ્યુમિઅર બ્રધર્સે શોધ્યું હતુ. મને લાગ્યું કે અંગ્રેજી શબ્દ 'પ્રયોગ' જે સામાન્ય રીતે પヘમિમાં ફિલ્મ શબ્દભંડોળમાં વપરાય છે અને બાકીના વિશ્વ દ્વારા સ્વીકારવામાં આવે છે તે કાં તો પૂરતો નથી અથવા કોઈ ચોક્કસ ફિલ્મ નિર્માણ પ્રેક્સિસના સારનું પ્રતિનિધિત્વ કરતો નથી. તેથી મેં વિચાર્યું કે આપણો પોતાનો સંસ્કૃત શબ્દ ‘પ્રયોગ' એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેથી હું વિચારી રહ્યો હતો કે પ્રાયોગિક શબ્દને એક એવા શબ્દથી બદલવો જોઈએ જે આ પ્રકારની ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓનો વધુ ગહન, વધુ સમાવિષ્ટ હોય. આ પુસ્તક માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત સિનેમાની વાત નથી કરતું પરંતુ સિનેમા જ્યારે એક કલાના માધ્યમ તરીકે પ્રયોગો કરે છે ત્યારે તેનું સ્વરૂપ કેવું હોય છે તેની વિગતવાર ચર્ચા આમાં કરી છે. આ પુસ્તકમાં વૈશ્વિક સ્તરે થયેલા ફિલ્મી પ્રયોગો અને ભારતીય (તેમજ ગુજરાતી) સિનેમામાં થયેલા પ્રયોગો અને તેના પ્રયાસોને ખૂબ જ સુંદર રીતે સાંકળ્યા છે.
હવે જ્યારે ફિલ્મો બનવી શરૂ થઇ ત્યારે ૧૯૨૩ માં એક ફિલ્મ બનેલી જેમાં ભક્ત વિધુરનું પાત્ર ભજવનાર દ્વારકાદાસ સંપટે ગાંધી ટોપી પહેરી હતી એટલે અંગ્રેજ સરકારે તેને બેન કરી હતી. આપણે ત્યાં ૧૩૦૦ જેટલી મૂક ફિલ્મો બની છે જેમાંથી આપણી પાસે માંડ ૩૦ જેટલી ફિલ્મો બચી છે અને એ પણ અધુરી. આપણે આ ફિલ્મોની સંભાળ નથી લેતા. એ વખતે ફિલ્મો સિલ્વર નાઇટ્રેટથી બનતી જે તુરત આગ પકડી લેતી. ગંગરજી કહે છે, ટુંકમા આપણા સિનેમાનો ઇતિહાસ ભાંગી ગયેલો રહ્યો છે જેનો પૂર્ણ ઇતિહાસ કદી લખી નહીં શકો. પહેલા ગીતોના પુસ્તકો બનતા.
સાંસ્કૃતિક દ્રષ્ટીકોણથી પ્રાયોગિક સિનેમાને નવી ઓળખ કઇ રીતે આપી શકાય? શ્રી અમૃત ગંગરજીએ જણાવ્યું કે, આપણે ત્યાં વિઝનરી ફિલ્મો બને છે. સિનેમાના મૂળ બે તત્વો અગત્યના છે કાળ અને અવકાશ. મણીકોલએ ૧૯૬૯ માં ‘ઉસકી રોટી' ફિલ્મ બનાવી હતી જેના પાંચ આવર્તનો વિશ્વમાં બતાવાય છે. આવી સંવેદીનશીલ ફિલ્મો તે કાળ અને અવકાશ વચ્ચેના તત્વોને ઝડપી શકે. એક પુસ્તક છે ‘અભેદ આકાશ'. કોમર્શિયલ ફિલ્મો સ્પેશને વિભાજીત કરે છે પવિત્ર અને અપવિત્રમાં.
આજની બનતી ફિલ્મો વિશે શું કહેશો? અમૃતજી કહે છે, આજની ફિલ્મો સ્પષ્ટ રિતે પ્રચાર છે. જેમાં રાજ્યોજ ફિલ્મને પ્રમોટ કરે છે. આજની યુવા પેઢીને તમે વિકલ્પ કેટલો આપો છો તે સવાલ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન પાસે વર્ષ ૨૦૨૩ માં ૧૩૦૦૦ ફિલ્મો પ્રમાણપત્ર માટે રજુ થઇ જેમાંથી થિયેટરમાં રજુ થઇ ૩૦૦૦ ફિલ્મો. તેમાંથી આપણને ધુરંધર સિવાય કેટલી ખબર છે? નવી પેઢીને એમજ લાગે કે માત્ર ધુરંધર જ બની છે બીજુ કંઇ બન્યું જ નથી. ભાષાઓની વાત કરતા અમૃત ગંગરનું કહેવું છે કે, પહેલા કેરળ અને બંગાળ શ્રેષ્ઠ ફિલ્મો આપવામાં ટોચ પર હતા હવે વિચારોની નાદારી આવી ગઇ છે. જેના માટે ટેક્નોલોજી જવાબદાર છે તેમાંય હવે તો એઆઇ આવી ગયું છે. વિશ્વમાં એવા ફિલ્મ ફેસ્ટીવલ યોજાય છે જ્યાં માત્ર એઆઇ જનરેટેડ ફિલ્મો જ હોય. ભારતમાં પણ તે આવી ગયું છે. ટેક્રોલોજીનો ઉપયોગ કરતા આપણે મશીન બની ગયા છીએ તેમ હું માનુ છુ.
ભારતીય સિનેમાના વારસાને ટકાવી રાખવા શું જરૂરી છે? શ્રી અમૃત ગંગર કહે છે, ફિલ્મ નિર્દેશક મણીકોલ ડાગરબંધુ પાસે ધ્રુવપદ ગાયકિ શિખતા ત્યારે ગુરૂને પૂછ્યુ કે ફરીવાર તાનસેન ક્યારે પેદા થશે? ત્યારે તેમણે કહ્યું કે તાનસેનને સાંભળનાર હશે તોજ બીજીવાર આવશે. તેમ ફિલ્મો જોનારા હશે તોજ ફિલ્મો ટકશે. મેં અમદાવાદમાં ફિલ્મો પર ત્રણ દિવસનો વર્કશોપ કર્યો જ્યાં ધાર્યા કરતા બમણા રજીસ્ટ્રેશન થયા. એટલે જો આવી પરિસ્થિતિ હોય તો ભારતીય સિનેમાના વારસાને ટકવાની રાખવાની આશા જીવંત છે તેમ કહી શકાય.
આપની દ્રષ્ટીએ સર્વશ્રેષ્ઠ ફિલ્મની વ્યાખ્યા શું હોઇ શકે? અમૃતજી કહે છે, મારી દ્રષ્ટીએ જે ફિલ્મો સ્પેશને વિભાજીત કરે છે તે શ્રેષ્ઠ નથી. મને કોઇએ પૂછેલું કે તમારી ૧૦ પ્રિય ફિલ્મો કઇ? ત્યારે મને ગમતી ફિલ્મોમાંની એક હતી પવનપુત્ર હનુમાન. કારણ આ ફિલ્મમાં હું જે આકાશ જોવું છુ, હનુમાનજી ઉડે છે તે આકાશ મને એ ગ્રેડની ફિલ્મોમાં જોવા નથી મળતુ. ફિલ્મોમાં આકાશ બહુ ઓછુ જોવા મળે છે. આ રીતે ફિલ્મો જોવાની દ્રષ્ટી કેળવવી જોઇએ. આકાશને અકબંધ રાખતી ફિલ્મો અગત્યની કહી શકાય. સર્વશ્રેષ્ઠની કોઇ વ્યાખ્યા નથી પણ અગત્યની કહી શકાય.
ભારતમાં દર વર્ષે વિવિધ ભાષામાં અસંખ્ય ફિલ્મો બને છે છતાં ફિલ્મના ઇતિહાસના આલેખન માટે કોઇ સંગ્રહ નથી તે જાળવવા શું કરવું જોઇએ? શ્રી અમૃત ગંગરે જણાવ્યું કે, વિરચંદ ધરમશી દ્વારા ‘‘ધ ઇન્ડિયન સિનેમા અ વિઝ્યુઅલ વોઇસ'' દળદાર ગ્રંથ બન્યો છે. દાદા સાહેબ ફાળકેને શરૂઆતથી અત્યાર સુધીના જે એવોર્ડ્ઝ મળ્યા છે તે પુસ્તકમાં મારા બે લેખ છે. એટલે એવું નથી કે સંગ્રહ નથી થતો, કાર્ય તો થાય જ છે. તેઓએ વધુમાં કહ્યું કે, મારૂ પુસ્તક સિનેમા પ્રયોગ તો છે સાથે પરિચય પુસ્તિકાઓ પણ નવ લખી છે. વિમલ રોય પર હવે મોટુ પુસ્તક આવી રહ્યું છે. શ્રી અમૃત ગંગરજીએ મુંબઈમાં નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા સ્થાપિત નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા માટે કન્સલ્ટન્ટ કન્ટેન્ટ ડેવલપર તરીકે કામ કર્યું. તેઓ કહે છે, મારા મ્યુઝિયમના કામ માટે મેં લગભગ ૧૨ વર્ષ પહેલા રાજકોટમાં અભ્યાસ કરેલો. એ વખતે શારદાબાગમાં રોકાયો હતો અને ગોંડલ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. મુંબઇના પેડર રોડ પર આવેલ ભારતના પહેલા ફિલ્મી મ્યુઝિયમ ગુલશન મહેલ તે હાલમાં રાષ્ટ્રીય ભારતીય સિનેમા સંગ્રહાલય છે જેનું ઉદઘાટન મોદી સાહેબે કરેલું. અહિ મૂકપટ ફિલ્મો, બોલપટ ફિલ્મોનો ઇતિહાસ સચવાયેલો છે.
શ્રી અમૃત ગંગર મૂળ કચ્છના છસરા ગામના વતની છે. કચ્છમાંજ ફિલ્મો પ્રત્યે રસ જાગેલો. પિતાજી પહેલા રંગુનમાં હતા અને અમૃતભાઇ ગંગરે નાની ઉંમરમાંજ પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. એ પછી ભાઇએ પણ સાથ છોડ્યો. એ પછી કચ્છ અને મુંબઇ વચ્ચે આવન-જાવન રહ્યું. તેમણે કોલેજનું શિક્ષણ મુંબઇમાંથી મેળવ્યું. એ વખતે સર્વોદય કેન્દ્રમાં હોસ્ટેલમાં રહી તેઓ ભણતા. ત્યાંથી દાદરમાં ચિત્રા ટોકિઝ આવેલી જ્યાં દર રવિવારે સવારે બંગાળી ફિલ્મો દર્શાવાતી. જેના પરથી બંગાળી શીખવાનું મન થયું એટલે મુંબઇની ન્યુએરા સ્કૂલમાં બંગાળી ભાષા અને રવિન્દ્ર સંગીત શીખ્યા. પછી ફિલ્મ ક્ષેત્રે રસને કારણે મણીલકોલ, કુમાર સહાની જેવા મેન્ટર મળતા સિનેમા તરફનો જોક વધ્યો. શ્રી અમૃત ગંગરજીએ અનેક પુસ્તકો લખ્યા છે. અનેક પુસ્તકોનું સંપાદન-સહસંપાદન પણ કર્યું છે. ભારત અને વિદેશમાં તેઓએ અનેક ફેસ્ટીવલોમાં ભાગ લઇ ફિલ્મ વિશે પોતાના અમૂલ્ય અભિપ્રાયો આપતા વકતવ્યો આપ્યા છે, કોન્ફરન્સમાં ભાગ લીધો છે તેમજ ફિલ્મો વિશે ચર્ચાઓમાં ભાગ લીધો છે. તેમણે અનેક દેશોમાં પોતાના વકતવ્યો પણ આપ્યા છે. ફિલ્મ સલાહકાર તરીકે અને ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરી તરીકે પણ ફરજ બજાવી છે. વર્ષ ૨૦૦૭ માં ‘‘ ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર નેશનલ શિપિગ'' નામની દસ્તાવેજી ફિલ્મ શોધવા અને સાચવવા બદલ નેવલ ડોકયાર્ડ મુંબઈ તરફથી ટ્રોફી પણ એનાયત કરાઇ છે. તેમણે સંખ્યાબંધ શૈક્ષણિક - વ્યાખ્યાનો અને પરિષદોને સંબોધ્યા છે. તેમણે સિનેમા, કલા અને સંસ્કૃતિ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિપુલ પ્રમાણમાં લખ્યું છે. વૈશ્વિક અને પ્રાદેશિક સિનેમા પરના તેમના પુસ્તકો અને લેખો ફિલ્મનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સમાન છે.
અકિલા ખાતે શ્રી અમૃત ગંગરજીની સાથે શ્રી અનામિકભાઇ શાહ અને શ્રી જયભાઇ ખોલિયા ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં બનેલી પહેલી ફિલ્મ ‘‘ભક્ત પુંડલિક હતી''..!
* ‘‘ રાજા હરિશ્ચંદ્ર'' ફિલ્મની મૂળ વાર્તા માર્કંડેય પુરાણ પરથી લેવાઇ છે આ ફિલ્મનું બધુ શૂટીંગ મુંબઇના દાદરમાં મથુરદાસ મક્કનજીના મકાનમાં થયું હતું* ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમઆરા પહલા ‘‘ચૌચવનો મુરબ્બો'' બની હતી જેની પ્રીન્ટ ઉપલબ્ધ નથી
રાજકોટઃ ફિલ્મ વિવેચક શ્રી અમૃત ગંગરજીએ ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ વિશે ખુબજ રસપ્રદ વાત કહી. તેમણે જણાવ્યું કે, દાદા સાહેબ ફાળકે ૧૯૧૩ માં આવ્યા. એ પહેલા ૧૯૧૨ માં એક ફિલ્મ બનલી પહેલા ‘‘ભક્ત પુંડલિક'' જેને પહેલી સ્વદેશી ફિલ્મ નથી ગણતા કારણ તેના સિનેમેટ્રોગ્રાફર વિદેશી હતા. એટલે સ્વદેશી ફિલ્મની કલ્પના લોકમાન્ય તિલકે કેસરીમાં લખી. એ વખતે મૂક ફિલ્મો હતી. એટલે દાદા સાહેબ ફાળકેની પહેલી ફિલ્મ ૧૯૧૩ માં ‘‘રાજા હરિヘંદ્ર'' હતી તેને સ્વદેશી ફિલ્મ ગણાવાઇ. આ ફિલ્મની મૂળ વાર્તા માર્કંડેય પુરાણ પરથી લેવાઇ છે. એ વખતે સ્ટુડિયો હતા નહીં એટલે આ ફિલ્મનું બધુ શૂટીંગ મુંબઇના દાદરમાં મથુરદાસ મક્કનજીના મકાનમાં થયું હતું. જોકે હાલ તે મકાન રહ્યું નથી પણ તે લોકેશન આજે પણ દાદા સાહેબ ફાળકે રોડ પર આવેલું છે. એ પછી દ્વારકાદાસ સંપત, ચંદુલાલ શાહ કોહીનુર ફિલ્મ કંપની આવી. આ કંપની પણ આજ રોડ પર આવેલ હતી. એ પછી જામનગરના રાજવી જામ રણજીતસિહજીના નામ પરથી રણજીત ફિલ્મ કંપની બનેલી. ગંગરજી કહે છે, પુનામાં ૧૯૬૪ માં રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયની આર્કાઇવની સ્થાપના થઇ. જે એ વખતના ક્યુરેટર પી.કે. નાયર સાહેબે બનાવેલ. આપણી પાસે હાલ ઇતિહાસની પહેલી ફિલ્મની રીલ ઉપલબ્ધ નથી. ૧૯૧૭ માં બનેલ ફિલ્મોની પણ બેજ રીલ ઉપલબ્ધ છે. ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમઆરા પહલા ‘‘ચૌચવનો મુરબ્બો'' બની હતી. જેની પ્રીન્ટ ઉપલબ્ધ નથી.
ભારત અને વિદેશી વચ્ચે પહેલા શીપીંગ પર બનેલી ફિલ્મ ‘‘ઇન્ડિયાસ સ્ટ્રગલ ઓન નેશનલ શીપીંગ''ની પ્રિન્ટ આ રીતે બચી..
રાજકોટઃ પુનામાં નેશનલ ફિલ્મ આર્કાઇવ ૧૯૬૪ માં સ્થાપના થઇ. એ પછી ઇન્દિરા ગાંધીએ ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનની શરૂઆત કરી. જેના થકી આપણને ઘણી એવી કૃતિઓ મળી છે. શ્રી અમૃત ગંગર કહે છે, આ ફિલ્મ કૃતિઓ વિશે મેં સાંભળેલુ. જેના ડિરેક્ટર જર્મનના ઓલ વિલ્સ હતા. આ ફિલ્મ છે ‘‘ઇન્ડિયાસ સ્ટ્રગલ ઓન નેશનલ શીપીંગ'' જેમાં ભારતના પહેલા સ્વતંત્ર દિવસ મનાવાયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરૂએ આખા દેશમાં આ ફિલ્મ બતાવવા કહેલું. ભારતનું પહેલું જહાજ સુમતી મોરારજીનું એસ.એસ. લોયલ્ટી હતું, જે ૧૯૧૯માં સિધિયા સ્ટીમ નેવિગેશન કંપની દ્વારા હસ્તગત કરાયું હતુ. તે જહાજના લોન્ચીંગ વખતે ભારતના તમામ નેતાઓ અને આગેવાનો ભેગા થયા હતા. એ વખતે આ ફિલ્મ એક જર્મને ઉતારી હતી. આ ફિલ્મમાં ભારતે વિદેશીઓની વચ્ચે જે શીપીંગનું શરૂ કર્યું તે દર્શાવાયું છે.
આ ફિલ્મ શોધવા માટે હું આર્કાઇવમાં ગયો ત્યાં હતી નહી ત્યારે પી.કે.નાયર સાહેબ હયાત હતા. પછી જ્યારે હું એલ.એન્ડ.ટી મા કામ કરતો હતો ત્યારે મુખ્ય ઓફિસ તેની બેલર્ડમાં હતી જેની સામેજ સિધિયા હાઉસ હતું. મેં ત્યાં જઇ ફિલ્મ વિશે ઘણી શોધ ચલાવી. સગડ મળતા મુંબઇની અંધેરીમા આવેલ સિધિયા સોસાયટીમાં ગયો પણ કંઇ મળ્યુ નહીં. શોધ કરતા એક ફલેટમાં સિધિયાની ઓફિસ હતી જ્યાં એ ફિલ્મ વિશે વાત કરી તો તેમણે એ ફિલ્મ જોઇ છે તેવું જણાવ્યું અને ક્યાં છે તે ખ્યાલ નથી શોધવી પડશે. ગંગરજી કહે છે, એ ફિલ્મ શોધી તેમણે મને ફોન કર્યો. હું જ્યારે પહોંચ્યો ત્યારે ડબામાં જુની ફિલ્મ પડી હતી. મે મારા મિત્ર સિનેમેટ્રોગ્રાફરને ફોન કરી આ ફિલ્મ બચાવવાની સલાહ માંગી. એ વખતે અંધેરીમાં એક લેબોરેટરી નવી ખુલી હતી ત્યાં એક જર્મનભાઇ બેઠા હતા. એમણે એ મેરીટ ફિલ્મ (જેમાં વિઝયુઅલ અને સાઉન્ડ બંને હોય) ને બચાવી. આ ફિલ્મમાં મહંમદ અલી જીણા જેઓ સિધિયા હાયસમાંથી બહાર આવે છે તે સીન છે, સરદાર વલ્લભભાઇ પટેલ છે, મોતીલાલ નહેરૂનો આખો પરિવાર પણ છે. આ અગત્યની ફિલ્મને અમૃત ગંગરે બચાવી છે. એ ફિલ્મ તેમણે આર્કાઇવને આપી એ વખતે શશીધરન તેના ડિરેક્ટર હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ફિલ્મ તેમણે બચાવી છે.
સંપર્કઃ amritgangar @gmail.com
વોટ્સએપઃ૯૮૨૧૩૭૩૫૭૧
(2:35 PM IST)










