<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નો નંબર પ્‍લેટ નો ફયુલ...પોલીસ કમિશનરના આદેશનો ઉલાળીયો કરનારા દંડાયા ૭ પેટ્રોલ પંપ ખાતે નંબર વગરના વાહનોમાં ઇંધણ પુરાયું: કર્મચારીઓ સહિત ૧૨ વિરૂધ્‍ધ ગુના દાખલ

આજીડેમ પોલીસે ૪ ગુના, યુનિવર્સિટી, માલવીયાનગર, તાલુકા પોલીસે ૧-૧ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૪: નંબર વગરના વાહનોનો ઉપયોગ કરીને આચરવામાં આવતી ગુનાખોરી અટકાવવા તેમજ અકસ્‍માત સર્જી વાહન ચાલકો ભાગી જાય તો તેને શોધવામાં મુશ્‍કેલીઓ ઉભી ન થાય એ માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડી તમામ પેટ્રોલ પંપ સંચાલકોને નંબર પ્‍લેટ વગરના વાહનચાલકોને પેટ્રોલ નહિ ભરી આપવા કડક સુચના આપી છે. આમ છતાં અમુક પેટ્રોલ પંપ ખાતે આ હુકમનો ભંગ થતો હોય છે. આવતાં જતાં વાહનનોના સીસીટીવી ફૂટેજ પણ રાખવા સુચના અપાઇ હોઇ પોલીસે આવા ફુટેજ ચેક કરતાં અલગ અલગ ૭ પેટ્રોલ પંપ ખાતે જાહેરનામાનો ભંગ થતો નજરે પડતાં ફીલર મેન અને વાહનચાલકો મળી ૧૨ સામે ગુના દાખલ થયા છે. આજીડેમ પોલીસે ૪, યુનિવર્સિટી, માલવીયાનગર, તાલુકા પોલીસે ૧-૧ ગુના દાખલ કર્યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ પોલીસે આવા ચાર ગુના નોંધ્‍યા હતાં. જેમાં પ્રથમ કેસમાં કોઠારીયા સોલવન્‍ટ કોઠારીયા મેઇન રોડ, નારાયણ વે બ્રીજ પાસે આવેલા મારવેલ ફયુલ (ઇન્‍ડિયન ઓઇલ) પેટ્રોલ પંપ ખાતે નંબર પ્‍લેટ વગરના કાળા એક્‍ટિવા  જીજે૦૩ક્‍યુએફ-૦૦૬૦માં પેટ્રોલ ભરી આપવા બદલ  પેટ્રોલ ભરનાર કર્મચારી અલ્લારખા હુસેનભાઇ બ્‍લોચ (ઉ.વ. ૫૫, રહે. હાઉસિંગ બોર્ડ સોસાયટી, પ્‍લોટ નં. ૮૪, દૂધની ડેરી પાસે, દૂધસાગર રોડ, રાજકોટ) અને વાહનચાલક કિરણભાઇ થોભણભાઇ મુંધવા (ઉ.વ. ૨૧, રહે. મચ્‍છોનગર શેરી નં. ૮, ખોડીયાર ડેરીની બાજુમાં, દેવાભાઇ લાંબરીયાના મકાનમાં ભાડેથી,  મૂળ રહે. ઇંગોરાળા બાબરા) સામે ગુનો નોંધાયો છે.

બીજા કેસમાં  ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે આવેલા કોટેશ્વર ઓટો સેન્‍ટર પેટ્રોલ પંપ ખાતે નંબર પ્‍લેટ વગરના મોટરસાયકલમાં ઇંધણ પુરી આપવા બદલ ફિલર મેન ભરતપ્રસાદ ભગવાનજી મિશ્રા (ઉ.વ. ૬૦, રહે. હાલ તુલસી પાર્ક શેરી નં. ૦૧, કોટેશ્વર ઓટો સેન્‍ટર પેટ્રોલ પંપની પાછળ, મુળ રહે. નેવાળી-ખોખમ, તા. રામપુર મધ્‍યપ્રદેશ) સામે કાર્યવાહી કરાઈ છે.

ત્રીજા કેસમાં  સ્‍વાતી પાર્ક મેઇન રોડ આગળ, કોઠારીયા રિંગ રોડ પર આવેલા ભારત ઓઇલ કંપનીના ફયુલ પેટ્રોલ પંપ ખાતે કાળા સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ જીજે૦૩સીએસ-૬૧૭૮ની પાછળ નંબર પ્‍લેટ ન હોવા છતાં પેટ્રોલ ભરવા બદલ પેટ્રોલ ભરનાર કર્મચારી બીપીનભાઇ દેવરાજભાઇ બોરીસાગર (ઉ.વ. ૫૧, કળષ્‍ણરાજ પેટ્રોલિયમ પંપ ફયુલ પૂરનાર, રહે. લક્ષ્મણ ટાઉનશિપ, વાવડી) સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

ચોથા કેસમાં સરધાર ગામ ખાતે ખારસીયા રોડ પર આવેલા આશુતોષ બી.પી.સી.એલ. પેટ્રોલ પંપ ખાતે નંબર પ્‍લેટ વગરના મોટરસાયકલમાં ઇંધણ ભરવા બદલ પેટ્રોલ પંપના કર્મચારી મહેન્‍દ્રભાઇ જયંતીભાઇ જોષી (ઉ.વ. ૫૫, રહે. સરધાર, મેઇન બજાર) વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે.

જ્‍યારે યુનિવર્સિટી પોલીસે એક કેસ દાખલ કર્યો હતો. આત્‍મીય કોલેજ સામે, કાલાવડ રોડ પર આવેલા શ્રી ગીરીરાજ પેટ્રોલ પંપ ખાતે પાછળ નંબર પ્‍લેટ વગરના જીજે૦૩એલડી-૨૨૨૬ નંબરના એક્‍ેસેસમાં પેટ્રોલ ભરવા બદલ આરોપી પેટ્રોલ પંપ કર્મચારી નરેશભાઇ લખમણભાઇ સીલુ (ઉ.વ. ૫૩, રહે. દેવપરા, ભારતીનગર શેરી નં. ૮ અને ઉદયભાઇ ભરતગીરી ગૌસ્‍વામી (ઉ.વ. ૨૩, રહે. આસ્‍થા વિલેજ સોસાયટી, મેટોડા ગેટ નં. ૩) સામે ગુનો નોંધાયો છે.

તેમજ માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં નાના મવા ખાતે રિલાયન્‍સ મોલની બાજુમાં આવેલા આર.એમ.સી.-૨ એચ.પી. પેટ્રોલ પંપ પર જાહેરનામા અંગે સ્‍ટાફને માહિતગાર ન રાખી નંબર પ્‍લેટ વગરની સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ જીજે૦૩એનએલ-૪૩૩૩માં માં પેટ્રોલ ભરી આપવા બદલ  પેટ્રોલ પંપના સંચાલક-પંપ ઓફિસર વિવેક ચૌધરી અને કર્મચારી કાનો બહાદુરભાઇ સાડમીયા (ઉ.વ. ૨૦, રહે. કણકોટ પાટિયા પાસે) સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. 

તેમજ તાલુકા પોલીસ સ્‍ટેશન દ્વારા કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલ સામે સુર્યા શેલ પેટ્રોલ પંપ ખાતે નંબર વગરના વાહનમાં પેટ્રોલ ભરી આપવા બદલ રેલનગર ગંગોત્રી પાર્કમાં રહેતાં કર્મચારી કિશોરભાઇ રાણાભાઇ ગઢવી સામે ગુનો દાખલ કરાયો હતો.

(4:10 PM IST)