News of Tuesday, 14th July 2026
ક્રેઇન તૂટતાં ગડર માથે પડવાથી વડીયાના ઢુંઢીયા ગામના મોહિત સોલંકીનું મોત
કોટડા સાંગાણીની પીપલાણા જીઆઇડીસીમાં રાત્રે કરૂણ બનાવ : ૨૮ વર્ષનો યુવાન હાલ શાપર રહી ફેક્ટરીમાં કામ કરતો હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા.૧૪: કોટડા સાંગાણી તાબેની પીપલાણા જીઆઇડીસીમાં રાત્રે એક દૂર્ઘટનામાં મુળ અમરેલીના વડીયા પંથકના ગામના વતની અને હાલ શાપર રહેતાં ૨૮ વર્ષના યુવાન પર ક્રેઇન તુટવાથી માથે લોખંડનું ગડર પડતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં કેપ્ટન ટ્રેકટર પાછળ ગણેશ એન્જિનીયરીંગ કંપની પાસે ક્વાર્ટરમાં રહેતો અને કંપનીમાં કામ કરતો મોહિતભાઇ ચીમનભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામનો યુવાન રાતે અગીયારેક વાગ્યે કોટડા સાંગણીના પીપલાણા ગામે જીઆઇડીસીમાં આવેલા જે. કે. ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રવિ એન્જીનિયરીંગ ખાતે ક્રેઇનનું કામ કરતો હતો ત્યારે એકાએક ક્રેઇનનો ઉપરનો ગડર તૂટતાં મોહિતભાઇની માથે પડતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતાં કોટડા સાંગાણી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પારનાર મોહિતભાઇ સોલંકી મુળ અમરેલી વડીયાના ઢુંઢીયા ગામનો વતની હતો. હાલ તે શાપર રહી કંપનીમાં કામ કરતો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપીગઇ છે.
(3:37 PM IST)










