તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 20th November 2026
TAT-HS પરીક્ષાના પરીણામ સામે જબરો વિરોધ-વંટોળ મેળવેલા ગુણ, તૈયારીઓ તથા જવાબો વચ્ચે મોટો તફાવત
પરીક્ષામાં ગોલ્ડ મેડાલિસ્ટ, અનુભવી શિક્ષકો, પીએચડી ઉમેદવારો પણ બેઠા હતા ઉમેદવારોનું ૮ જેટલી માંગણીઓ સાથે કલેકટરને આવેદનઃ ન્યાય અપાવવા અપીલ

રાજકોટ, તા. ર૦: TAT-HS મુખ્ય પરીક્ષાના જાહેર થયેલા પરિણામને લઈને ઉમેદવારોમાં અસંતોષ ઉભો થયો છે. પરીક્ષાના પરિણામમાં અનેક વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કરી ઉમેદવારોએ નિષ્પક્ષ તપાસની માંગ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉમેદવારોએ પરિણામની પારદર્શિતા જળવાય અને તમામ ઉમેદવારોને ન્યાય મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.
ઉમેદવારોના જણાવ્યા મુજબ, તા. ૦૮/૦૮/૨૦૨૫ના રોજ TAT-HS મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું પરિણામ તા. ૦૬/૧૧/૨૦૨૫ના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો છે. ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષામાં મેળવેલા ગુણ અને તેમની તૈયારી તથા ઉત્તરવહીઓમાં લખેલા જવાબો વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
આ મામલે ઉમેદવારોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં કુલ આઠ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં TAT-HS મુખ્ય પરીક્ષાના બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે, દરેક ઉમેદવારનો સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મતારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત, માત્ર એક જ પેપર આપનારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવા રજૂઆત કરાઈ છે. ઉમેદવારોએ બંને પેપરની ઉત્તરવહીઓ જાહેર કરવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત પેપર-૧ ગુજરાતી ભાષા સમજણ અને પેપર-૨ વિષયને લગતી અધિકળત આન્સર કી જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારો પોતાના જવાબોની સરખામણી કરી શકે.
આવેદનપત્રમાં પરીક્ષાના અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રોની મુશ્કેલીના સ્તરને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઉમેદવારોએ ધોરણ ૧૧ અને ૧૨ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રોની મુશ્કેલી અને તેની અનુરૂપતાની તપાસ કરવાની માંગ કરી છે.
ઉમેદવારોએ આવેદનપત્રમાં પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે આ પરીક્ષામાં ગોલ્ડ મેડાલિસ્ટ ઉમેદવારો, ૧૦થી ૧૫ વર્ષનો શિક્ષણનો અનુભવ ધરાવતા શિક્ષકો, પીએચ.ડી. કરતા ઉમેદવારો, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો તેમજ પુસ્તકો પ્રકાશિત કરનારા શિક્ષકો પણ સામેલ થયા હતા.આવા ઉમેદવારોને પણ પરિણામમાં આશરે ૬૦થી ૧૧૦ ગુણ વચ્ચે જ ગુણ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક ઉમેદવારોના જણાવ્યા મુજબ, તેમણે ૧૫૦થી વધુ ગુણ મળવાની અપેક્ષા સાથે સારી રીતે ઉત્તરવહીઓ લખી હોવા છતાં અપેક્ષા કરતાં ઘણા ઓછા ગુણ મળ્યા છે.
અંતમાં ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સક્ષમ અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે અને ઉમેદવારોના હિતમાં પારદર્શક નિર્ણય લેવામાં આવે.
(3:59 PM IST)










