News of Friday, 10th July 2026
મનપાનું ર૦મીએ જનરલ બોર્ડઃ ફુડ વિભાગની કામગીરી-ગેરકાયદે દબાણ સહિતના પ્રશ્નોનો ધોધ
બપોર સુધીમાં ભાજપના ૧ર નગર સેવકોએ રર તથા કોંગ્રેસના ૪ નગર સેવકોએ ૧ર સવાલો કર્યા રજુઃ પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. પના ભાજપના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયાના પ્રશ્નોથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા.૧૦: મ્યુનિ. કોર્પોરેશનની આગામી ૨૦ જુલાઈએ યોજાનારી જનરલ બોર્ડ બેઠકમાં આ વખતે પણ પ્ર‘ોત્તરી કાળ દરમિયાન સવાલોની સટાસટી જામે તેવા એંધાણ છે. બપોર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ૧૬ કોર્પોરેટરોએ ૩૪ પ્ર‘ો રજૂ કર્યા છે. સાંજ સુધી પ્રશ્નો સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેતાં આ આંકડો ૫૦ને પાર પહોંચે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આગામી ૨૦ મી જુલાઇના મ્યુનિ. કોર્પોરેશન નું જનરલ બોર્ડ બોલાવવા મેયર નેહલ શુકલની સુચનાથી મ્યુનિ. સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા દ્વારા એજન્ડ પ્રસિધ્ધ કર્યો હતો.બોર્ડના મુખ્ય એજન્ડામાં નામકરણ સહિત પાંચ દરખાસ્તો સામેલ છે, જ્યારે પ્રશ્નોત્તરી કાળ માટે કોર્પોરેટરો દ્વારા સેક્રેટરી સમક્ષ પ્રશ્નોની યાદી રજૂ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ એક કોર્પોરેટર વધુમાં વધુ ત્રણ પ્રશ્નો પૂછી શકે છે. બપોર સુધી ભાજપના ૧૨ કોર્પોરેટરોએ ૨૨ અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ પ્રશનો રજૂ કર્યા હતા.પ્રશ્નોત્તરીની શરૂઆત વોર્ડ નં. ૫ના ભાજપના સિનિયર કોર્પોરેટર અને હાઉસિંગ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાના પ્રશ્નોથી થશે. ત્યારબાદ ભારતીબેન પરસાણા તથા કોંગ્રેસના કોર્પોરેટરો મકબુલભાઈ દાઉદાણી, મનીષાબેન રોજાસરા અને દીપ્તિબેન સોલંકીના પ્રશ્નોની ચર્ચા થશે.મેયર ડો.નેહલ શુક્લે પ્રશ્નોત્તરી માટેની એક કલાકની સમયમર્યાદા દૂર કર્યા બાદ હવે દરેક કોર્પોરેટરને પોતાના તમામ પ્રશ્નોના જવાબ સભાગળહમાં જ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેના કારણે અગાઉ એકથી બે કલાકમાં પૂર્ણ થતી બોર્ડ બેઠક હવે પાંચથી છ કલાક સુધી ચાલે છે. પ્રથમ બેઠક સાડા પાંચ કલાક ચાલી હતી અને આ વખતની બેઠક પણ પ્રશ્નોની સંખ્યાને જોતા સાંજ સુધી ચાલે તેવી સંભાવના છે.
(3:08 PM IST)










