<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

જીભ વંદના કરીને, બોલેલા અપશબ્‍દોનું પ્રાયશ્ચિત કરી લઈએઃ પૂ.નમ્રમુનિ મ.સા.

પર્યુષણના બીજા દિવસે રાષ્‍ટ્રસંત પૂ.પરમ ગુરૂદેવે આપ્‍યો ‘વચન સાધના'નો સંદેશ

રાજકોટ, તા.૯: પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના બીજા દિવસે રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે વચન સાધના અને ક્ષમાયાચનાને કેન્‍દ્રમાં રાખી હૃદયસ્‍પર્શી સંદેશ આપ્‍યો. પર્યુષણને ઐતિહાસિક બનાવવાનો સંકલ્‍પ કરાવતાં તેમણે કહ્યું કે ભક્‍તિ એવી હોવી જોઈએ કે દિવસે ખુલ્લી આંખે અને રાત્રે બંધ આંખે પ્રભુની અનુભૂતિ થાય.

ગુરુદેવે સૌને આત્‍મચિંતન કરાવતાં કહ્યું કે તમારા શબ્‍દો ટોનિક છે કે ટોક્‍સિક, તે તપાસો. આપણને મળેલા વચનો દ્વારા આપણે કોઈને આનંદ આપ્‍યો છે કે દુઃખ, પીડા, તકલીફ, અન્‍યાય કે અપમાન પહોંચાડ્‍યું છે? જો આપણા શબ્‍દોથી કોઈને દુઃખ પહોંચ્‍યું હોય તો માત્ર ઔપચારિક રીતે નહીં, પરંતુ સાચા ભાવ અને પヘાતાપ સાથે ક્ષમા માંગવી જોઈએ. પુણ્‍યથી મળેલી વાણીનો ઉપયોગ કરીને પાપકર્મનું બંધન ન થાય તે માટે સાચા હૃદયથી મિચ્‍છામિ દુક્કડમ્‌ કરવાનો સંદેશ આપવામાં આવ્‍યો.

સત્‍ય બોલવું ધર્મ છે, પરંતુ સત્‍યના નામે કોઈને તોડી પાડવું કે દુઃખ પહોંચાડવું અધર્મ છે. વારંવાર કડવા વચનો બોલનારાઓને પોતાની વાણી પ્રત્‍યે સાવધાન કરવા માટે ‘જીભ વંદના'નો પ્રયોગ કરાવવામાં આવ્‍યો. જીભને બહાર કાઢીને ઉપર-નીચે કરવાની આ પ્રતીકાત્‍મક ક્રિયા દ્વારા પોતાના શબ્‍દો પ્રત્‍યે જાગળતિ અને કોઈને દુઃખ પહોંચાડતા પહેલાં અટકવાની આંતરિક ચેતના કેળવવાનો સંદેશ અપાયો.

પરમ ગુરુદેવે સમજાવ્‍યું કે માત્ર પ્રવચન સાંભળવાથી નહીં, પરંતુ પ્રવચનમાં શીખવેલા પ્રયોગોને જીવનમાં ઉતારવાથી પરિવર્તન આવે છે. તેથી જ તેમણે શબ્‍દોને ‘કટાર નહીં, ગિટાર' બનાવવાની પ્રેરણા આપી અને સમજાવ્‍યું કે વચનોમાં જેટલો અહોભાવ હશે, તેટલા જ તે વધુ હૃદયસ્‍પર્શી અને ફળીભૂત બનશે.

આ પ્રસંગે પ્રયોગાત્‍મક પ્રસ્‍તુતિ દ્વારા કુદરતી આફતોમાં થતા મોટા પ્રમાણમાં જાનમાલના નુકસાનનું ચિત્રણ કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ સામૂહિક રીતે પોતાના વચનો દ્વારા થયેલા અત્‍યાચાર, અતિચાર, પાપ અને દોષો માટે ક્ષમાયાચના કરવામાં આવી. તે સાથે જ સંવત્‍સરીના દિવસે ૧૧,૦૦૦ ભાવિકોના સામૂહિક પ્રતિક્રમણમાં સર્વને જોડાઈને સામૂહિક સાધના દ્વારા વચન પુણ્‍ય બંધ અને અશુભ કર્મ ક્ષય માટે આહવાહન કરવામાં આવ્‍યું.

વાણીમાં સંયમ, શબ્‍દોમાં પ્રેમ અને પોતાના વચનો દ્વારા ભૂલ થાય તો સાચા હૃદયથી ક્ષમા આ જ પર્યુષણના બીજા દિવસની વચન સાધનાનો મર્મ રહ્યો.

(3:57 PM IST)