<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જૂનાજોગી નિતીન ભારદ્વાજને મહત્‍વની જવાબદારીઓ સોંપાઇ

હર્ષ સંઘવીના કાર્યક્રમના રોડ મેપથી લઇને બુથ મિટીંગ,વોર્ડ મિટીંગ અને ડેમેજ કન્‍ટ્રોલ સહિતની ટ્રબલ શુટરની ભુમિકાઃ પૂર્વ ધારાસભ્‍ય રમેશભાઇ રૂપાપરા દ્વારા મહત્‍વની જવાબદારી સોંપાઇ

રાજકોટ, તા. ર૧ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે જે પરિસ્‍થિતિ નિર્માણ થઇ, કાર્યકર્તામાં ટિકીટની વહેંચણીને લઇને જે રીતે નારાજગી જોવા મળી તેને જોતા એક અનુભવી નેતાની ખોટ વર્તાઇ રહી હતી જો કે આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે જુનાજોગી નિતીન ભારદ્વાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્‍વની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી  માહિતી પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયાં બાદ નિતીન ભારદ્વાજના અનુભવનો પાર્ટી દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.

ઉમેદવારોના વિજય વિશ્વાસ સંમેલનથી લઇને પ્રદેશ અધ્‍યક્ષ ,પ્રભારી મંત્રી અને પ્રદેશ મહામંત્રીના કાર્યક્રમમાં નિતીન ભારદ્વાજ સક્રિય રીતે જોડાયા હતા એટલું જ નહિ મહાનગરપાલિકાની ચૂંટણીને લગતા કેટલાક સુચનો પણ આપ્‍યા હતા.

રાજ્‍યના ડેપ્‍યુટી સીએમ હર્ષ સંઘવી પણ રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્‍યારે તેના રોડ શોના રૂટ અને તેને લગતી તૈયારીઓની સમિક્ષા કરવાની જવાબદારી પણ નિતીન ભારદ્વાજને સોંપવામાં આવી છે.

શ્રી ભારદ્વાજના અનુભવનો લાભ લઇને રાજકોટના કેટલાક અગત્‍યના વોર્ડમાં બુથ મિટીંગ,વોર્ડ મિટીંગ અને નારાજ કાર્યકર્તાઓનું ડેમેજ કન્‍ટ્રોલ કરવાની પણ જવાબદારી નિતીનભાઇને સોંપાઇ છે.

રાજકોટમાં ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ  ભારદ્વાજ અને કમલેશ મિરાણી જેવા અનુભવી નેતાઓને કારણે ગત ટર્મમાં ધમાકેદાર પરિણામ મેળવ્‍યું હતું જો કે આ વખતે ધનસુખ ભંડેરી જામનગરના અને કમલેશ મિરાણી ભાવનગરના પ્રભારી છે ત્‍યારે ગત ચૂંટણીનો અનુભવ મેળવીને મહાનગરપાલિકામાં ઉત્તમ પરિણામ મેળવી શકાય તે માટે ફરી જુનાજોગીઓને મેદાને ઉતારવામાં આવ્‍યા હોય તેવું લાગી રહ્યું છે.

(3:40 PM IST)