તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
જનસંખ્યા નિયંત્રણ, સમાનતા અને જવાબદાર ભવિષ્યનો સંકલ્પ
૧૧ જુલાઇ વિશ્વ જનસંખ્યા દિવસઃ સંતુલિત વસ્તી, સમૃદ્ધ સમાજ અને સુરક્ષિત ભવિષ્ય

દર વર્ષે ૧૧ જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૮૯માં કરવામાં આવી હતી. ૧૧ જુલાઈ, ૧૯૮૭ના રોજ વિશ્વની વસ્તી પાંચ અબજને વટાવી હતી. આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ઝડપથી વધી રહેલી વસ્તી અને તેના સામાજિક, આર્થિક તથા પર્યાવરણીય પ્રભાવ તરફ દોર્યું. ત્યારથી દર વર્ષે વિશ્વ જનસંખ્યા દિવસ માત્ર વસ્તીની ગણતરીનો દિવસ નહીં, પરંતુ જવાબદાર માનવ વિકાસનો સંદેશ આપતો દિવસ બની ગયો છે.
આ વર્ષની વૈશ્વિક થીમ છે યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને આવતીકાલ માટે. આ થીમનો મૂળ ભાવ એ છે કે યુવા પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારું આરોગ્ય, રોજગારની સમાન તક, કૌશલ્ય વિકાસ અને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે તો જ વિશ્વનું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ બની શકે.
આજે વિશ્વની વસ્તી સતત વધી રહી છે, પરંતુ વિકાસનો સાચો માપદંડ માત્ર વસ્તીની સંખ્યા નથી. સાચો વિકાસ ત્યારે કહેવાય જ્યારે દરેક વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છ પર્યાવરણ, પીવાનું પાણી, રોજગાર અને સન્માનપૂર્ણ જીવન જીવવાની તક મળે. તેથી વિશ્વ વસ્તી દિવસ આપણને માત્ર આંકડાઓ નહીં, પરંતુ માનવજીવનની ગુણવત્તા વિશે વિચારવા પ્રેરિત કરે છે.
વસ્તી કોઈ પણ દેશ માટે સૌથી મોટી શક્તિ પણ બની શકે અને સૌથી મોટો પડકાર પણ. જો વસ્તી શિક્ષિત, કુશળ, સ્વસ્થ અને જવાબદાર હોય તો તે દેશના વિકાસનું એન્જિન બને છે. પરંતુ જો વસ્તીનો વધારો આયોજન વિના થાય તો બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, આવાસની અછત, પાણીની સમસ્યા અને કુદરતી સંસાધનો પર ભારે દબાણ સર્જાય છે.
ભારત આજે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અંદાજે ૧.૪૭ અબજથી વધુ વસ્તી સાથે ભારત વિશ્વનું સૌથી મોટું યુવા કાર્યબળ ધરાવે છે. આ યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી છે. માહિતી પ્રૌદ્યોગિકી, સ્ટાર્ટઅપ, મેન્યુફેક્ચરિગ, અવકાશ સંશોધન, આરોગ્ય સેવા અને ડિજિટલ અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે, કારણ કે અહીં પ્રતિભાશાળી યુવાનોની વિશાળ સંખ્યા ઉપલબ્ધ છે.
પરંતુ બીજી બાજુ શહેરોમાં વધતી ભીડ, ટ્રાફિક, વાયુ પ્રદૂષણ, આવાસની અછત, પાણીની સમસ્યા અને રોજગાર માટેની સ્પર્ધા સતત વધી રહી છે. તેથી વસ્તીનો વિકાસ અને સંસાધનોનો સંતુલિત ઉપયોગ સાથે-સાથે ચાલવો અત્યંત જરૂરી છે.
વિશ્વના કેટલાક વિકસિત દેશો આજે વિપરીત સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના ઘણા દેશોમાં જન્મદર સતત ઘટી રહ્યો છે. પરિણામે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને કામ કરવા માટે યુવાનોની અછત સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે માત્ર વધારે વસ્તી જ નહીં, પરંતુ અતિ ઓછી વસ્તી પણ વિકાસ માટે અનુકૂળ નથી. કોઈપણ દેશ માટે સંતુલિત વસ્તી સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે.
વિશ્વ જનસંખ્યા દિવસનો એક મહત્વપૂર્ણ સંદેશસ્ત્રી પુરુષ સમાનતા પણ છે. જ્યાં દીકરીઓને સમાન શિક્ષણ, આરોગ્ય, પોષણ અને વિવિધ છેત્રમાં તક મળે છે ત્યાં સમાજ વધુ પ્રગતિશીલ બને છે. પરંતુ જ્યાં હજુ પણ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ છે ત્યાં લિગાનુપાત બગડે છે અને અનેક સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે.
ષાી-પુરુષ અસંતુલન માત્ર આંકડાકીય પ્રશ્ન નથી તે સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. લગ્નમાં મુશ્કેલીઓ, મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન, માનવ તસ્કરી, માનસિક અસંતુલન અને સામાજિક અશાંતિ જેવી સમસ્યાઓનું એક કારણ અસંતુલિત લિગાનુપાત પણ છે. તેથી દરેક દીકરીનો જન્મ આનંદનો વિષય બને અને તેને સમાન તક મળે તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
આજે મહિલા સશક્તિકરણ માત્ર સામાજિક અભિયાન નથી, પરંતુ આર્થિક વિકાસનો આધારસ્તંભ બની ગયું છે. સરકાર દ્વારા બેટી બચાવોબેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, લખપતિ દીદી, ડ્રોન દીદી, મુદ્રા યોજના, મહિલા સ્વસહાય જૂથો અને વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વિશ્વના અનુભવ દર્શાવે છે કે જ્યાં મહિલાઓને શિક્ષણ, રોજગાર અને નિર્ણય લેવાની તક મળે છે ત્યાં ગરીબી ઘટે છે, બાળકોનું આરોગ્ય સુધરે છે, પરિવાર વધુ સમૃદ્ધ બને છે અને સમગ્ર અર્થતંત્રને નવી ગતિ મળે છે.
ભારતની સરેરાશ ઉંમર હજુ પણ વિશ્વના અનેક વિકસિત દેશોની સરખામણીએ ઓછી છે. આ સ્થિતિને અર્થશાષાીઓ જનસાંખ્યિક લાભાંશ તરીકે ઓળખાવે છે. પરંતુ આ લાભ ત્યારે જ મળશે જ્યારે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ, નવીનતા, સ્ટાર્ટઅપ, સંશોધન અને રોજગારની પૂરતી તકો મળશે.
જો યુવાનોને યોગ્ય દિશા નહીં મળે તો આ જ વસ્તી વિકાસની જગ્યાએ પડકાર બની શકે છે. તેથી યુવાનોમાં ચારિત્ર્ય, કૌશલ્ય અને રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કરવું એ સમયની સૌથી મોટી જવાબદારી છે.
વધતી વસ્તી સાથે કુદરતી સંસાધનો પર દબાણ પણ વધી રહ્યું છે. જંગલોનું ઘટતું ક્ષેત્રફળ, ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ, પ્લાસ્ટિક પ્રદૂષણ, હવામાન પરિવર્તન અને વધતું શહેરીકરણ આપણને ચેતવણી આપી રહ્યા છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે.
દરેક નાગરિક પાણીનો બચાવ કરે, વૃક્ષારોપણ કરે, ઊર્જાનો સંયમિત ઉપયોગ કરે અને સ્વચ્છતા જાળવે તો વધતી વસ્તી હોવા છતાં કુદરત સાથે સંતુલિત વિકાસ શક્ય બને.
વિશ્વ જનસંખ્યા દિવસ માત્ર સરકારની યોજનાઓ સુધી મર્યાદિત નથી. દરેક પરિવારની પણ જવાબદારી છે કે સંતુલિત અને જવાબદાર કુટુંબ વ્યવસ્થા અપનાવે, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે, દીકરી અને દીકરામાં કોઈ ભેદભાવ ન રાખે, આરોગ્ય પ્રત્યે જાગૃત રહે અને સમાજમાં સમાનતા તથા સંસ્કારનો સંદેશ ફેલાવે. વિશ્વ જનસંખ્યા દિવસના અવસરે આવો સંકલ્પ કરીએ કે નાનું અને સુખી કુટુંબ,સ્ત્રી-પુરુષ સમાનતા, પર્યાવરણનું સંરક્ષણ, યુવાનોનો સર્વાંગી વિકાસ અને જવાબદાર નાગરિકત્વ દ્વારા આપણે ભારતને વધુ સમૃદ્ધ, સંસ્કારી અને વિશ્વને માર્ગદર્શન આપનાર વિશ્વ ગુરુ રાષ્ટ્ર બનાવવામાં પોતાનો સક્રિય ફાળો આપીશું.
સંકલનઃ
બાબુભાઇ મેનપરા
૯૪૨૬૨૨૭૮૮૮










