News of Friday, 29th May 2026
વિરપુરના ખંડણીના ગુનામાં સામેલ રાજકોટના પરાગના ઘરે ચેક કબ્જે કરવા આવેલી જેતપુર પોલીસને દારૂ મળ્યો
આરોપીના પત્નિની હાજરીમાં કબાટમાં તપાસ કરતાં અલગ અલગગ બોટલમાંથી ૧૦૦ અને ૨૦ એમએલ ભરેલી તથા એક આખી બોટલ મળતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવાયો

રાજકોટ તા. ૨૯: શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો હોઇ જેતપુર સીટી પોલીસ આ આરોપીના રાજકોટના ઘરે તપાસ માટે આવી ત્યારે બેડરૂમના કબાટમાંથી વોડકાની એક આખી બોટલ તથા બે બોટલમાં થોડો થોડો દારૂ હતો તે મળી આવતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના કોન્સ. અમિતભાઇ રસિકભાઇ સિધ્ધપરાની ફરિયાદ પરથી વૈશાલીનગર-૭ ગાયત્રી મંદિર સામે રહેતાં પરાગ અનિલભાઇ સોલંકી વિરૂધ્ધ દારૂનો ગુનો દાખલ કરાયો છે. ફરિયાદની વિગત મુજબ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમિતભાઈ રસિકભાઈ સિદ્ધપરા, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડ અને મહિલા કોન્સ્ટેબલ અસ્મિતાબેન મકવાણા સહિતનો કાફલો વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને ધમકીના કેસ ની તપાસમાં રાજકોટ આવ્યો હતો. આ કેસના આરોપી પરાગ અનિલભાઈ સોલંકીએ ફરિયાદી જીજ્ઞાબેન સુધીરભાઈ નિમાવતના બેંકના ચેકો પોતાના ઘરે છુપાવી રાખ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. ગુનાના કામે આ ચેક રિકવર કરવા માટે પોલીસ રાજકોટ પહોંચી મકાનમા તપાસ શરૂ કરી હતી. આ વખતે પરાગ સોલંકી ઘરે હાજર ન હતો, પરંતુ તેના પત્નિ ઉર્મિલાબેન હાજર હતાં. પોલીસે તેમને સાથે રાખીને જ્યારે બેડરૂમના કબાટની તલાશી લીધી ત્યારે ચેકને બદલે અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે એબ્સોલ્યુટ વોડકાની રૂા. ૨૦૦૦ની એક બોટલ, બકાર્ડી લેમન રમની એક બોટલ જેમાં ૧૦૦ મીલી જેટલો દારૂ હતો તે તથા બકાર્ડી બ્લેક રમની બોટલ જેમાં ૨૦ એમ દારૂ હતો તે મળતાં ગાંધીગ્રામ પોલીસમાં પરાગ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ઉર્મિલાબેનની પુછતાછ કરતાં તેણીએ પતિ ક્યારેક દારૂ પીવે છે પણ તે બોટલ ક્યાંથી લાવ્યા તેની ખબર નથી તેમ કહ્યું હતું.
(2:24 PM IST)










