News of Friday, 1st May 2026
ભગવતીપરામાંથી પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ ઉર્ફે ચકી ગાંજા સાથે પકડાયો
બી-ડિવીઝન પીઆઇ જી.આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરી અને ટીમે ૪૮૪૫નો ગાંજો, માટીની ચલમ, માચીસ સાથે પકડયોઃ જુનાગઢ ફરવા ગયો ત્યારે એક સાધુ પાસેથી પીવા લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૧: શહેરના બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાં દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઇમિટેશનનું કામ કરતો આ શખ્સ પોતે જુનાગઢ ફરવા ગયો ત્યારે ત્યાંથી એક સાધુ પાસેથી ગાંજો પીવા માટે લાવ્યાનું રટણ કરતો હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. ચૌધરી અને તેમની ટીમને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે ભગવતીપરામાં રહેતો પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ ઉર્ફે ચકી બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. ૨૬) શહીદ રાજગુરૂ ટાઉનશીપ પાસે ગાંજા સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખીને શંકાસ્પદ હાલતમાં ઉભેલા પ્રહલાદસિંહને કોર્ડન કરી તેની તલાશી લેતા, તેના પેન્ટના ખીસ્સામાંથી કાળા કલરના પ્લાસ્ટિકના ઝબલામાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે રૂા. ૪૮૪૫ની કિંમતનો ૦.૯૬૯ ગ્રામ ગાંજો કબ્જે કરીએનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ જછી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરી, ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, નીરલભાઇ ધડુક, હોમગાર્ડ રવિભાઇ, ડ્રા. અશ્વીનભાઇ સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો શખ્સ ઇમિટેશનનું કામ કરે છે. થોડા દિવસ પહેલા જુનાગઢ ફરવા ગયો ત્યારે એક સાધુ પાસેથી પીવા માટે પોતે આ ગાંજો લાવ્યાનું રટણ કરતો હોઇ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(3:41 PM IST)










