News of Tuesday, 28th July 2026
રાજકોટ શહેર-જીલ્લામાં ૭૦થી વધૂ મહેસુલ તલાટીઓ ૭થી ૮ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું
મહેસુલ ખાતએ પરિપત્ર બહાર પાડી ૩ વર્ષથી વધૂ ફરજ બજાવતા કારકુન-તલાટીઓ-નાયબ મામલતદારોને બદલી આપવા આદેશ આપ્યો રાજકોટમાં કારકૂન-નાયબ મામલતદાર ૩ વર્ષથી વધૂ ફરજ બજાવતા હોય તેવા બહુ ઓછાઃ જો કે બદલીઓ આવશે

રાજકોટ, તા. ર૮: સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના રાજકોટ સહિત તમામ જિલ્લા કલેકટરોને એક તાકીદનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, જે નાયબ મામલતદારો, મહેસૂલી કારકૂનો અને મહેસૂલી તલાટીઓ છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ ટેબલ કે સેજા પર ફરજ બજાવી રહ્યા છે, તેમની તાત્કાલિક ધોરણે આંતરિક ફેરબદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગના સુત્રો મુજબ સામાન્ય વહીવટ વિભાગના ૨૫ નવેમ્બર ૨૦૦૫ ના ઠરાવ અન્વયે કોઈપણ અધિકારી કે કર્મચારીને એક જ સ્થળે કે એક જ ટેબલ પર લાંબો સમય સુધી ચાલુ ન રાખવા અંગેની સ્પષ્ટ જોગવાઈઓ અમલમાં છે. તેમ છતાં, અત્રેના વિભાગ દ્વારા ગત ૧ જુલાઈ ૨૦૧૬/૨૦૨૬ ની સ્થિતિએ મેળવવામાં આવેલી સમીક્ષા માહિતીમાં એવું ધ્યાને આવ્યું છે કે કેટલાક નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓ પોતાના નિયત ટેબલ કે સેજા પર ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી અડિંગો જમાવીને બેઠા છે.એક જ ટેબલ પર લાંબા સમય સુધી કર્મચારીઓની હાજરીના કારણે વહીવટી કાર્યોમાં ગેરરીતિઓની સંભાવના વધી જાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને વહીવટી હિતમાં સરકારે આ કડક રૂખ અપનાવ્યો છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર-જીલ્લામાં ૭૦ થી ૭ર જેટલા મહેસુલ તલાટીઓ ૭ થી ૮ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે, કારકુન-નાયબ મામલતદારમાં આવા બહુ ઓછા છે, તત્કાલીન કલેકટર પ્રભવ જોષીએ જે બદલીનો ગંજીપો ચીપ્યો હતો, તેવા નાયબ મામલદારોને નવેમ્બર-ડીસેમ્બરમાં ૩ વર્ષ પુરા થવા જાય છે, આ લોકોની પણ હવે પછી બદલીઓ આવી શકે છે. વર્તમાન કલેકટર ઉપર કર્મચારીઓની નજર છે. જો કે મહેસુલ ખાતાએ પ્રક્રિયા પૂર્ણ કરી ૭ દિવસની અંદર રીપોર્ટ માંગ્યો છે.(
(4:37 PM IST)










