તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 1st July 2026
એઇમ્સ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના યુનિટમાંથી ૩.૨૫ લાખના પાર્ટસની ચોરી
સેન્ટ્રલ એસીનો મહત્વનો પાર્ટ ચોરી જવામાં જાણભેદુ હોવાની શંકાઃ ગાંધીગ્રામ પોલીસે પ્રોજેકટ મેનેજર વિવેક કિશોરની ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાંથી કિંમતી સરસામાનની ચોરી થવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. એઇમ્સ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના એર હેન્ડલિંગ યુનિટમાં ફિટ કરવામાં આવેલો આશરે રૂ. ૩,૨૫,૦૦૦ની કિંમતનો કોઇલ સેન્ટ્રલ એસીનો મહત્વનો ભાગ કોઈ ચોરી જતાં ચર્ચા જાગી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બિહારના વૈશાલી જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં મોટામવા રોડ પર સદગુરૂ સેનટોરિયમ શેરી નં.૪માં રહેતાં વિવેક કિશોર પ્રસાદ સિંહ (ઉં.વ.૨૯)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. વિવેક કિશોર એફ.ટી. કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને તેમની કંપની રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરના સેન્ટ્રલ એ.સી.નું કામકાજ સંભાળે છે. એઇમ્સ હોસ્પિટલના બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટરોના એ.સી.નું કામ છેલ્લા ત્રણેક માસથી ચાલુ છે, જેમાં એર હેન્ડલિંગ યુનિટ નાખવાના હોય છે. આ મશીનો ગત તારીખ ૫/૫ના રોજ રાજકોટ એઇમ્સ ખાતે આવ્યા હતા. ૧૨મીએ સાંજે કામકાજ પુર્ણ થયા બાદ તમામ મજૂર કર્મચારીઓ પોતપોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ વીકેન્ડ અને રજાઓ પછી ૧૫મીએ ફરિયાદી વિવેક કિશોર અને તેમની સાઇટના સુપરવાઈઝરો તેમજ અન્ય મજૂરો કામ પર હાજર થયા ત્યારે ચોરીની જાણ થઇ હતી.
તમામ કર્મચારીઓએ જ્યારે એઇમ્સ હોસ્પિટલના ઓપરેશન થિયેટર પાસે જઈને જોયું તો ત્યાં રાખેલા એ.સી.ના મુખ્ય મશીન એટલે કે એએચયુમાં ફિટ કરેલો કોઇલ એટલે કે સેન્ટ્રલ એસીનો એક મહત્વનો ભાગ ગાયબ હતો. મજૂરો અને સુપરવાઈઝરોની પુછપરછ કરી હતી. તેમજ એઇમ્સ કેમ્પસમાં આજુબાજુ પણ સઘન તપાસ કરાવી હતી. પરંતુ લાંબી શોધખોળ બાદ પણ આ કોઇલ અંગે કોઈ સગડ મળ્યા ન હતા. ચોરાયેલા એર હેન્ડલિંગ યુનિટની કુલ કિંમત રૂ. ૪,૦૮,૫૧૬ છે, જેમાંથી તસ્કરો માત્ર તેનો મુખ્ય પાર્ટ કોઇલ કે જેની કિંમત આશરે રૂ. ૩,૨૫,૫૦૦૦ છે તે ચોરી ગયા છે. ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકા પણ સેવાઇ રહી છે.
(3:35 PM IST)










