News of Saturday, 11th July 2026
શહેરમાં પાણીચોરી પકડવા મનપાની ગુપ્ત ઝુંબેશઃ હાઈરાઇઝ બિલ્ડિંગો રડારમાં
વોર્ડ ૮, ૯, ૧૦ અને ખાસ કરીને વોર્ડ-૧૧માં તપાસ તેજ; મોટા મવા, મવડી અને નવા રિંગ રોડ વિસ્તાર કેન્દ્રમાં: જનરલ બોર્ડમાં ચર્ચા બાદ સત્તાવાર વિગતો જાહેર થશે

રાજકોટ ,તા.૧૧ મ્યુનિ.કોર્પોરેશનના વેસ્ટ ઝોનમાં પીવાના પાણીની ચોરી પકડવા માટે મોટા પાયે ગુપ્ત તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા હાલ આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી રહી નથી, જેથી પાણીચોરી કરતા બિલ્ડિંગ સંચાલકો કે અન્ય જવાબદારો અગાઉથી એલર્ટ ન થઈ જાય.
સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૮, ૯ અને ૧૦ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નં. ૧૧માં સૌથી વધુ શંકાસ્પદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મોટા મવા, મવડી અને નવા રિંગ રોડ સુધીના વિસ્તારોમાં આવેલી અનેક હાઈરાઇઝ બિલ્ડિંગો તપાસના કેન્દ્રમાં છે.
પ્રાથમિક માહિતી મુજબ કેટલીક જગ્યાએ પાણીની મુખ્ય લાઇનના વાલ્વ સાથે સીધું ગેરકાયદે જોડાણ કરીને વધુ પાણી લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તેના કારણે અન્ય રહેણાંક વિસ્તારો અને સામાન્ય મકાનોમાં પાણીનું દબાણ ઘટી જાય છે અને પૂરતો પાણી પુરવઠો મળતો નથી.મનપાની ટીમો હાલ ખાનગી રીતે તપાસ અને ચેકિંગની કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે પાણીચોરીનો મુદ્દો ગત જનરલ બોર્ડની બેઠકમાં પણ ઉઠ્યો હતો. હવે આગામી જનરલ બોર્ડમાં આ મુદ્દે ફરી ચર્ચા થવાની શકયતા છે. તે સમયે પાણીચોરીના ઝડપાયેલા કેસો, વસૂલાયેલા દંડ અને કરાયેલી કાર્યવાહી અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.
(2:51 PM IST)










