તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Monday, 11th May 2026
ચાર વર્ષ પહેલા થયેલી ૭ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ખુલ્યોઃ રીઢા તસ્કર જયંતિને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાની આદતઃ ૫.૪૪ લાખના દાગીના કબ્જે : બોટાદ-ભાવનગરની બે ચોરીમાં પણ વોન્ટેડઃ સુરેન્દ્રનગર, મોઢેરા, ધ્રાંગધ્રાની ચાર ચોરીઓ પણ કબુલીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમની કામગીરી : એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. તુલસીભાઇ ચુડાસમા, મુકેશભાઇ સબાડ અને કોન્સ. સંજયભાઇ ખાખરીયાની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી સાત લાખની ઘરફોડ ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી દુધરેજના રીઢા તસ્કરને પકડી લીધો છે. અગાઉ બોટાદ ભાવનગરમાં બે ચોરીઓમાં પણ તેના નામ ખુલ્યા હોઇ આ ગુનામાં પણ તે વોન્ટેડ હતો. આ તસ્કર પાસેથી રૂા. ૫,૫૫,૨૦૦ના સોના-ચાંદીના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. દિવસના સમયે રેકી કરી બંધ મકાનમાં ચોરી કરવાની આદત આ તસ્કર ધરાવે છે.
ચોરી, ચિલઝડપ, લૂંટના ગુનાઓ બનતા અટકાવવા અને અનડિટેકટ આવા ગુના શોધી કાઢવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, મુકેશભાઈ સબાડ અને કોન્સ્ટેબલ સંજયભાઈ ખાખરીયાને મળેલી બાતમીના આધારે કેસરી હિન્દ પુલ પાસે આજી નદીના કાંઠેથી જયંતી ધીરૂભાઇ સરવૈયા (ઉ.વ.૨૭, રહે. દુધરેજ સાત નાળા પાસે, વહાણવટી નગર જી. સુરેન્દ્રનગર) નામના રીઢા તસ્કરને ઝડપી લીધો હતો.
વિશેષ પુછતાછ થતાં ઝડપાયેલો જયંતી રીઢો તસ્કર હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી સોના ચાંદીના દાગીના જમાં સોનાનો હાર રૂા. ૨,૬૫,૧૦૦નો, સોનાની કાનની બુટી રૂા. ૧,૨૯,૬૦૦ની, સોનાની નાની બુટી રૂા. ૩૩૩૦૦ની, સોનાનો ચેઇન રૂા. ૧,૦૪,૪૦૦નો, ચાંદીની લક્કી રૂા. ૧૦૪૦૦ની, બીજી લક્કી રૂા. ૭૯૦૦ની અને ઝાંજરા રૂા. ૪૫૦૦ના મળી કુલ રૂા. ૫,૫૫,૨૦૦ના દાગીના મળ્યા હતાં. આ દાગીના વિશે પુછતાછ થતાં તેણે વર્ષ ૨૦૨૨માં એ-ડિવીઝન વિસ્તારમાં જ બપોરના સમયે બંધ મકાનની રેકી કરી ચોરી કર્યાનું કબુલ્યું હતું. આ ચોરાઉ માલ તે પોતાની પાસે જ રાખતો હતો અને જરૂર પડે તેમ દાગીના વેંચીને મોજશોખમાં રૂપિયા ઉડાવતો હતો. આ વખતે દાગીના વેંચવાની પેરવી કરતો હતો ત્યાં જ ઝડપી લેવાયો હતો.
તે બોટાદના રાણપુર અને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓમાં પણ નાસતો ફરતો હતો. તેણે અગાઉ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને મોઢેરા વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અશોકભાઇ કલાકલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, મુકેશભાઇ સબાડ, તુલસીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરીયાએ આ કામગીરી કરી હતી.
(3:07 PM IST)










