News of Saturday, 24th October 2026
ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય કક્ષાનું શહેરી સંમેલનઃ નેહલ શુકલ વકતવ્ય આપશે
‘મોડેલ મ્યુનિસિપલ લો' વિષયમાં રાજકોટના મેયર વકતા

રાજકોટ તા.૨૪: ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત ‘નેશનલ અર્બન કોન્ક્લેવ-૨૦૨૬'માં રાજકોટના મેયર ડો. નેહલ શુક્લને વિશેષ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. દેશભરમાંથી પસંદગી પામેલી મહાનગરપાલિકાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ ત્રિદિવસીય રાષ્ટ્રીય શિબિરમાં ડો. નેહલ શુક્લ ‘મોડલ મ્યુનિસિપલ લો' વિષય ઉપર વક્તવ્ય આપશે.
ભારત સરકાર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કોન્ક્લેવમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત અને રાજકોટ એમ માત્ર ત્રણ મહાનગરપાલિકાઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં પણ ‘મોડલ મ્યુનિસિપલ લો' ર્ વિષય ઉપર વક્તવ્ય આપવા માટે ડો. નેહલ શુક્લને આમંત્રણ મળ્યું છે.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સંચાલન, મ્યુનિસિપલ કાયદાઓમાં સુધારા, વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તથા બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ શહેરી શાસન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા જેવા મુદ્દાઓની ચર્ચા માટે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આયોજિત આ પ્રકારના રાષ્ટ્રીય કોન્ક્લેવમાં દેશના શહેરોના આયોજનબદ્ધ વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવા તથા આગામી વર્ષોમાં શહેરી વિકાસ માટે જરૂરી નીતિગત અને વહીવટી સુધારાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય કક્ષાના આ મંચ ઉપર રાજકોટના મેયરને વક્તવ્ય માટે મળેલા આમંત્રણથી શહેરી વહીવટ અને મ્યુનિસિપલ કાયદાઓ અંગે ગુજરાતનો અભિગમ રજૂ કરવાની તક મળશે.
(3:09 PM IST)










