<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ગ્રીન ટ્રિબ્‍યુનલની ફટકાર બાદ મનપા જાગી! નાકરાવાડીમાં કચરામાંથી ખાતર બનાવવાનો પ્‍લાન્‍ટ તૈયાર

૧૧ એકરમાં ૨૫૦ મેટ્રિક ટન ક્ષમતાનો પ્‍લાન્‍ટ ઊભો કરાયોઃ ૯૦ ટકા કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ટ્રાયલ રન નાકરાવાડીના ગ્રામજનોની વર્ષોની લડત આખરે રંગ લાવીઃ ખેડૂતોને સસ્‍તા ભાવે અથવા મફતમાં ખાતર આપવાની યોજના

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેરમાંથી દરરોજ નીકળતા ટનબંધ કચરાના નિકાલનો વર્ષોજૂનો પ્રશ્‍ન હવે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. શહેરની ભાગોળે આવેલા નાકરાવાડી ગામ નજીક કચરાના ઢગલાથી સર્જાતી સમસ્‍યા અને ગ્રામજનોની લાંબી કાનૂની લડત બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ વેસ્‍ટ ટુ કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટ ભો કરવામાં આવ્‍યો છે. પ્‍લાન્‍ટની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના ચીફ એન્‍વાયરમેન્‍ટ એન્‍જિનિયર પ્રજેશ સોલંકીના જણાવ્‍યા મુજબ નાકરાવાડી ખાતે ૧૧ એકર જમીનમાં ૨૫૦ મેટ્રિક ટન ક્ષમતાનો વેસ્‍ટ ટુ કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટ તૈયાર કરવામાં આવ્‍યો છે. આ પ્‍લાન્‍ટ મારફતે કચરાનું પ્રોસેસિંગ કરીને જૈવિક ખાતર બનાવવામાં આવશે.

પ્‍લાન્‍ટમાંથી તૈયાર થનાર ખાતર કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સી મારફતે ખેડૂતોને અત્‍યંત સસ્‍તા દરે અથવા મફતમાં ઉપલબ્‍ધ કરાવવાની યોજના છે. પ્‍લાન્‍ટના સંચાલન અને જાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્‍સીને નિર્ધારિત રકમ ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરનો કચરો વર્ષોથી નાકરાવાડી ગામ નજીક ઠાલવવામાં આવતો હોવાથી સ્‍થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો. કચરાના ઢગલા અને તેનાથી સર્જાતી પર્યાવરણીય સમસ્‍યાઓ સામે ગ્રામજનોએ સરકારથી માંડીને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ સુધી લડત ચલાવી હતી.

ગ્રીન ટ્રિબ્‍યુનલની ફટકાર બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે પ્‍લાન્‍ટ ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ પ્‍લાન્‍ટ કાર્યરત થવાની તૈયારીમાં છે ત્‍યારે વર્ષોથી કચરાની સમસ્‍યા સામે ઝઝૂમતા નાકરાવાડીના ગ્રામજનોને કેટલી રાહત મળશે તે જોવાનું રહેશે.

નાકરાવાડીમાં કચરાના નિકાલનો મુદ્દો વર્ષોથી વિવાદનું કેન્‍દ્ર રહ્યો છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો અને કાનૂની લડત ચલાવ્‍યા બાદ તંત્ર દ્વારા પ્‍લાન્‍ટનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જોકે માત્ર પ્‍લાન્‍ટ ભો કરવાથી સમસ્‍યાનો અંત આવશે નહીં. તેનું નિયમિત સંચાલન, કચરાનું યોગ્‍ય પ્રોસેસિંગ અને પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કેટલી અસરકારક રહે છે તેના પર સમગ્ર પ્રોજેક્‍ટની સફળતાનો આધાર રહેશે.

(2:15 PM IST)