<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સીટી-બીઆરટીએસ બસ સેવામાં બેદરકારી ફુલ સ્‍પીડે દોડીઃ ૪.૫૬ કરોડનો દંડ

સિટી બસ અને ઇલેક્‍ટ્રિક બસના સંચાલનમાં ગંભીર ખામીઓઃ ૨૦૨૬ના વર્ષમાં જ પાંચ એજન્‍સીઓ સામે લાખો-કરોડોની પેનલ્‍ટી ફટકારાઇ : બસ સ્‍ટોપ પર બસ નહીં રોકવી, ડ્રાઇવિંગમાં બેદરકારી, મુસાફરો સાથે ગેરવર્તન અને ટિકિટ આપવામાં ધાંધિયા સહિતની ફરિયાદો

રાજકોટ, તા.૨૧: મ્‍યુનિ.કોર્પોરેશન સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત સિટી બસ અને ઇલેક્‍ટ્રિક બસ સેવામાં એજન્‍સીઓની બેદરકારીનો ચોંકાવનારો હિસાબ બહાર આવ્‍યો છે. ચાલુ વર્ષ ૨૦૨૬માં બસ સંચાલન કરતી તથા ડ્રાઇવર-કંડક્‍ટર પૂરા પાડતી એજન્‍સીઓ સામે વિવિધ નિયમભંગ બદલ રૂ. ૪,૫૭,૦૩,૦૭૭નો જંગી દંડ ફટકારવામાં આવ્‍યો હોવાનું મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રજૂ થયેલા લેખિત જવાબમાં સામે આવ્‍યું છે.

શહેરમાં જાહેર પરિવહન સેવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્‍યારે બસ સંચાલનમાં જોવા મળેલી ખામીઓ અને મુસાફરોને પડતી મુશ્‍કેલીઓએ બસ સેવાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વોર્ડ નં. ૧૬નાં કોંગ્રેસ કોર્પોરેટર દીપ્તિબેન હરેશભાઈ સોલંકીએ જનરલ બોર્ડમાં સિટી બસ અને બીઆરટીએસ બસોના સંચાલન, એજન્‍સીઓની કામગીરી, બેદરકારી બદલ થયેલી કાર્યવાહી અને વસૂલવામાં આવેલા દંડ અંગે પ્રશ્‍નો પૂછયો હતો. તેના જવાબમાં રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓએ બસ સંચાલનની વાસ્‍તવિક સ્‍થિતિ ઉજાગર કરી છે.

વિવિધ એજન્‍સીને કરોડોનો દંડ

રાજકોટમાં ૧૦૦ ઇલેક્‍ટ્રિક બસના સંચાલન સાથે સંકળાયેલી વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડને જાન્‍યુઆરીથી ૧૨ નવેમ્‍બર ૨૦૨૬ સુધીમાં રૂ. ૨,૧૯,૫૦,૫૭૬નો દંડ કરવામાં આવ્‍યો છે.

જ્‍યારે ૧૦૦ સીએનજી બસના સંચાલન સાથે સંકળાયેલી શ્રી મારુતિ ટ્રાવેલ્‍સને રૂ. ૧,૪૮,૯૮,૪૦૧નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત ૫૦ ઇલેક્‍ટ્રિક બસના સંચાલન સાથે સંકળાયેલી નારાયણ સિટી બસ ઓપરેશન ?ાઇવેટ લિમિટેડને જાન્‍યુઆરીથી સપ્‍ટેમ્‍બર દરમિયાન રૂ. ૬૬,૩૭,૫૦૦નો દંડ કરવામાં આવ્‍યો છે.

ઇલેક્‍ટ્રિક બસમાં કંડક્‍ટર પૂરા પાડતી અલ્‍ટ્રા મોડર્ન એજન્‍સીને રૂ. ૧૭,૫૮,૦૦૦ અને ત્‍યારબાદ કામગીરી સંભાળનાર જે.કે. સિકયુરિટી એન્‍ડ કન્‍સલ્‍ટન્‍સીને રૂ. ૪,૫૮,૬૦૦નો દંડ કરવામાં આવ્‍યો છે.

મુસાફરો સાથે ગેરવર્તનથી માંડીને જોખમી ડ્રાઇવિંગ સુધીની બેદરકારી!

મહાનગરપાલિકાના જવાબમાં દર્શાવાયેલા દંડનાં કારણો પણ ગંભીર છે. બસોની યોગ્‍ય સફાઈ નહીં રાખવી, લાઇટ અને મીટરમાં ખામી, ડ્રાઇવર દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ, નિયત બસ સ્‍ટોપ પર બસ નહીં રોકવી, બસ બ્રેકડાઉન થવી, નિયત સંખ્‍યા કરતાં ઓછી બસ દોડાવવી, ડ્રાઇવર દ્વારા એકથી વધુ શિફ્‌ટમાં કામગીરી કરવી, સમયસર બસ શરૂ નહીં કરવી અને સીટબેલ્‍ટ નહીં પહેરવા જેવી ખામીઓ નોંધવામાં આવી છે.

આ ઉપરાંત બેફામ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, મુસાફરો તથા સ્‍ટાફ સાથે ગેરવર્તન, યુનિફોર્મ અને ઓળખકાર્ડ નહીં પહેરવા જેવી બાબતો પણ દંડનાં કારણોમાં સામેલ છે. કંડક્‍ટરની કામગીરીમાં મુસાફરોને ટિકિટ નહીં આપવી, નિયત સ્‍થળેથી ટિકિટ બુકિંગ શરૂ નહીં કરવું, કંડક્‍ટરની ગેરહાજરી અને ટિકિટ મશીનને નુકસાન જેવી ખામીઓ પણ સામે આવી છે.

કરોડોના દંડ છતાં બસ સેવામાં સુધારો કેટલો?

સિટી બસ એજન્‍સીઓ સામે એક જ વર્ષમાં રૂ. ૪.૫૭ કરોડથી વધુનો દંડ નોંધાયો છે ત્‍યારે જાહેર પરિવહન સેવાની ગુણવત્તા અંગે અનેક પ્રશ્‍નો ઉભા થયા છે. ખાસ કરીને બસ સ્‍ટોપ પર બસ નહીં રોકવી, મુસાફરો સાથે ગેરવર્તન અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ જેવી બાબતો મુસાફરોની સુવિધા તથા સલામતી સાથે સીધી જોડાયેલી છે.

સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ એજન્‍સીઓની કામગીરીમાં કેટલો સુધારો થયો? દંડની કેટલી રકમ ખરેખર વસૂલવામાં આવી? અને વારંવાર નિયમોનો ભંગ કરતી એજન્‍સીઓ સામે દંડ ઉપરાંત કયા કડક પગલાં લેવામાં આવ્‍યા?

મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ સામે આવ્‍યા બાદ હવે બસ સેવાની ગુણવત્તા સુધારવા માટે રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા કયા અસરકારક પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે.(૨૩.૧૯)

(3:35 PM IST)