તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
નવાગામ રંગીલા સોસાયટીમાં નવોઢા સંગીતા મેરની ઘરમાંથી લાશ મળીઃ ભાઇએ કર્યો હત્યાનો આક્ષેપ
સાંજે આઠ વાગ્યે ચતુરે ચોટીલાના લાખચોકીયા ગામે રહેતાં સાળા મહેશભાઇને ફોન કરી કહ્યું-તમારી બહેન ઝઘડો કરે છે, તમે તેડી જાવ છો કે હું મુકી જાવ? પછી નવ વાગ્યે કહ્યું-તમારી બહેને ગળાફાંસો ખાઇ લીધો છે રાજકોટ આવો... : બે ભાઇની એકની એક બહેન હતીઃ સાત મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પતિ બીજી કોઇસ્ત્રી સાથે વાત કરતો હોવાની સંગીતાબેનને શંકા હતીઃ આ વાતે ચડભડ થતી હતીઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ કુવાડવા પોલીસ આગળ કાર્યવાહી કરશે

રાજકોટ તા. ૧૬: શહેરના કુવાડવા રોડ પર નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી નવોઢાની તેના ઘરમાંથી લાશ મળતાં ચોટીલાના લાખચોકીયા ગામે રહેતાં આ નવોઢાના ભાઇએ બહેનને ત્રાસ હોવાનો અને તેની હત્યા થયાનો આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. મૃતકના ભાઇએ કહ્યું હતું કે સાંજે આઠેક વાગ્યે બનેવીએ મને ફોન કરીને કહ્યું હતું કે તમારી બહેન ઝઘડો કરે છે, તમે તેને તેડી જાવ છો કે હું મુકી જાવ? આ પછી નવેક વાગ્યે બહેને ગળાફાંસો ખાઇ લીધાની જાણ મને કરવામાં આવી હતી. અમે રાજકોટ નવાગામ તેણીના ઘરે પહોંચ્યા ત્યારે પલંગ પર બહેનની લાશ હતી અને લાકડાની આડીમાં સાડી લટકતી હતી. બહેને આપઘાત નથી કર્યો પણ તેને સાડીથી ફાંસો દઇ મારી નાંખવામાં આવી છે. ભાઇના આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી સંગીતાબેન ચતુર ગોરધનભાઇ મેર-કોળી (ઉ.વ.૨૪) નામની નવોઢાએ રાતે ઘરમાં ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. નારણભાઇ શિરોલીયા સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે મૃતકના માવતર પક્ષ તરફથી આ ઘટના હત્યાની હોવાનો આક્ષેપ થતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
મૃત્યુ પામનાર સંગીતાબેન બે ભાઇની એકની એક નાની બહેન હતી. તેણીના માતવર ચોટીલાના લાખચોકીયા ગામે રહે છે. પિતાનું નામ સુરાભાઇ સામતભાઇ બાવળીયા છે. તેણીના લગ્ન સાત મહિના પહેલા જ નવાગામ રંગીલા સોસાયટીના ચતુર ગોરધનભાઇ મેર સાથે થયા હતાં. પતિ ચતુર ઇમિટેશન, વેક્સનું કામ કરે છે.
મૃત્યુ પામનાર સંગીતાબેનના ભાઇ મહેશભાઇ સુરાભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે મારી બહેનના લગ્ન થયાના એકાદ મહિના બાદ તરત જ તેણીને ત્રાસ શરૂ થઇ ગયો હતો. બનેવી કોઇ બીજી છોકરી સાથે વાત કરતાં હોવા અગે મારી બહેને અમને વાત કરી હતી. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં. રવિવારે ૧૫મીએ સાંજે આઠેક વાગ્યે મને બનેવી ચતુરભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી બહેન મારા પર ખોટી શંકા કરી ઝઘડા કરે છે, તમે તેને તેડી જાવ છો કે હું મુકી જાવ? આ વખતે બહેન પણ તેમાં તેના પતિ સાથે વાત કરે છે ક-મેં નંબર બ્લોક કરી દીધા તો તમે શું કામ ખોલ્યા? રાતે ત્રણ વાગ્યે એને તમારુ શું કામ હોય છે?
આવી વાત થયા બાદ રાતે નવેક વાગ્યે બનેવીનો ફરીથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી બહેને ગળાફાંસો ખાઇ લીધો છે, તમે તાત્કાલીક રાજકોટ આવો. આ વાત થયા પછી અમે તુરંત નવાગામ રંગીલા સોસાયટીમાં બહેનના સાસરીયામાં પહોંચ્યા હતાં. અહિ પોલીસ હાજર હતી અને લોકો ભેગા થઇ ગયા હતાં. મારા બનેવી કે તેના પરિવારના બીજા લોકો જોવા મળ્યા નહોતાં. મારી બહેન સંગીતાબેનની લાશ પલંગ પર પડી હતી, ઘરમાં સાડી લટકતી હતી. તેમાં તેણીએ ફાંસો ખાઇ લીધાનું અને દરવાજોને ખોલવાના પ્રયાસમાં બોલ્ટ તુટી ગયાનું અમને જણાવાયું હતું. જો કે અમને પુરી શંકા છે કે બહેને આપઘાત નથી કર્યો પણ તેણીને સાડીથી ફાંસો દઇ મારી નાંખવામાં આવી છે.
મહેશભાઇના આક્ષેપોને પગલે પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં નારણભાઇ શીરોલીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરી કરશે. એકની એક નવપરિણીત દિકરીના મોતથી ચોટીલા લાખચોકીયાના બાવળીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસના કહેવા મુજબ સંગીતાબેનના સાસરીયા પક્ષના લોકો બનાવ વખતે મૃતકના માવતર પક્ષના લોકો આવ્યા ત્યારે માથાકુટ ન થાય એ માટે ક્યાંક જતાં રહ્યા હતાં. જે પછીથી પરત આવ્યા હોઇ તેમના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હવે પછી થશે. (૧૪
(૧૪
(10:48 AM IST)










