<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

કર્મચારી સોસાયટીમાં વિપુલભાઇને પથ્‍થર ફટકારી પાડોશીએ પગ ભાંગી નાંખ્‍યો

બાજુમાં રહેતાં સંજયભાઇના ભાડુઆત શખ્‍સો ગાળો બોલતાં હોઇ ના પાડવા જતાં માથાકુટઃ તાલુકા પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: દોઢસો ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે ભીમનગર પાસેની સોસાયટીમાં રહેતાં વિપુલભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) નામના આધેડ પર રાતે ઘર નજીક રહેતાં સંજય નામના શખ્‍સે હુમલો કરી પથ્‍થરનો છુટો ઘા કરતાં જમણા પગમાં પથ્‍થર લાગતાં પગ ભાંગી જતાં વિપુલભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ ભીમનગર પાસે કર્મચારી સોસાયટી-૩માં રહેતાં વિપુલભાઇ રાઠોડ રાતે સાડા બારેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે બાજુમાં આવેલા સંજયભાઇ પટેલના ઘરના ભાડુઆત શખ્‍સો ગાળાગાળી કરતાં હોઇ દેકારો થતો હોઇ વિપુલભાઇ આ બાબતે આ શખ્‍સોને સમજાવવા અને ગાળો નહિ બોલવાનું કહેવા જતાં બોલાચાલી થતાં આ વખતે ઘરધણી સંજયભાઇએ આવી ઝઘડો કરી મારા મારી કરી હતી.

વિપુલભાઇના કહેવા મુજબ માથાકુટ વખતે સંજયભાઇએ મોટો પથ્‍થર ઉપાડીને ઘા કરતાં તેમના જમણા પગમાં લાગતાં  પગ ભાંગી ગયો છે. વિપુલભાઇ બે ભાઇમાં મોટા છે. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ રિક્ષા હંકારી પરિવારનુ ગુજરાન ચલાવે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(2:52 PM IST)