News of Thursday, 25th June 2026
જંગલેશ્વર ડીમોલીશન વખતે લોકોની પીડા ભુલીને મીજબાની કરનાર નફફટ અધિકારીઓના ખીસ્સામાંથી ખર્ચ વસુલ કરો
રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ પરમારની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકા દ્વારા જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પ્રકિયા હાથ ધરવામાં આવી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પીડીતો અન્ન જળનો ત્યાગ કરી પોતાની બર્બાદી નજરે નિહાળી રહ્યા હતા. એવા સમયે રાજકોટ મહાનગરપાલિકાના ભુખડ ખાઉધરા નફ્ફટ અધિકારીઓ પોતાના પેટનો ખાડો પૂરવા મિજાબાનીનો લુફ્ત માણી રહ્યા હતા તે ખુબ દુઃખદ બાબત હોવાનો આક્રોશ રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ જે. પરમારે વ્યકત કર્યો છે. તેઓએ જણાવ્યુ છે કે આ સંદર્ભમાં માનવજાતને શર્માસાર કરતા તમામ શબ્દો ઓછાં પડે એમ છે.
લોકોની પીડા સમજી ન શકનારાઓને પાઠ ભણાવવા આ મિજબાનીનો તમામ ખર્ચ જે તે ખાઉધરા જવાબદાર અધિકારીઓના ખિસ્સામાંથી વસુલાત કરવા રાજયના મુખ્યમંત્રીશ્રીએ પગલા ભરવા જોઇએ તેવી રજુઆત નરેશભાઇ પરમારે કરી છે. જંગલેશ્વર ડીમોલેશનની કામગીરી દેશહિતની નિગેબાની સમાન હતી નહિ. પિડીતોના વ્યાકુળ સંજોગોમાં પ્રજાના ટેક્સના પૈસેથી ભરવામાં આવતી તિજોરીઓને આવી રીતે ખાલી કરવી અયોગ્ય છે. આ બિલ પાછળ ભુતકાળના કેટલા પદાધિકારીઓની ટકાવારી સાથે સંડોવણી છુપાયેલી છે તે બાબત ગુજરાત સરકાર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને તમામના નામ ઉજાગર કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેમજ ગુજરાત સરકાર દ્વારા વિકટ પરિસ્થિતિ (અવદશા) બાબતે સરકારી ખર્ચે મિજબાનીનો લુફ્ત માણી રહ્યા અધિકારીઓને ભાન કરાવવા ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા શરૂ કરાવવામાં આવે તેવી માંગણી શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ પરમારે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રના અંતમાં ઉચ્ચારી છે.
(2:36 PM IST)










