<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

મનપાની તીજોરી છલોછલ : મિલ્‍કત વેરા વળતરમાં ૭૬.૩૪ કરોડની આવક

૧,ર૯,૬ર૯ કરદાતાઓને રૂા. ૮.૬૩ કરોડ ડિસ્‍કાઉન્‍ટ અપાયું: ૩૧ મે સુધી ૧૦ થી ૧પ ટકા એડવાન્‍સ વેરો ભરનારને ડિસ્‍કાઉન્‍ટ તથા ૧ જુનથી ૩૦ જુન સુધી પ થી ૧૦ ટકા વળતર

રાજકોટ, તા., ર૯: મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્‍કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ ૦૭-૦૪-૨૦૨૬થી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ ડિજિટલ તથા ઓફલાઇન સુવિધાઓનો વ્‍યાપક ઉપયોગ કરી સમયસર વેરા ભરપાઇ કરવામાં આવી રહી છે, જેના પરિણામે વસુલાતમાં ઉત્‍સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

તા. ૨૯-૦૪-૨૦૨૬ સુધીમાં કુલ ૧,૨૯,૬૨૯ કરદાતાઓ દ્વારા રૂા. ૭૬.૩૪ કરોડની વેરા વસુલાત થવા પામી છે. જેમાંથી ઓનલાઇન માધ્‍યમ દ્વારા ચુકવણી કરનાર કરદાતાઓની સંખ્‍યા નોંધપાત્ર રહી છે. કુલ ૯૫,૮૯૬ કરદાતાઓએ ઓનલાઇન માધ્‍યમથી રૂા. ૫૬.૦૧ કરોડની રકમ ભરપાઇ કરી છે, જ્‍યારે ૩૩,૭૩૩ કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂા. ૨૦.૩૩ કરોડની ભરપાઇ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્‍સ વેરા ભરપાઇ કરનાર કરદાતાઓને પ્રોત્‍સાહનરૂપ ડિસ્‍કાઉન્‍ટ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત અત્‍યાર સુધી કુલ રૂા. ૮.૬૩ કરોડ જેટલી માતબર ડિસ્‍કાઉન્‍ટ રકમ કરદાતાઓને આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલમાં રહેલ ડિસ્‍કાઉન્‍ટ યોજના મુજબ તા. ૩૧-૦૫-૨૦૨૬ સુધી સામાન્‍ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ તથા મહિલા કરદાતાઓને વિશેષરૂપે ૧૫ ટકા ડિસ્‍કાઉન્‍ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્‍યારબાદ તા. ૧ જુનથી તા. ૩૦ જુન  દરમિયાન મહિલા કરદાતાઓને ૧૦ ટકા તથા સામાન્‍ય કરદાતાઓને ૫ ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મિલકતધારકોને આ બંને ડિસ્‍કાઉન્‍ટ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈ સમયસર મિલ્‍કતવેરા તથા પાણી વેરાની ભરપાઇ કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ઓનલાઇન પેમેન્‍ટ વ્‍યવસ્‍થા સરળ, ઝડપી અને પારદર્શક હોવાને કારણે મોટી સંખ્‍યામાં કરદાતાઓ ઓનલાઇન ચુકવણી તરફ આગળ વધી રહ્યા છે.

વર્ષ ૨૦૨૫-૨૬ની સરખામણીએ પણ આ વર્ષે વસુલાતને સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧,૩૯,૬૯૨ કરદાતાઓ દ્વારા રૂા. ૮૪.૧૯ કરોડની વસુલાત થવા પામી હતી. જેમાં ૧,૦૩,૫૩૦ કરદાતાઓએ ઓનલાઇન માધ્‍યમથી રૂ. ૫૯.૭૭ કરોડની ભરપાઇ કરી હતી, જ્‍યારે ૩૬,૧૬૨ કરદાતાઓએ ચેક તથા રોકડથી રૂા. ૨૪.૪૨ કરોડની ચુકવણી કરી હતી. તે સમયગાળા દરમિયાન કુલ રૂ. ૯.૪૩ કરોડ જેટલી ડિસ્‍કાઉન્‍ટ રકમ એડવાન્‍સ ટેક્‍સ ભરનાર કરદાતાઓને આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને વધુ સુવિધા મળે તે માટે ઓનલાઇન પેમેન્‍ટ સિસ્‍ટમ, ઇ-ગવર્નન્‍સ સેવાઓ અને નાગરિક કેન્‍દ્રિત સુવિધાઓને સતત વધુ સક્ષમ બનાવવામાં આવી રહી છે.  શહેરના વિકાસકાર્યોમાં નાગરિકો દ્વારા સમયસર ભરવામાં આવતા વેરાનો મહત્‍વપૂર્ણ ફાળો રહેલો છે, જેના કારણે માર્ગ, પાણી, સફાઈ, સ્‍ટ્રીટ લાઇટ, આરોગ્‍ય અને અન્‍ય શહેરી સુવિધાઓ વધુ મજબૂત બની રહી છે.

(3:49 PM IST)