News of Friday, 24th July 2026
રાજકોટમાં મેઘમહેરઃ લોકોના હૈયે ટાઢકઃ ડેમોમાં નવા નીર
રંગીલા રાજકોટ પ્રત્યે મેઘરાજાએ રિસામણા છોડયાઃ ગઇ સાંજથી ઝરમર બાદ મધરાતે સટાસટીઃ ૯ કલાકમાં ૩ ઇંચ :ભડભાદર ભારમાં નવું ૩ ફૂટ પાણીઃ ન્યારીમાં અડધો ફૂટઃ આજે બપોર સુધી ધીમીધારે હેત વરસાવી રહ્યા છે મેઘરાજા : ન્યારી ડેમની સપાટી ૧૫.૨૫ ઉપર પહોંચી કુલ સપાટી ૨૫ ફૂટઃ નવું અડધા ફૂટ પાણી આવ્યુ

રાજકોટ તા.૨૪: રંગીલા રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની ચાતક નજરે રાહ જોતા તે મેઘરાજાનું શુકનવંતુ આગમન થયું છે. રાજકોટ પ્રત્યેના રિસામણા છોડી મેઘરાજાએ ગઇ સાંજથી હેત વરસાવવાનું શરૂ કરતાં લોકોના હૈયે ટાઢક થઇ છે. મોડી રાત્રે જો કે મેઘરાજાએ સટાસટી બોલાવવા શહેર પાણી પાણી થઇ ગયું હતું આ લખાય છે ત્યારે આજે બપોરે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાના આગામી સાથે ડેમોમાં પણ નવા નીર આવ્યા છે. નયારીમાં અડધો ફૂટ તો ભાદરમાં ૩ ફૂટ નવું પાણી આવ્યાનું જાણવા મળે છે.
રાજકોટમાં આજે બપોર સુધી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જો કે લોકો ‘‘અમદાવાદવાળી'' સટાસટીની આશા રાખી રહ્યાં છે.
શહેરમાં મધરાત્રે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં આશરે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. મનપાના ફાયર બ્રિગેડના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૪૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે શહેરમાં મોસમનો કુલ વરસાદ આશરે ૯.૫૦ ઈંચ સુધી પહોંચી ગયો છે.
ભારે વરસાદને કારણે શહેરના ત્રણ સ્થળોએ વળક્ષો ધરાશાયી થયા હતા. કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ, વોકહાર્ટ હોસ્પિટલ સામે સૂર્યોદય સોસાયટી તથા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં વળક્ષો પડ્યાની નોંધ ફાયર બ્રિગેડમાં થઈ હતી. જોકે વરસાદ મધરાત્રે પડતાં મોટી જાનહાનિ કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ નહોતી.
હવામાન વિભાગે આજે રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે.
(3:06 PM IST)










