<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સરાઝા હોટલમાં પોલીસ કાર્યવાહી ગેસ્‍ટ લીસ્‍ટ જાહેર થવા અંગે સ્‍વતંત્ર તપાસ કરો

કોંગ્રેસ વિચાર વિભાગના પ્રમુખ ડો.નિદત બારોટની માંગ

રાજકોટ તા.૩: રાજકોટની સરાઝા હોટલમાં તા.૩૧ના રાત્રે થયેલી પોલીસ કાર્યવાહી, ગેસ્‍ટ લીસ્‍ટ જાહેર થવા તેમજ મીડીયા કર્મચારી સામે બળપ્રયોગ અંગે સ્‍વતંત્ર તપાસ કરવા કોંગ્રેસ અગ્રણી અને વિચાર વિભાગના પ્રમુખ ડો.નિદત બારોટે પોલીસ કમિશનર-રાજકોટને રજુઆત કરી માંગી કરી છે.

ડો.નિદત બારોટે એક રજુઆતમાં જણાવ્‍યુ છે કે, રાજકોટની સરાઝા હોટલમાં તા.૩૧/૧૦/૨૦૨૬ની રાત્રે થયેલી પોલીસ કાર્યવાહી અંગે અમારો ગંભીર વિરોધ છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલનો અમે વિરોધ કરતા નથી. પરંતુ કાયદાના અમલ દરમિયાન નાગરિકોના બંધારણીય અધિકારો, મહિલાઓનું ગૌરવ અને વ્‍યક્‍તિગત પ્રતિષ્ઠાનું રક્ષણ થવું અનિવાર્ય છે. મહિલાઓ સામે રાત્રિ કાર્યવાહીઃ અહેવાલો મુજબ ૩૩ મહિલાઓના બ્રેથ એનાલાઇઝર ટેસ્‍ટ નેગેટિવ હોવા છતાં તેમને મોડી રાત્રે હોસ્‍પિટલ લઈ જઈ લોહીના નમૂના લેવાયા. આ કાર્યવાહી પાછળનાં વાજબી કારણો અને કાયદાકીય સત્તા સ્‍પષ્ટ કરવામાં આવે. કાયદાકીય જોગવાઈઓઃ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૪૩(૫) મુજબ રાત્રે મહિલાઓની ધરપકડ માટેની વિશેષ શરતોનું પાલન થયું હતું કે કેમ તથા ગુજરાત પ્રોહિબિશન એક્‍ટની કલમ ૧ર૯A(૪) મુજબ મહિલા તબીબની દેખરેખ હેઠળ લોહીના નમૂના લેવાયા હતા કે કેમ તેની તપાસ ક૨વામાં આવે. ગેસ્‍ટ લિસ્‍ટ જાહેર થવાનો પ્રશ્નઃ સમારંભની ગેસ્‍ટ લિસ્‍ટ કોણે કબજે કરી? તેની નકલ મીડિયાને કોણે આપી? સમારંભમાં હાજર જ ન હોય તેવી વ્‍યક્‍તિઓનાં નામ અખબારોમાં કેવી રીતે પ્રસિદ્ધ થયાં? આ અંગે જવાબદારી નક્કી કરવામાં આવે. મીડિયા કર્મચારીઓ સામે બળપ્રયોગઃ પોતાની ફરજ બજાવતા પત્રકારો સામે પોલીસ દ્વારા કથિત બળપ્રયોગ શા માટે થયો? પત્રકારો સામે ફરજમાં રૂકાવટ અંગે કોઈ ગુનો નોંધાયો હોય તો તેની યોગ્‍યતાની પણ નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે.

ડો.નિદત બારોટે એક રજુઆતમાં જણાવ્‍યુ છે કે, અમારી સ્‍પષ્ટ માગણી છે કે સમગ્ર ઘટનાની વરિષ્ઠ અને સ્‍વતંત્ર અધિકારી મારફતે નિષ્‍પક્ષ તપાસ કરાવી સાત દિવસમાં પ્રાથમિક તપાસ અહેવાલ આપવામાં આવે તથા કોઈ ગેરકાયદેસર કાર્યવાહી કે માહિતી જાહેર કરવામાં જવાબદારી જણાય તેની સામે કાયદેસર પગલા લેવામાં આવે તેમ અંતમાં ડો.નિદત બારોટે જણાવ્‍યુ હતું.

(2:07 PM IST)