<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

રા.લો.સંઘની ચૂંટણીઃ મોટી નવાજૂનીના એંધાણ

અરવિંદ રૈયાણી-બાબુ નસીતઃ કોણ જીતશેઃ નસીત માટે ઉજળા સંજોગો ચર્ચાય છે : વિજય સખીયા અને ઘોઘુભા વચ્‍ચે કસોકસનો મુકાબલોઃ હલેન્‍ડા બેઠકમાં રાજુ આસોદરીયા જીતી જવાના એંધાણઃ જ્‍યારે ત્રંબા બેઠકમાં ‘ટાઈ'ની શક્‍યતા

રાજકોટઃ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો. સંઘ)ની સામાન્‍ય ચૂંટણીના આજે મતદાન બાદ હવે પરિણામો અને બેઠકવાર સમીકરણોને લઈને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્‍થાનિક સ્‍તરેથી મળતા પ્રાથમિક સંકેતો અને આંકડાકીય વિશ્‍લેષણ મુજબ, આ વખતે ચૂંટણી ચિત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપ સમર્પિત પેનલ વચ્‍ચેના જ આંતરિક જૂથવાદ અને સ્‍થાનિક સમીકરણોને કારણે કેટલાક મોટા ગજાના નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

સૌથી વધુ ચર્ચાસ્‍પદ બનેલી બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના આગેવાન શ્રી અરવિંદ રૈયાણી અને શ્રી બાબુ નસીત વચ્‍ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીના આંતરિક ટ્રેન્‍ડ્‍સ અને મતદાનના સરવાળા મુજબ, આ બેઠક પર અરવિંદ રૈયાણી માટે નબળા એંધાણ વર્તાઈ રહ્યા છે, સ્‍થાનિક મતદારોનો ઝુકાવ બાબુ નસીત તરફ રહ્યાના નિર્દેશો વચ્‍ચે આ બેઠક પર મોટો અપસેટ સર્જાવવાની શક્‍યતા જોવાઈ રહી છે.

હલેન્‍ડા બેઠકઃ આ બેઠક પર રાજુ આસોદરિયાનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. મતદાનના પ્રારંભિક ઝોક પ્રમાણે રાજુ આસોદરિયા આસાનીથી વિજયી બને તેવા સંકેતો ચર્ચાઈ રહ્યા છે.

ત્રંબા બેઠકઃ આ બેઠક સહકારી રાજકારણ માટે સૌથી રસપ્રદ સાબિત થઈ છે. અહીં રસાકસી એટલી હદે વધી ગઈ છે કે મતગણતરીના અંતે 'ટાઈ' (સરખા મત) થાય અથવા નહિવત માર્જિનથી નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્‍યતા વ્‍યક્‍ત થઈ રહી છે.

વિજય સખીયા અને ઘોઘુભા વચ્‍ચેની સીધી ફાઇટમાં પરિણામ ગમે તે તરફ નમી શકે તેમ છે. બંને દાવેદારોએ પોતપોતાના વિસ્‍તારોમાં મજબૂત પકડ જમાવી હોવાથી અંતિમ ઘડી સુધી આ બેઠક પર જીત-હારનો સ્‍પષ્ટ અંદાજ લગાવવો મુશ્‍કેલ બન્‍યો છે. અહીં એક-એક મત નિર્ણાયક સાબિત થશે.

રા.લો. સંઘની ચૂંટણી સ્‍થાનિક સહકારી ક્ષેત્ર ઉપરાંત આગામી રાજકીય દિશા નક્કી કરવા માટે ખૂબ મહત્‍વની ગણાય છે. તમામ બેઠકોના સત્તાવાર પરિણામો અને આંકડાકીય વિગતો પછી મતગણતરી બાદ જ અંતિમ સ્‍થિતિ સ્‍પષ્ટ થશે, પરંતુ હાલના તબક્કે આ ચૂંટણીએ રાજકોટના રાજકારણમાં ભારે ઉત્તેજના સર્જી દીધી છે. હવે સહુની નજર આવતીકાલ ઉપર મંડાયેલ છે.

વિગતે જોઈએ તો રાજકોટ-લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકો માટે આજે સવારે નવથી બપોરે બે વાગ્‍યા સુધી મતદાન યોજાયું. સંઘના નિયામક મંડળની કુલ ૧૬ બેઠકો પૈકી ૧૧ બેઠકો બિનહરીફ થઈ હતી. બાકીની પાંચ બેઠકો માટે દસ ઉમેદવારો વચ્‍ચે સીધો મુકાબલો થતાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે.

કુવાડવા બેઠક પર પૂર્વ મંત્રી અરવિદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં છે. અન્‍ય બેઠકો પર વિજય સખિયા સામે પૃથ્‍વીસિહ જાડેજા, બાબુ નસીત સામે હરજીભાઈ પીપળિયા, અનિરુદ્ધસિંહ જાડેજા સામે નીતિન રૈયાણી અને મહેશ આસોદરિયા સામે ધીરુભાઈ રોકડનો મુકાબલો છે. માધાપર, કુવાડવા, ખોખરદળ, કસ્‍તુરબાધામ અને પાદાસણ જૂથની બેઠકો માટે મતદાન થયું છે.

ભાજપે પોતાના અધિકૃત ઉમેદવારોને મત આપવા પક્ષના મતદારો માટે આદેશ જાહેર કર્યો હોવા છતાં સામે ઊભેલા ઉમેદવારો પાછા ન હટતાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. અગાઉ સમરસ ચૂંટણી માટે પક્ષસ્‍તરે અનેક બેઠકો અને સમજાવટના પ્રયાસો થયા હતા, પરંતુ અંતિમ સમાધાન થઈ શક્‍યું નહોતું. મતદાન બાદ મતપેટીઓ નિયત સુરક્ષામાં રાખવામાં આવી છે  અને હવે આવતીકાલે નવ સપ્‍ટેમ્‍બરે મતગણતરી હાથ ધરાશે. પરિણામ માત્ર પાંચ ઉમેદવારોનું ભવિષ્‍ય નહીં, પરંતુ રાજકોટ જિલ્‍લાના સહકારી ક્ષેત્રમાં કયા જૂથની પકડ મજબૂત છે તે પણ નક્કી કરશે.. સત્તાવાર રીતે ભાજપના બે દિગ્‍ગજો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા જૂથ સામસામા હોવાનું સૌ કોઈ જાણે છે. કોનો હાથ ઉપર રહે છે તે તરફ હવે સૌની મીટ છે.(૪૦.૫૬)

(2:53 PM IST)