<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

પીજીવીસીએલના કર્મચારી દીપકભાઇ લહેરૂએ સરધાર પાસે રાજપીપળામાં તાવા પ્રસાદ લીધા બાદ હૃદય બેસી જતાં મોત

રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતી સોસાયટીમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની : બેડીનાકા કચેરીમાં ફરજ બજાવતાં હતાઃ સાથી કર્મચારીએ તાવો રાખ્‍યો સાતેક લોકો ગયા હતાં

 

 

રાજકોટ તા. ૨૭: પરલોકનું તેડુ ક્‍યારે ક્‍યાં અને કેવી રીતે આવે તેની કોઇને ખબર હોતી નથી. આવી જ એક ઘટનામાં રૈયા રોડ હનુમાન મઢી પાસે રહેતાં પીજીવીસીએલના કર્મચારીનું સરધાર નજીક રાજપીપળા ગામે તાવા પ્રસાદ લેવા ગયા બાદ હૃદય બેસી જતાં મૃત્‍યુ થયું છે. કચેરીના જ એક સાથી કર્મચારીએ તાવો રાખ્‍યો હોઇ તેમાં પ્રસાદ લેવા માટે કર્મચારીઓ, અધિકારીઓ ગયા હતાં. પ્રસાદ લીધા બાદ આ કર્મચારી કારમાં બેઠા ત્‍યા જ છાતીમાં દુઃખાવો થવા માંડતા તુરત જ રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી નજીક તિરૂપતીનગર-૩માં રહેતાં દિપકભાઇ ચંદુભાઇ લહેરૂ (ઉ.વ.૫૮) ગઇકાલે સરધાર નજીક રાજપીપળા ગામે આવેલા મંદિર પાસે કારમાં બેઠા ત્‍યારે એકાએક પરસેવો વળવા માંડતા અને છાતીમાં દુઃખાવો થવા લાગતાં સાથી તુરત જ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હાર્ટએટેક ચાલુ હોઇ તેમને સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

વધુ વિગત મુજબ મૃત્‍યુ પામનાર દિપકભાઇ લહેરૂ બેડીનાકા પીજીવીસીએલ કચેરી ખાતે ફરજ બજાવતાં હતાં. તેઓ એક બહેનથી નાના હતાં. સંતાનમાં એક કિદરી છે. તેમના પત્‍નિનું નામ જૈનાબેન અને બહેનનું નામ જ્‍યોતિબેન છે. કચેરીના સાથી કર્મચારીએ ગઇકાલે રાજપીપળા માતાજીના મંદિર ખાતે તાવા પ્રસાદનું આયોજન કર્યુ હોઇ દિપકભાઇ બીજા અધિકારીઓ, કર્મચારીઓ મળી સાતેક લોકો સાથે રાજપીપળા તાવા પ્રસાદ લેવા ગયા હતાં. પ્રસાદ લઇને પરત આવવા કારમાં બેઠા ત્‍યાં જ તબિયત બગડી હતી. સારવાર માટે તુરત ખેસેડાયા હતાં. પરંતુ જીવ બચ્‍યો નહોતો. આ બનાવથી લહેરૂ પરિવારમાં અને સાથી કર્મચારીઓ, અધિકારીઓમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(11:10 AM IST)