<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

અભિગમ આપણો સાચો, ઉત્‍કૃષ્‍ઠ, પવિત્ર હોવો જરૂરી : ડો. જ્ઞાનવત્‍સલ સ્‍વામી

રાજકોટ નાગરિક બેન્‍કના સ્‍થાપના દિન નિમિતે વ્‍યાખ્‍યાન યોજાયું તાકાત કરતાં હિંમતની કિંમત વધુ હોય, અર્થાત સંશાધન અને રિસોર્શીસ કરતાં અભિગમની કિંમત વધારે હોય છે

રાજકોટ : નાગરિક સહકારી બેન્‍ક લિ. ના ૭૪મા સ્‍થાપના દિન અવસરે ક્રિકેટ ટુર્નામેન્‍ટ, કરાઓકે, રકતદાન મહાશિબિર, નાગરિક રાસોત્‍સવ સહિતના કાર્યક્રમોની સાથે બીએપીએસ સંસ્‍થાના સંત શ્રી ડૉ. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજીનું ‘સ્‍મોલ ચેન્‍જીસ ઇન એટીટયુડ, બીગ ચેન્‍જીસ ઇન લાઇફ' વિષયક પ્રેરણાત્‍મક વ્‍યાખ્‍યાન હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલું હતું.

બીએપીએસ સંત શ્રી ડૉ. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, ‘આપણા અભિગમમાં એક નાનુ પરિવર્તન લાવીએ તો તે દ્વારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી શકે છે. અભિગમો છે એ આપણા વ્‍યકિતત્‍વ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. અભિગમ આપણો સાચો, ઉત્‍કૃષ્‍ઠ, પવિત્ર અને એક હોવો જરૂરી છે. ‘એટીટયુટ ઇઝ એવરીથીંગ' એ પુસ્‍તક દરેકે વાંચવુ જોઇએ. ગમે તેવી વિષમ પરિસ્‍થિતિમાં પણ સર્વોચ્‍ચ વિચાર કરવો એ આપણો અધિકાર છે. અભિગમથી જ વ્‍યકિતની પ્રગતિ થાય છે. સંશોધનો વત્તા-ઓછા હોય શકે છે પરંતુ અભિગમ સવળો અને સકારાત્‍મક હોય તો તમારી પ્રગતિ અને સફળતાનું માધ્‍યમ બની શકે છે. તાકાત કરતાં હિંમતની કિંમત વધારે હોય છે. અર્થાત સંશકધન અને રિસોર્શીસ કરતાં અભિગમની કિંમત વધારે છે. અભિગમ આપણે પાવરફુલ બનાવવાનો છે. પુરુષાર્થ અને પરિશ્રમ તો દરેકે કરવા જ પડે છે. પરંતુ તે કયાં અભિગમથી કરવો તે અગત્‍યનું છે. પ્રચંડ પુરુષાર્થ સવળા અભિગમ સાથે કરીએ તો નક્કર પરિણામ આવે જ છે. તમે ધારો તો જીવનમાં સેવાનો અભિગમ રાખીને કંઇક જુદા જ પ્રકારનો આનંદ મેળવી શકો છો. આનંદ ચિરંતન હોય છે. હું મારું કામ એવું કરું કે તે જોઇને  લોકો બીજા પાસે તેની સારી વાત અવશ્‍ય કરે જ. દરેકનું સારું ઇચ્‍છવું. અન્‍યનું સારું ઇચ્‍છો છો તો તેનું પણ સારું થાય છે અને તમારું પણ સારું જ થાય છે'.

 બેન્‍કના ચેરમેન શ્રી દિનેશભાઇ પાઠકે જણાવ્‍યું હતું કે, નાગરિક પરિવારજનો અને આત્‍મીય, આ વાત ફકત રાજકોટ નાગરિક સહકારી બેન્‍કમાં જ શકય છે. બાકી બધી જ જગ્‍યાએ કર્મચારી, આવી એક સબંધ સૂચક સંજ્ઞાનો ઉપયોગ થતો હોય છે પરંતુ આપણી બેન્‍કમાં આપણે કહીએ કે આત્‍મીય નાગરિક પરિવારજનો અર્થાત ખરેખર આપણા પરિવાજન જ છે.

બેન્‍કના સીઇઓ અને જનરલ મેનેજર શ્રી વિનોદ શર્માએ જણાવ્‍યું હતું કે, આજનો આ કાર્યક્રમ ફકત વાર્ષિક દિવસની ઉજવણીનો નથી પરંતુ આપણી સહિયારી સિદ્ધિઓને યાદ કરવાનો, સહુના યોગદાનને બિરદાવવાનો અને ભવિષ્‍ય માટે નવી પ્રેરણા મેળવવાનો અવસર છે. આજનો કાર્યક્રમ સ્‍વામીજીની ઉપસ્‍થિતિથી વિશેષ બની રહે છે.

બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના વાઇસ ચેરમેન શ્રી હંસરાજભાઇ ગજેરાએ જણાવ્‍યું હતું કે, બેન્‍કના સ્‍થાપના દિન અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયેલા. તેમાં કર્મચારીગણની વિવિધ અને નિખરતી પ્રતિભા જોવા મળી છે. રકતદાન મહાશિબિર થકી સામાજિક ઉત્તરદાયિત્‍વના કાર્યો પણ કર્યા છે. ઘણા સમયથી સ્‍વામીજીનું વ્‍યાખ્‍યાન બેન્‍ક પરિવાર માટે યોજાય તેવા પ્રયત્‍નો હતા અને આજે તે અવસર પ્રાપ્ત થયો છે.

આ કાર્યક્રમમાં સંત ડૉ. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજી, શ્રી નિત્‍યપ્રકાશ સ્‍વામીજી, બેન્‍ક પરિવારમાંથી શ્રી દિનેશભાઇ પાઠક (ચેરમેન), સીએ શ્રી ચંદ્રેશભાઇ ધોળકીયા (ઇન્‍ચાર્જ વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી શ્રી અશોકભાઇ ગાંધી, શ્રી કિર્તિદાબેન જાદવ, શ્રી હસમુખભાઇ ચંદારાણા, સીએ શ્રી ભૌમિકભાઇ શાહ, સીએ શ્રી બ્રિજેશભાઇ મલકાણ, શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી નવીનભાઇ પટેલ, શ્રી જયોતિબેન ભટ્ટ, શ્રી હસમુખભાઇ હિંડોચા, શ્રી લલિતભાઇ વોરા, શ્રી શૈલેષભાઇ મકવાણા (કા-ઓપ્‍ટ), શ્રી વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), બોર્ડ ઓફ મેનેજમેન્‍ટમાંથી શ્રી હંસરાજભાઇ ગજેરા (વાઇસ ચેરમેન), શ્રી અર્જુનભાઇ શિંગાળા, શ્રી રામભાઇ બરછા, શાખા વિકાસ સમિતિના સદસ્‍યો, કર્મચારીગણ અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી રજનીકાંત રાયચુરાએ કર્યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:19 PM IST)