News of Monday, 27th July 2026
પાણીની ગુણવત્તા જાળવજોઃ તુષાર સુમેરાની તાકિદ
રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુ. કમિશનરઃ કલોરીન સેમ્પલ ચકાસ્યું

રાજકોટ, તા. ર૭: શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કમિશનરએ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
કમિશનરએ અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
(3:36 PM IST)










