News of Monday, 12th October 2026
મોચીબજાર-કૃષ્ણપરા વિસ્તારમાં નોનવેજનાં ધંધાર્થીને ત્યાં ફૂડ શાખાના દરોડાઃ ૩ લાખના ૧પ૦૦ કિલો ચિકનનો નાશ
એસ મીરા ચીકનમાંથી ૧૧૦૦ કિલો તથા એલીફ ચીકનમાંથી ૪૦૦ કિલો પડતર ચીકનનો જથ્થો ઝડપાયો

રાજકોટ, તા. ૧રઃ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરના મોચીબજાર, કળષ્ણપરા સહિતના વિસ્તારોમાં નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બે પેઢીમાંથી અંદાજે ૧,૫૦૦ કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની ફૂડ શાખાએ મોચીબજાર વિસ્તારમાં આવેલી ‘એસ. મીરા ચિકન' પેઢીમાં તપાસ કરતાં આશરે ૧,૧૦૦ કિલો અખાદ્ય ચિકન મળી આવ્યું હતું. જ્યારે ‘અલીફ ચીકન' નામની પેઢીમાંથી અંદાજે ૪૫૦ કિલો ચિકનનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે જોખમી જણાયેલા આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત ચિકન ઉપર ઉત્પાદનની તારીખ, ઉપયોગની અંતિમ તારીખ કે અન્ય કોઈ પ્રકારનું જરૂરી લેબલિંગ જોવા મળ્યું નહોતું. ઉપરાંત, ચિકનનો જથ્થો અસ્વચ્છ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ચિકનના ફલોટરીંગ અંગેનુઁ કોઇપણ પ્રકારનું રજિસ્ટર નિભાવવામાં આવતા નહોતા.
આ તમામ ક્ષતિઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના તંત્રએ કાર્યવાહી કરી હતી. બંને પેઢીમાંથી મળેલા અંદાજે ૧,૫૦૦ કિલો ચિકનના જથ્થાની કિંમત આશરે રૂ. ૩ લાખ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.(
(3:15 PM IST)










