News of Saturday, 12th September 2026
લોધીકાના રાવકીમાં મજાકને લીધે માઠુ લાગતાં પ્રવિણે ઉંઘી રહેલા અરશીભાઇને ધોકા ફટકારી પતાવી દીધા
સોરઠીયા ફાઉન્ડ્રી નામના કારખાનામાં બનેલી હુમલાની ઘટના હત્યામાં પલ્ટાઇ : મુળ કોડીનાર મિતીયાજના ૩૯ વર્ષિય યુવાનનું ત્રણ દિવસની સારવાર બાદ રાજકોટમાં મૃત્યુઃ આરોપી લોધીકા પોલીસના સકંજામાં: હત્યાને કારણે ત્રણ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરમાર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૨: લોધીકાના રાવકી ગામે સોરઠીયા ફાઉન્ડ્રી નામના કારખાનામાં કામ કરતાં મુળ કોડીનારના મીતીયાજ ગામના વતની અરશીભાઇ લાખાભાઇ પરમાર (ઉ.વ.૩૯) નામના યુવાન પર કારખાનાની રૂમમાં તે સવારે ઉંઘમાં હતાં ત્યારે જ સાથે કામ કરતાં કોડીનાર પંથકના જ પ્રવિણ નામના શખ્સે માથામાં ધોકો ફટકારી દીધો હતો. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા અરશીભાઇનું મોડી રાતે અઢી વાગ્યે રાજકોટમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. રૂમમાં અલગ અલગ કર્મચારીઓ સાથે રહેતાં હોઇ રાતે મજાક મશ્કરી કરવા બાબતે પ્રવિણને ખોટુ લાગી ગયું હોઇ તેના કારણે હુમલો કર્યાનું ખુલ્યું છે.
આ બનાવમાં લોધીકા પોલીસે હત્યાનો ભોગ બનનાર અરશીભાઇના સાઢુભાઇ રાજકોટ કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રૂમ રાખીને રહેતાં મુળ કોડીનારના નવાગામના જયસુખભાઇ પીઠાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી મુળ કોડીનારના પીપળીયા બાવ ગામના અને હાલ લોધીકાના રાવકી ગામે હત્યાનો ભોગ બનનાર અરશીભાઇની સાથે જ રહેતાં અને કામ કરતાં પ્રવિણ બધાભાઇ રાઠોડ વિરૂધ્ધ હુમલો કરવાનો ગુનો તા. ૯ના રોજ દાખલ કર્યો હતો. અરશીભાઇનું સારવારમાં મોત થતાં હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરવામાં આવી હતી.
ફરિયાદમાં જયસુખભાઈ રાઠોડે જણાવ્યા મુજબ તે મુળ કોડીનારના છે અને હાલ રાજકોટ રહી રણછોડદાસબાપુ આશ્રમની આંખની હોસ્પિટલમાં ડોક્ટર સાથે આસીસ્ટન્ટ તરીકે કામ કરી ત્યાં જ રૂમમાં રહે છે. તેના સાઢુભાઇ અરશીભાઇ લાખાભાઇ પરમાર (ઉ.વ.૪૦) સાત આઠ વર્ષથી લોધીકાના રાવકી ગામે વિજયભાઇ રાઠોડ સાથે સોરઠીયા ફાઉન્ડ્રી કારખાનામાં કામ કરતા હતાં અને ત્યાં જ રૂમમાં રહેતાં હતાં. તારીખ ૯/૯ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેના સાઢુ અરશીભાઇ કારખાનામાં સુતા હતા. તે દરમિયાન પ્રવિણ બધાભાઈ રાઠોડે લાકડાના ધોકા વડે અરશીભાઇના માથામાં ત્રણ-ચાર ઘા મારી દીધા હતા.
આથી અરશીભાઇને સારવાર માટે શાપર અને ત્યાંથી રાજકોટ ખસેડાયા હતાં. જેની જાણ જયસુખભાઇને થતાં તેઓ ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતાં. તબીબોના જણાવ્યા મુજબ અરશીભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું અને તેઓ બેભાન હતાં. સારવાર દરમિયાન ગત મોડી રાતે અરશીભાઇનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાનો ભોગ બનેલા અરશીભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. અરશીભાઇના પિતા હયાત નથી. તેના પત્નિ, ત્રણ દિકરીઓ વતન મીતીયાજ ખાતે રહે છે. પોતે રાવકીમાં કારખાનામાં કામ કરી અહિ જ રહેતાં હતાં. લોધીકાના પીઆઇ આઇ. એમ. સરવૈયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. રાતે રૂમમાં મૃતક અને આરોપી તથા બીજા રૂમ પાર્ટનર વચ્ચે મજાક મશ્કરી થયા હોઇ તેમાં આરોપી પ્રવિણને માઠુ લાગી ગયું હોઇ ખાર રાખી સવારે અરશીભાઇ નીંદરમાં હતાં ત્યારે જ ધોકાના ઘા મારી દીધાનું ખુલ્યું હતું. આ બનાવથી પરમાર પરિવારમાં શોક વ્યાપી ગયો છે. (૧૪.૫)
(10:47 AM IST)










