News of Thursday, 28th May 2026
નેહલ શુકલની પદગ્રહણની કલાકોમાં જ અધિકારીઓ સાથે બેઠક : પેન્ડિંગ પ્રોજેક્ટની કરી સમીક્ષા
ત્રણ દિવસમાં તમામ અધુરા કામોની યાદી રજૂ કરવા અધિકારીઓને તાકીદ

રાજકોટઃ શહેરના ૨૩ માં મેયર તરીકે પદભાર સંભાળ્યા બાદ ગણતરીની કલાકોમાં જ ડો. નેહલ શુક્લ એક્શન મોડમાં આવી ગયા હતા. શુભેચ્છાઓ અને અભિનંદન વચ્ચે તેમણે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી પેન્ડિંગ અને ચાલુ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
મેયરે તમામ ચાલુ કામો, પેન્ડિંગ પ્રોજેક્ટ તેમજ બજેટમાં જાહેર કરાયેલા વિકાસકાર્યોની વિગતવાર યાદી ત્રણ દિવસમાં પોતાની સમક્ષ રજૂ કરવા અધિકારીઓને તાકીદ કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટણી આચારસંહિતાના કારણે અનેક વિકાસકાર્યો પર અસર પડી હતી. હવે ચૂંટાયેલી બોડી કાર્યરત થતાં વિકાસકાર્યોને ફરી ગતિ આપવા અને ચાલુ કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
સામાન્ય રીતે મેયર તરીકે નિમણૂકના પ્રથમ દિવસે શુભેચ્છાઓ સ્વીકારવામાં સમય પસાર થતો હોય છે, પરંતુ નેહલભાઈએ શહેરના વિકાસને પ્રથમ પ્રાથમિકતા આપવાનો સંકેત આપ્યો છે. બેઠક દરમિયાન તેમણે ઈંધણના આડેધડ ઉપયોગ પર પણ બ્રેક લગાવવા કડક તાકીદ કરી હતી. ઈંધણના વપરાશમાં ૭૦ ટકા સુધી ઘટાડાનો લક્ષ્યાંક રાખવા સૂચના આપવામાં આવી છે.
(3:46 PM IST)










