<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અરબ સાગરમાં અટકેલું ચોમાસું ફરી સક્રિયઃ ૪ જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં વાવણીલાયક ધમાકેદાર વરસાદની આગાહી

૨૩ જૂનથી મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં ચોમાસાની આગેકૂચ માટે સાનુકૂળ સ્‍થિતિઃ ત્‍યારબાદ સૌરાષ્ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતમાં થશે વિધિવત પ્રવેશ : રાજ્‍યમાં પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટીનો દોર યથાવતઃ ત્રણ દિવસ બાદ વરસાદની ગતિ અને વિસ્‍તાર બંને વધશેઃ હવામાન વિશ્‍લેષક નીતેશ વડાવીયા

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને રાહતના સમાચાર આવ્‍યા છે. અરબ સાગરની પાંખમાં ગત ૮ જૂનથી અટકેલી ચોમાસાની ગતિ હવે ફરી પકડાય તેવી પૂરેપૂરી શક્‍યતા વર્તાઈ રહી છે. હવામાનના વૈશ્વિક મોડેલના અભ્‍યાસ અનુસાર, ૨ જૂનથી ૪ જુલાઈ દરમિયાન રાજ્‍યભરમાં ચોમાસું જામશે અને મોટાભાગના વિસ્‍તારોમાં વાવણીલાયક મધ્‍યમથી ભારે વરસાદ થવાનું અનુમાન છે.

હવામાન વિશ્‍લેષક નીતેશ વડાવીયાના જણાવ્‍યા મુજબ હાલની પરિસ્‍થિતિ જોતા ૨૩ જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં દક્ષિણ-પヘમિ ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ એકદમ સાનુકૂળ બન્‍યું છે. આ રાજ્‍યોમાં સક્રિય થયા બાદ ચોમાસું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધશે, જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, ત્‍યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્‍છના વિસ્‍તારોને તે આવરી લેશે. હાલમાં રાજ્‍યના જુદા જુદા વિસ્‍તારોમાં છૂટોછવાયો પ્રી-મોન્‍સૂન વરસાદ ચાલુ છે. આગામી ત્રણ દિવસ સુધી આ પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટી થોડી નહિવત રહેશે, પરંતુ ત્‍યારબાદ તેના વિસ્‍તાર અને માત્રામાં ક્રમશઃ વધ-ઘટ સાથે વધારો જોવા મળશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પ્રી-મોન્‍સૂન વરસાદના વિસ્‍તારો પણ વિસ્‍તરતા જશે. વૈશ્વિક વેધર મોડેલના સંકેતો મુજબ, આગામી ૪ જુલાઈ સુધીમાં વાતાવરણમાં અલગ-અલગ સાનુકૂળ પરિબળો અને સક્રિય વરસાદી સિસ્‍ટમ્‍સ સર્જાવાને કારણે ગુજરાતભરમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ જશે. આ સમયગાળા દરમિયાન રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં મધ્‍યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી ખેડૂતો પોતાની વાવણીના કાર્યો ઉત્‍સાહભેર શરૂ કરી શકશે.

આગોતરું એંધાણ

ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જો કોઈ વિસ્‍તાર વરસાદથી વંચિત રહી જશે, તો પણ ચિતા કરવાની જરૂર નથી. આગોતરા એંધાણ મુજબ, શરૂઆતના રાઉન્‍ડ પછી પણ વાતાવરણ સાનુકૂળ રહેવાની ધારણા છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્‍ટમ્‍સ અને અન્‍ય સાનુકૂળ પરિબળોને લીધે વરસાદનો દોર સતત ચાલુ રહે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. કયા વિસ્‍તારમાં ચોમાસું ક્‍યારે બેસશે અને ક્‍યાં કેટલો વરસાદ થશે તેની વિગતવાર માહિતી સમયાંતરે અપાતી રહેશે.

(10:46 AM IST)