News of Monday, 22nd June 2026
મનપામાં ફરિયાદો માટે હવે એકજ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪
મહાનગરપાલિકાની ૪૩ સેવાઓ માટે એક જ નંબર પર ફરિયાદ નોંધાવવાની સુવિધાઃ ચોમાસામાં ડ્રેનેજ ફરિયાદો માટે વોર્ડવાઈઝ સંપર્ક નંબરો અને ફલડ કંટ્રોલરૂમ પણ કાર્યરત

રાજકોટ, તા. ર૦: મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થાને વધુ સુલભ બનાવવામાં આવી છે. હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટર નંબરો ૦૨૮૧-૨૪૫૦૦૦૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ના સ્થાને માત્ર એક જ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪ પર કોલ કરીને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સંબંધિત ફરિયાદ સરળતાથી નોંધાવી શકશે.
મહાનગરપાલિકાએ નાગરિકોને ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ, RMC Citizen Mobile App તેમજ WhatsApp Chat-Bot મારફતે પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ વ્યવસ્થા હેઠળ મહાનગરપાલિકાના કુલ ૪૩ વિભાગો સંબંધિત ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ છે.ફરિયાદ નોંધાયા બાદ તેની વિગતો સોફટવેર મારફતે સંબંધિત વિભાગ સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવે છે, જેના આધારે વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ ડિજિટલ સિસ્ટમના કારણે ફરિયાદોના સમયસર નિરાકરણમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા આવે છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે ડ્રેનેજ ઉભરાવા અને પાણી ભરાવાની સમસ્યાઓમાં વધારો થતો હોય છે. આ પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી સહાય મળી રહે તે માટે કોલ સેન્ટર ઉપરાંત ડ્રેનેજ વિભાગના વોર્ડવાઈઝ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત આપત્તિજનક પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ફલડ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડના સંપર્ક નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી મોસમ દરમિયાન ડ્રેનેજ, પાણી ભરાવા, મકાન જોખમી બનવા અથવા અન્ય તાત્કાલિક નાગરિક સુવિધા સંબંધિત સમસ્યાઓ અંગે ત્વરિત જાણ કરી મહાનગરપાલિકાને સહયોગ આપે અને સ્વચ્છ, સુરક્ષિત તથા સુવ્યવસ્થિત રાજકોટના નિર્માણમાં ભાગીદાર બને.

(2:44 PM IST)










