News of Friday, 6th November 2026
તા. ૧૬મી થી ૧૮ નવેમ્બર સવાર સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભુત અવકાશી નજારો...
નવેમ્બર તા. ૩૦મી સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારોઃ દુનિયાભરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલઃ વિશ્વમાં આજથી શરૂ થઇ ૩૦ નવે. સુધી સ્પષ્ટ ઉલ્કાવર્ષાનો અદભુત નજારોઃ મધ્યરાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમયઃ તા. ૧૬ મી થી તા. ૧૮ મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષાઃ રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાનું આયોજન

રાજકોટઃ દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. ૧-૨ નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો આજે મધ્યરાત્રિ બાદથી ૩૦ નવેમ્બર સુધી લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે. તા. ૧૬ થી તા. ૧૮મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષા મહત્તમ જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે.
‘જાથા' ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બરના પ્રારંભથી તા. ૩૦ સુધી સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૦ થી ૧૫ અને વધુમાં વધુ ૧૦૦ (એકસો) ઉલ્કા વર્ષા અવકાશમાં જોવા મળે છે. ત્રણ દિવસ અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળશે. સિહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિદુ સિંહરાશિમાં હોવાથી તેને સિહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે. ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં દ્રશ્યમાન જોવા મળશે.
વધુમાં પંડયા જણાવે છે કે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તારીખ ૧૬/૧૭/૧૮ નવેમ્બર મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી અવકાશમાં જોવા મળશે. ખગોળપ્રેમીઓ ત્રણ દિવસ રાત્રિના ઉલ્કાવર્ષા જોઈ શકશે. આ અદ્દભુત જોવાનો લ્હાવો છે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્કાવર્ષા અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, પાલનપુર, હિમતનગર, મોરબી, ગોધરા પંચમહાલ, અરવલ્લી મોડાસા, નર્મદા તાપી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ આહવા, રાજપીપળા વિગેરે નાના-મોટા નગરોમાં એક કે બે દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.
લીઓનીડસ ઉલ્કાવર્ષાનો નજારે નિહાળવાની તૈયારીમાં જાથાના રાજુ યાદવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિત અનેક સદસ્યો આ અભિયાનમાં જોડાયા છે.
રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : ૯૮૨૫૨ ૧૬૬૮૯ થા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
(2:47 PM IST)










