News of Friday, 10th July 2026
જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે તૈયારીનો ધમધમાટ : ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરોની યાદી તૈયાર
ખેડૂતોના ગ્રૂપ બનાવીને વરસાદ-વાવાઝોડાની આગાહીની અપાતી જાણકારીઃ એસ.ટી. બસોના બંધ રુટની જાણકારી માટે એસ.ટી.નો કંટ્રોલ રૂમ કાર્યરત

રાજકોટ તા. ૧૦: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગે ચોમાસાની ઋતુના પ્રારંભે પૂર્વે તૈયારીઓ કરી લીધી છે. રાજકોટ જિલ્લામાં કલેકટર શ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર સક્રિયતાથી કાર્ય કરી રહ્યું છે. જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં એસ.ટી. સેવાના સંચાલન માટે એસ.ટી.વિભાગ તથા સંભવિત ખેતીપાકને નુકસાનીની સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે સહિતની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂરી માનવબળ સાથે ઉપલબ્ધ થાય તે રીતની તૈયારી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગ, રાજકોટ દ્વારા જણાવ્યું છે. એસ.ટી.ના બંધ થયેલા રૂટ અંગેની વિગતો જાહેર જનતાને મળી રહે તે માટે કંટ્રોલરૂમ પર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બંધ થયેલા રૂટની માહિતી ડિઝાસ્ટર શાખાને મોકલી આપવામાં આવે છે.
જયારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં બચાવ-રાહત કાર્ય માટે ઘટના સ્થળે ઉપસ્થિત કરાવી શકાય તેવા ૧,૧૪૮ ક્રેન માઉન્ટેડ વ્હીકલ, ૬૦૩ ડમ્પર, ૧૬૪૮૨ ટ્રેકટર, ૫૮૮૪ ટ્રક, ૯૫૧ જેસીબી-લોડર સહિતના વાહનોની યાદી તેમના માલિકના નામ, સરનામા અને મોબાઈલ નંબરની યાદી જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક મારફત ખેડૂતોના ગ્રૂપ બનાવી સંભવિત વરસાદ/વાવાઝોડાની આગાહી તમામ ખેડૂતોને નિયમિત મળી રહે તે પ્રકારે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ખેડૂતો સ્વબચાવ, પરિવારજનો સહિત ઢોર-ઢાંખરના બચાવની પૂર્વ તૈયારી કરી શકે, તેમ રાજકોટ ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
ચોમાસાના પ્રારંભે ખેડૂતો દ્વારા વાવણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોય છે ત્યારે વાવાઝોડા,પૂર કે અતિભારે વરસાદના કારણે ખેતીની જમીન કે પાકને નુકસાન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ૭૧ જેટલી સર્વે ટીમોની રચના કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ/ વાવાઝોડાની સ્થિતિમાં લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
(3:27 PM IST)










